Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
આણંદ જિલ્લામાં સતત ગેરહાજર પાંચ શિક્ષકો નોકરીમાંથી બરતરફ
એક વર્ષથી વધુ ગેરહાજર શિક્ષકોને ૩ લેખિત અને એક જાહેર પ્રસિદ્ઘિ નોટિસ બાદ લેવાયો નિર્ણય
13/08/2024 00:08 AM Send-Mail
શિક્ષકોને વિદેશ જવા માટેની રજાનો શું છે નિયમ?
કોઇપણ શિક્ષક પાસપોર્ટ કઢાવવા અરજી કરે ત્યારે શિક્ષણ વિભાગની એનઓસીની જરુર પડતી હોય છે અને મોટાભાગે શિક્ષણ વિભાગ આપતું હોય છે. જયારે શિક્ષકને વિદેશ પ્રવાસ જવાનું થાય એ પહેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની પૂર્વમંજૂરીરુપે એનઓસી લેવાની થતી હોય છે. જેથી અધિકારીએ રજાનો નિયમ અને ગંભીરતાને આધારે રજા આપવાની હોય છે. જો કે એક વર્ષ કરતાં વધુ સમયની રજા મંજૂર કરી શકાતી નથી.

રાજયમાં છેલ્લા ચારેક દિવસથી શાળામાં શિક્ષક લાંબા સમયથી ગેરહાજર અથવા ગેરહાજરના બદલે અન્ય વ્યકિત ફરજ બજાવતો હોવાનો મામલાનો વંટોળ વ્યાપ્યો છે. શિક્ષણ મંત્રીએ પણ આ ગંભીર મામલે બિનજવાબદાર શિક્ષકો સામે સખ્ત કાર્યવાહીનો સૂર વ્યકત કર્યો છે. આણંદ જિલ્લામાં એક વર્ષ કરતાં વધુ સમયથી શાળામાં ગેરહાજર રહેનાર પાંચ શિક્ષકોને ગત માસે જિલ્લા તંત્ર દ્વારા નોકરીમાંથી બરતરફ કરાયા હતા.

આણંદ જિલ્લાની ૧ હજાર ઉપરાંત સરકારી શાળામાં આશરે ૫૯૦૦ શિક્ષકો ફરજ બજાવે છે. શિક્ષકને એકાદ, બે દિવસની રજા માટે તેની જ શાળાના મુ.શિ. કે આચાર્યને, મુ.શિ.-આચાર્યને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને અને તા.પ્રા.શિ.ને જિ.પ્રા.શિક્ષણાધિકારની મંજૂરી લેવાની હોય છે. જયારે શિક્ષક સહિતની કેડરના કર્મચારીએ લાંબી રજા માટે અગાઉથી જિ.પ્રા.શિ. સહિત અધિકારિક સૂત્રોની મંજૂરી લેવાની હોય છે.

આણંદ જિલ્લામાં આશરે એક વર્ષ સુધી ગેરહાજર રહેતા શિક્ષકો અંગે જિલ્લા તંત્ર દ્વારા અગાઉ તપાસ કરવામાં આવી હતી. જેમાં પ્રા.શા.કન્યા,ભાલેજના સમીમબેન નુરમહંમદ મન્સુરી, પ્રા.શા.લીંગડાના જીજ્ઞાસાબેન જયંતિભાઇ પટેલ, પ્રા.શા.ખટનાલના નેહાબેન ભરતભાઇ મોદી, પ્રા.શા.જલ્લાના હાર્દિકભાઇ વિષ્ણુભાઇ પટેલ અને પ્રા.શા. પચેગામના અલ્પાબેન અમૃતલાલ પટેલ સતત ગેરહાજર હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું. જેથી નિયમોનુસાર આ પાંચેય શિક્ષકોને જિ.પ્રા.શિ.ની કચેરી દ્વારા ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી. છતાંયે કોઇ જવાબ ન આવતા છેલ્લા અખબારી જાહેરાત પ્રસિદ્વ કરીને ૪ જુલાઇ,ર૦ર૪ સુધીમાં શાળામાં હાજર થવાની આખરી નોટિસ આપવામાં આવી હતી. છતાંયે પાંચેય શિક્ષકો હાજર ન થતા તંત્ર દ્વારા આખરી નિર્ણય લઇને તેઓને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યાનું વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.