Sardar Gurjari

ગુરુવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૪

મુખ્ય સમાચાર :
તારાપુર-વટામણ રોડ ઉપર આવેલા કસ્બારા પાટીયા પાસે
મધરાતે લૂંટારૂં ટોળીએ સાત ટ્રક ચાલકોને માર મારીને ચલાવેલી લૂંટ
રોડની સાઈડના ખેતરોમાં લઈ જઈને બાંધી દઈ લાકડાના ડંડાથી માર માર્યા બાદ રોકડ રકમ અને મોબાઈલ ફોનો લૂંટી લીધા : ૬ ટ્રકો ભાવનગરની અને એક અમરેલીની લૂંટાઈ
31/05/2020 00:05 AM Send-Mail
ડ્રાયવરોને બંધક બનાવવાના કપડાં મળી આવ્યા
તારાપુર-વટામણ રોડ ઉપર આવેલા કસ્બારા પાટીયા પાસેના પેટ્રોલપંપ પાસે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે બનેલી લૂંટની ઘટનાને લઈને આજે તારાપુર પોલીસ સહિત એલસીબી, એસઓજી વગેરે એજન્સીઓ ઘટનાસ્થળે ઉમટી પડી હતી અને તપાસ કરતાં રોડની સાઈડના ખેતરમાંથી ટ્રક ચાલકોને બંધક બનાવેલા કપડાં મળી આવ્યા હતા. એક થેલીમાંથી સાડીના છેડા સહિતના લાંબા-લાંબા કપડાંના ટુકડા મળી આવ્યા હતા. જે પોલીસે જપ્ત કરીને તપાસ હાથ ધરી છે. લુંટારાઓએ ડ્રાયવરોના કપડાં પણ લઈ લીઘા હતા અને તેને ફાડી નાંખ્યા હતા. પોલીસે ખેતરોમાં તપાસ કરતાં એક બેભાન કરવાની શીશી પણ મળી આવી આવતાં જપ્ત કરી હતી.

તારાપુર સ્ટેટ હાઈવે પર પેટ્રોલીંગ વધારવા માંગ
કોરોના વાયરસને લઈને છેલ્લા બે મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા લોકડાઉનને લઈને ધંધા-રોજગાર ઠપ્પ થઈ જવા પામ્યા હતા અને લોકો બેહાલ થઈ ગયા છે ત્યારે ચોરી-ઘરફોડ ચોરીઓ, લૂંટ, ધાડ જેવા બનાવો વધવાની શક્યતાઓ વધુ છે. ગઈકાલે કસ્બારા પાટીયા પાસે બનેલી લૂંટની ઘટના બાદ આ આશંકા સાચી પડી રહી છે ત્યારે તારાપુર-વટામણ અને તારાપુરથી છેક વાસદ સુધીના સ્ટેટ હાઈવે પર રાત્રી દરમ્યાન રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ હાથ ધરાય તેવી વાહનચાલકો દ્વારા માંગણી કરવામાં આવી છે.

ટ્રક ચાલકોનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ
આજે સવારથી જ પાંચેક જેટલા ટ્રક ચાલકો તેમની સાથે બનેલી ઘટના વર્ણવતો એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ જવા પામ્યો હતો. જેમાં ટ્રક ચાલકો પોતાને થયેલી ઈજાઓ બતાવતા નજરે પડે છે અને કેવી રીતે તેમને માર મારીને લૂંટી લીધા તેનું આખુ વર્ણન કરી રહ્યા છે. સાથે સાથે આ વીડિયોના માધ્યમથી ટ્રક ચાલકોને ચેતવવામાં પણ આવ્યા હતા કે, તારાપુર-વટામણ રોડ લૂંટારું ગેંગ સક્રિય થઈ છે, જેથી ગમે તેવું કારણ હોય તો પણ ટ્રક ઊભી નહીં રાખવી. સવારથી જ આ વીડિયો સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

ડફેર ગેંગ સક્રિય થઈ હોવાની શક્યતા
કસ્બારા પાટીયા પાસે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે સાતેક જેટલી ટ્રકોના ચાલકોને માર મારીને અંદાજે એક લાખ ઉપરાંતની મત્તાની થયેલી લૂંટમાં ડફેર ગેંગ સક્રિય થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. છેલ્લાં કેટલાક સમયથી ડફેર ગેંગનો સફાયો થઈ ગયો હોવાનું મનાતુ હતું પરંતુ ગઈકાલની લૂંટની જે એમઓ છે તે જોતાં ડફેર ગેંગ જ હોવાનું પોલીસ માની રહી છે. જેના આધારે ડફેરોના દંગાઓ ઉપર પણ તપાસનો દોર હાથ ઘરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે અને ટુંક જ સમયમાં આ ડફેર ગેંગ ઝડપાઈ જાય તેવી શક્યતા જોવાઈ રહી છે.

લુંટારાઓ ૩૦ થી ૪૦ વર્ષના હતા
તારાપુર-વટામણ રોડ ઉપર આવેલા કસ્બારા પાટીયા પાસે ગઈકાલે છરાની અણીએ ટ્રક ચાલકોને રોકીને નજીકના ખેતરોમાં લઈ જઈને હાથ-પગ બાંધી દઈને માર મારી લુંટ ચલાવનાર છ શખ્સો ૩૦ થી ૪૦ વર્ષની ઉંમરના હતા અને એકે સફેદ ટી શર્ટ તથા જીન્સનું પેન્ટ પહેર્યુ હતુ. જ્યારે બીજા શખ્સોએ પણ પેન્ટ-શર્ટ પહેર્યા હતા અને તમામ હિન્દી-ગુજરાતી ભાષા બોલતા હતા જેથી સ્થાનિક શખ્સોની પણ સંડોવણી હોવાનું પોલીસ માની રહી છે.

તારાપુર-વટામણ રોડ ઉપર આવેલા કસ્બારા પાટીયા પાસે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે સક્રિય થયેલી લૂંટારું ગેંગ દ્વારા સાતેક જેટલી ટ્રકોને નિશાન બનાવીને ડ્રાયવરોને બંધક બનાવી લાકડાના ડંડાથી ઢોર માર મારીને એક લાખ ઉપરાંતની મત્તાની લૂંટ કરીને ફરાર થઈ જતાં વાહનચાલકોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે. આ અંગે તારાપુર પોલીસે ધાડનો ગુનો દાખલ કરીને કરીને તપાસનો દોર હાથ ધર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના ૧૧ વાગ્યાના સુમારે ફરિયાદી ભોલાભાઈ ઉર્ફે મહારાજ ધીરૂભાઈ દેવમોરારી (રે. કરદેજ, જિલ્લો ભાવનગર) લોખંડ ભરેલી ટ્રક લઈ દાહોદ જવા નીકળ્યા હતા. દરમ્યાન તારાપુર-વટામણ રોડ ઉપર આવેલા કસ્બારા પાટીયા પાસેથી રાત્રિના ૧૧:૦૦ વાગ્યાના સુમારે પસાર થઈ રહ્યા હતા ત્યારે આગળ બે આઈશરો ઊભેલી હોઈ તેમણે પોતાની ટ્રક ઊભી રાખી હતી. તે સાથે જ એક શખ્સ છરો લઈને કેબિનમાં ઘૂસી ગયો હતો અને છરો ગળા પર મૂકી જાનથી મારી નાંખવાની ધમકી આપીને ગાડીમાંથી અપહરણ કરીને નજીકની ઝાડીમાં લઈ ગયા હતાં. જ્યાં અગાઉથી જ ચારેક જેટલા ડ્રાઈવરોને બંધક બનાવીને રાખેલા જોવા મળ્યા હતા. બાદમાં લાકડનાં ધોકાથી તેમજ ગડદાપાટુનો માર મારીને રોકડા ૧૨ હજારની લૂંટ કરી લીધી હતી. ત્યારબાદ એકબાદ એક કુલ ૭ જેટલી ટ્રકો કે જેમાં પાંચ ભાવનગરની અને એક અમરેલીની હતી તેના ચાલકોને પણ માર મારીને મોબાઈલ ફોનો અને રોકડા લૂંટી લેવામાં આવ્યા હતા. એક ટ્રક ચાલક તો નજીકમાં આવેલા પેટ્રોલપંપ પાસે ટ્રકને પાર્ક કરીને કુદરતી હાજતે ગયો હતો જ્યાં તેને તેની બંટીથી બાંધી દઈને માર મારીને તેની પાસેના રોકડા ત્રણ હજાર લૂંટી લીધા હતા. અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

લૂંટારાઓએ કેટલાક ટ્રક ચાલકોની આજીજીને લઈને તેમના લૂંટેલા મોબાઈલ ફોનો પરત કર્યા હતા. અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ આણંદ જિલ્લા કન્ટ્રોલને કરવામાં આવી હતી ત્યાંથી તારાપુર પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે. જો કે જે રીતે ટ્રકોના ચાલકોને માર મારીને લૂંટી લેવામા ંઆવ્યા છે તેને લઈને સૌરાષ્ટ્રના ટ્રકચાલકોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે. તારાપુર સ્ટેટ હાઈવે સૌરાષ્ટ્ર અને દક્ષિણને જોડતો મુખ્ય રસ્તો છે, અહીંથી જ સૌરાષ્ટ્રના વાહનો દક્ષિણ ગુજરાત તરફ જતા હોય છે. વટામણ ચોકડીથી લઈને છેક તારાપુર સુધી સુમસામ રસ્તો હોય છે જેને લઈને લૂંટારાઓએ કસ્બારા પાટીયા નજીક એકબાદ એક કુલ સાતેક જેટલી ટ્રકોને અટકાવીને લૂંટો કરી હોવાનું મનાઈ રહ્યું છે. તારાપુર પોલીસે કુલ ૩૦ હજારની મત્તાની લૂંટનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

ચિખોદરાની કિશોરી પર અંધારીયા ચોકડી નજીક ગેંગરેપ : ૩ વિરૂધ્ધ ફરિયાદ

તારાપુર : જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો બનાવટી ભલામણપત્ર બનાવી આપતાં ફરિયાદ

બાકરોલના નિવૃત્ત બેંક કર્મી સાથે ટાટા સફારી ઈનામમાં લાગી હોવાના બહાને ૪૭૭૦૦ રૂા.ની ઠગાઈ

હાડગુડ પાસેથી રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે પકડાયા, એક ફરાર

છૂટાછેડા ના આપનાર પતિને પત્નીએ પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતાર્યો

પીપળાવની પરિણીતા પર પતિને જેલમાંથી છોડાવવાની લાલચ આપીને શખ્સનો અવાર-નવાર જાતીય અત્યાચાર

બોરીયાની યુવતીને લગ્નની લાલચ આપી જાતિય અત્યાચાર ગુજારાયો

બીલપાડ : ૪૩ વર્ષીય પ્રેમિકાની ૨૪ વર્ષીય પ્રેમીએ જ હત્યા કર્યાનો ઘટસ્ફોટ