Sardar Gurjari

ગુરુવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૪

મુખ્ય સમાચાર :
આણંદ સહિત ચરોતરમાં જૂનના બીજા સપ્તાહથી ચોમાસાની વિધિવત શરૂઆતનો વર્તારો
બંગાળ, ઓરીસ્સાની ખાડીની સક્રિય બનેલ લો પ્રેશર સીસ્ટમથી ખંભાતના દરિયાકાંઠે વાવાઝોડાની સંભાવના : આણંદ પંથકમાં સવારે છવાયો હતો વાદળછાયો માહોલ
31/05/2020 00:05 AM Send-Mail
૧પ જૂન સુધીમાં વરસાદ આવે તો ફાયદાકારક : ખેડૂતો
આણંદ, ખેડા જિલ્લામાં મોટાભાગના ખેડૂતો માટે ચોમાસુ સીઝન એ ખેતીપાકની મુખ્ય સીઝન ગણાય છે. હાલમાં મોટાભાગના ખેડૂતોએ ચોમાસુ પાકની તૈયારીઓના ભાગરુપે ખેતરોમાં કામગીરી આરંભી દીધી છે. જો કે લોકડાઉનના કારણે મજૂરો વતનમાં ચાલ્યા ગયા હોવાથી સ્થાનિક મજૂરો અને ખેડૂત પરિવારો જાતે ખેતરની વાડમાંથી ઝાડી-ઝાંખરા દૂર કરવા, શેઢાં સાફ કરવા સહિતની કામગીરીમાં જોડાયા છે. ચરોતરમાં ચોમાસુ સીઝનમાં ખાસ કરીને ડાંગર, શાકભાજીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. આથી સીઝનના પખવાડિયા અગાઉ ખેતરો તૈયાર કરાય છે. જેથી ગરમીમાં તપીને તૈયાર થયેલા ખેતરો વરાપ મારે છે. આ સ્થિતિમાં ૧પ જૂન સુધીમાં વરસાદ પડે તો તે ખેતી માટે ફાયદાકારક રહેશેનો મત ખેડૂતો વ્યકત કરી રહ્યા છે.

આણંદ સહિત બોરસદ, તારાપુર, પેટલાદમાં ગત મોડી સાંજે વીજ ચમકારા, પવન સાથે કમોસમી ઝરમર વરસી હતી. કાળઝાળ ઉનાળામાં સમી સાંજે સૌએ થોડી રાહત અનુભવ્યા બાદ બફારાથી સૌ ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. આગામી પખવાડિયામાં ચરોતરમાં મેઘરાજાની એન્ટ્રી થશેનો વર્તારો કરવામાં આવી રહ્યો છે. જો કે એકાએક કમોસમી માવઠાંના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

હવામાન વિભાગના મતે બંગાળ અને ઓરીસ્સાની ખાડીમાં સક્રિય બનતી લો પ્રેશર સીસ્ટમથી બે જુદી જુદી જગ્યાએ વાવાઝોડું સક્રિય બન્યું છે. જે આગામી બે-ત્રણ દિવસમાં દિક્ષણ અને મધ્ય ગુજરાતના દરિયા કાંઠાએ આવી પહોંચશેની સંભાવના છે. ખાસ કરીને ગુજરાતમાં ખંભાતના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકેની સંભાવના છે. જો કે આગામી ત્રણ દિવસ પવન સાથે ધૂળની ડમરીઓનું જોર રહેશેનો અણસારો છે.

આજે ગરમીનો પારો ગગડીને ૩૯ પહોંચ્યો હતો. મહત્તમ તાપમાનમાં ઘટાડા સાથે ભેજના પ્રમાણમાં વધારો થયો હતો. આજે ૭૮ ટકા ભેજ અને ૯ પ્ર.ક.ની ઝડપે ગરમ પવનો ફૂંકાયા હતા. આથી દિવસભર અસહ્ય બફારાએ સૌને પરેશાનીમાં મૂકયા હતા. બીજી તરફ આણંદ, ખેડા જિલ્લામાં મોટાભાગના ખેડૂતોને બાજરીનો પાક ખેતરમાં ઉભો હોવા સાથે ઉનાળુ ડાંગર પણ તૈયાર થવાના આરે છે. આથી કમોસમી ઝાપટું વરસે તો તૈયાર ખેતીપાકને ભારે નુકસાન પહોંચશેની ચિંતા ખેડૂતો વ્યકત કરી રહ્યા છે. હવામાન વિભાગના મતાનુસાર આશરે ૧૦મી જૂને મહારાષ્ટ્રમાં સક્રિય થનાર ચોમાસુ ગુજરાત તરફ આગળ વધશે. જેથી જૂનના બીજા સપ્તાહમાં આણંદ સહિત ચરોતરમાં ચોમાસાની વિધિવત શરુઆતની સંભાવના છે. આજે સવારથી આણંદ સહિત ચરોતરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ વર્ષ ચોમાસુ સારું રહેશેની સંભાવના છે.