Sardar Gurjari

ગુરુવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૪

મુખ્ય સમાચાર :
ખંભાત : વધુ એક નવા વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો
ત્રણોલ, સોજીત્રા અને ખંભાતના ર મળી કુલ ૪ દર્દીઓ સ્વસ્થ થતાં રજા અપાઇ
31/05/2020 00:05 AM Send-Mail
કુલ ૩ પૈકી ૧ વેન્ટીલેટર અને ર દર્દી ઓકિસજન ઉપર
આણંદ જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ ૯૮ પૈકી હાલમાં માત્ર ૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી ર કાર્ડીયાક કેર સેન્ટર, ખંભાત અને ૧ કરમસદ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ત્રણ દર્દીઓ પૈકી ૧ વેન્ટીલેટર ઉપર તેમજ બે દર્દીઓ ઓકિસજન ઉપર હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

ખંભાતમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ ન લઇ રહ્યું હોય તેમ હવે નવા નવા વિસ્તારોમાંથી પોઝિટિવ કેસ બહાર આવી રહ્યા છે. જેથી ખંભાતગરાઓમાં ચિંતા વ્યાપી છે. આજે ખંભાતના પરામાં આવેલ કડવા પોળમાં ૬ર વર્ષીય આધેડનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેઓને સારવાર હેઠળ મૂકવા સહિત તેઓના કલોઝ કોન્ટેકટ અને સંપર્કમાં આવનાર વ્યકિતઓના મેડીકલ સેમ્પલ લેવા સહિતની કામગીરી આરોગ્ય વિભાગે હાથ ધરી છે.

બે દિવસ અગાઉ ખંભાતના ૩ વ્યકિતઓના વડોદરાની હોસ્પિટલમાં તપાસ દરમ્યાન કોરોના પોઝિટિવ આવતાં સારવાર માટે દાખલ કરાયા છે. આ ત્રણ દર્દીઓ ખંભાતમાં પથ્થર મસ્જિદ વિસ્તાર, પાનકોર વિસ્તાર અને નાકરાતની પોળના હતા. ગતરોજ આરોગ્ય વિભાગ અને પાલિકાની ટીમે આ વિસ્તારોને સેનેટાઇઝ કરવા સહિત સેમ્પલ લેવાની, હોમ કવોરેન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરી હતી.

દરમ્યાન આજે ખંભાતના પીઠ બજારની અંદરની તરફે આવેલ પરા વિસ્તાર કડવા પોળમાં આધેડનો કોરોના પોઝિટિવ આવતા સંક્રમણ ચાલુ રહ્યાનો ફફડાટ જાગૃતજનો વ્યકત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના કુલ ૯૮ કેસ નોંધાયા છે. જે પૈકી આજે ત્રણોલ અને સોજીત્રાના મહિલા તથા ખંભાતના બે પુરૂષ દર્દીઓ કોરોના મુકત થતા હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી. આમ, સ્વસ્થ બનીને રજા અપાયેલ દર્દીઓની સંખ્યા ૮૩ થવા પામી છે. અત્યાર સુધીમાં કોરોનાથી ૧૦ અને બિન કોવિડથી ર મળીને કુલ ૧ર લોકોના મોત નીપજયા છે.