Sardar Gurjari

શનિવાર, તા. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦, ફાગણ સુદ ૬, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૨૫૨

મુખ્ય સમાચાર :
કેનેડામાં કિંખલોડની ૫રિણીતાનું મોત : હત્યાની આશંકા
મૂળ પામોલના હિરલબેન પટેલના લગ્ન કિંખલોડના વતની રાકેશ પટેલ સાથે થયા હતા : સાસરીયાઓના ત્રાસથી બે માસ અગાઉ છૂટાછેડા થયા હતા, હત્યા કરાયાનો પરિવારજનોનો આક્ષેપ : ૧૧ જાન્યુ.એ ગૂમ થયાના ૩ દિવસ બાદ અકસ્માતગ્રસ્ત કારમાં હિરલ પટેલની કચડાયેલી લાશ મળી હતી
17/01/2020 00:01 AM Send-Mail
બ્રેમ્પટોનના લાકડાંવાળા વિસ્તારમાંથી લાશ મળી
સોમવારે સાંજે બ્રેમ્પટોનમાં નેક્સસ એવન્યુ અને ફોગલ રોડ નજીક લાકડાવાળા વિસ્તારમાં લાશ હોવાનું સ્થાનિકે પોલીસને જણાવ્યું હતું જેને લઈ પોલીસ દોડી ગઈ હતી અને સ્થાનિક લોકોની પૂછપરછ કરી હતી. સિક્યુરિટી કેમેરાની તપાસ કરી હતી. આ ઘટનાની તપાસને લઈ પોલીસે એબનેઝર રોડ અને ફોગલ રોડ વચ્ચે નેકસસ એવન્યુ બંધ કરી દીધો હતો.

અકસ્માત નહીં હત્યા છે : રાકેશભાઈ પુરૂષોતમભાઇ પટેલ (મૃતકના કાકા)
મૃતક યુવતીનાં કાકા રાકેશભાઈએ હિરલની હત્યા તેનાં સાસરીયાઓ દ્વારા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે અમેરિકા રહેતા હિરલના જેઠ સુનીલે હિરલને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જેથી આ અકસ્માત નહિ પરંતુ હત્યા હોવાનો આરોપ લગાવ્યો હતો, પરિવાજનોએ જણાવ્યું હતું કે અમો અમારી દીકરીના હત્યારાઓને છોડીશું નહિ અમે સાંસદ મિતેશભાઈ પટેલ અને ઈન્ડિયન એમ્બેસીમાં પણ આ અંગે રજૂઆત કરીશું.

હિરલ પટેલ ગુમ થતા ટોરેન્ટો પોલીસે કમાન્ડ પોસ્ટ કરી હતી
મૂળ પામોલની હિરલ પટેલ છેલ્લા ત્રણ દિવસ અગાઉ રાત્રે ૧૧ કલાકે જોવા મળી હતી તે રાત્રે ઈસલિંગ્ટન એવન્યુ અને સ્ટીલ્સ એવન્યુ વેસ્ટ નજીકથી પસાર થઈ હતી. તેણીએ બ્લેક જેકેટ, ગ્રે પેન્ટ પહેરી હતી અને બ્લેક એન્ડ વ્હાઈટ બેકપેક લઈને ગઈ હતી. પોલીસે બ્રિમ્પટનમાં ફિન્ચ એવન્યુ વેસ્ટ અને સ્ટીલ્સ એવન્યુ ઈસ્ટ નજીકના ૧૫૬ પાર્કશોર ડો. પર કમાન્ડ પોસ્ટ ગોઠવી હતી અને જાણકારી માટે લોકોની મદદ માંગી હતી.

પોલીસે મૃતક હિરલના પતિને વોન્ટેડ જાહેર કર્યા
ટોરેન્ટો પોલીસે સોમવારે સાંજે બ્રેમ્પટોન લાકડાવાળા વિસ્તારમાંથી મળી આવેલ લાશની તપાસ હાથ ધરતા તે હિરલ પટેલની હોવાનું ખુલવા પામ્યું હતું જે બાબતે પોલીસે પત્રકારોને જણાવ્યું હતું કે લાશ હિરલ પટેલની છે અને તે નેક્સસ એવન્યુ અને ફોગલ રોડ નજીકના બ્રેમ્પટોનમાં લાકડાવાળા વિસ્તારમાંથી મળી હતી. આ કેસમાં પોલીસે હિરલ પટેલના પતિ રાકેશભાઈ મહેન્દ્રભાઈ પટેલ (ઉ.વ.૩૬)ને વોન્ટેડ જાહેર કર્યો છે.

બોરસદ તાલુકાનાં પામોલ ગામની અને કિંખલોડ ગામે એનઆરઆઈ યુવક સાથે પરણાવેલી યુવતી બે દિવસ પૂર્વ કેનેડામાં ગુમ થયા બાદ તેણીનો મૃતદેહ કારમાં કચડાયેલી હાલતમાં મળી આવ્યો હતો. આ સમાચાર મળતાં પામોલ ગામે તેનાં પરિવારજનોમાં શોક પ્રસરી જવા પામ્યો છે સાસરીયાઓ દ્વારા તેણીની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કરીને મૃતક યુવતીના પરિવારજનોએ આજે બોરસદ રૂરલ પોલીસ મથકમાં રજૂઆત કરી હતી, આ મામલે યુવતીનાં ભાઈએ કેનેડા પોલીસમાં ે ફરિયાદ આપી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી વિગતો અનુસાર પામોલ રહેતા હિરલ પટેલના લગ્ન સાત વર્ષ પૂર્વ ૨૦૧૩માં મૂળ કિંખલોડના અને કેનેડામાં સ્થાયી થયેલા એનઆરઆઈ રાકેશભાઈ મહેન્દ્રભાઈ પટેલ સાથે થયા હતા. લગ્ન બાદ હિરલ પણ પતિ પાસે કેનેડા પહોંચી હતી અને મેડિકલમાં જોબ પણ શરૂ કરી હતી. શરૂઆતનું લગ્ન જીવન બરાબર ચાલ્યું હતું. પરંતુ ત્રણ વર્ષ પછી સાસરીયાઓ દ્વારા યેનકેન પ્રકારનાં બહાના હેઠળ હિરલ પર શારીરિક માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. જેને લઈને પરિવારમાં અનેક વાર ઝઘડાઓ પણ થતા હતા. સાસરીયાઓના ત્રાસથી ત્રસ્ત હિરલ કેનેડાના ગેરફેલ્લા ડ્રાઈવ, ઈટોબીકેકો ખાતે રહેતા પતિનું ઘરને છોડીને કેનેડાના ટોરોન્ટોમાં ઈટોબીકોક કીટ્ટીવેક એવન્યુ ખાતે રહેતા પોતાનાં ભાઈ વિનય અતુલભાઈ પટેલની સાથે રહેવા ચાલી ગઈ હતી અને બે માસ પૂર્વ તેણીએ પોતાનાં પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા. પોતાનાં ભાઈનાં પરિવાર સાથે રહેતી હિરલ મેડિકલમાં જોબ કરતી હતી.

દરમિયાન ગત ૧૧મી જાન્યુઆરીના રોજ જોબ પર ગયેલી હિરલ ઘરે પરત ન આવતા તેણીનાં ભાઈએ આ અંગે ટોરેન્ટો પોલીસને જાણ કરતા પોલીસે ગુમ થયાની નોંધ કરીને હિરલની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન હિરલનો મૃતદેહ ખાડી વિસ્તારમાંથી મળી આવતા પોલીસે તપાસ કરતા હિરલનો મૃતદેહ કચડાઈ ગયેલો હતો. શરીરે ગંભીર ઈજાઓના ચિહ્નો હોઈ હિરલની હત્યા કરાઈ હોવાનું જણાતા તેના મૃતદેહને પોષ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડયો હતો. આ ઘટનાની જાણ પામોલ ખાતે તેણીનાં પરિવાજનોને થતા પરિવારમાં શોક પ્રસરી જવા પામ્યો હતો.તેનાં પરિવારજનો અને ગામના અગ્રણીઓએ બોરસદ રૂરલ પોલીસ મથકે સંપર્ક સાધીને આ અંગે રજૂઆતો કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાની તપાસ હાલમાં તો કેનેડાની ટોરેન્ટો પોલીસ ચલાવી રહી છે.