Sardar Gurjari

શનિવાર, તા. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦, ફાગણ સુદ ૬, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૨૫૨

મુખ્ય સમાચાર :
બોરસદમાં ધોળા દહાડે ૧૫ લાખની મત્તાની લૂંટ ચલાવી બે બાઈક સવારો ફરાર
યુનિયન બેંક પાસે ટ્રાફિક જામ થતાં શ્રી ગણેશ જ્વેલર્સના માલિક કિરણભાઈ સોનીએ બાઈક ધીમુ કરતાં જ એક ગઠિયાએ ૩૫૦ ગ્રામ સોનુ અને એક લાખ રોકડા ભરેલો થેલો લૂંટી બાઈક પર બેસીને ફરાર : મોઢે બુકાની બાંધેલ જીન્સ પેન્ટ પહેરેલ લૂંટારો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો
17/01/2020 00:01 AM Send-Mail
કલેક્ટરના જાહેરનામાનું છેડેચોક ઉલ્લંઘન છતાં કોઈ કાર્યવાહી નહીં !
આણંદના જિલ્લા કલેક્ટરે જાહેર સ્થળો, દુકાનો, માર્ગો પર સીસીટીવી કેમેરા લગાવવાના જાહેરનામા બહાર પાડ્યા હોવા છતાં પણ સ્થાનિક તંત્ર દ્વારા કલેક્ટરના આદેશની અમલવારી કરાવવામાં આવતી નથી. બોરસદ શહેરમાં અવાર-નવાર ધોળા દહાડે ચીલઝડપ, લૂંટ, ચોરી જેવી ઘટનાઓ બની રહી છે. પોલીસ જ્યારે સીસીટીવી ફુટેજની ચકાસણી કરવા જાય છે ત્યારે મોટાભાગના કેમેરા બંધ હાલતમાં મળે છે, અથવા તો હાઈ રીઝોલ્યુશેનવાળા ના હોવાને કારણે કશુંય સ્પષ્ટ દેખાતુ નથી જેને કારણે આરોપીઓને મોકળુ મેદાન મળી જવા પામ્યું છે.

ભરચક એવા બળિયાદેવ, પટેલ ચકલામાં પોલીસ પોઈન્ટ મૂકવા માંગ
બોરસદ શહેરના બળિયાદેવ અને પટેલ ચકલા વિસ્તારમાં દેના બંેક, યુનિયન બેંક તેમજ ત્રણ જેટલા એટીએમ સેન્ટરો અને ૨૫થી વધુ જ્વેલર્સની દુકાનો આવેલી છે. શહેરની શાકમાર્કેટ પણ અહીંયા ભરાય છે જેને લઈને સવારથી લઈને સાંજ સુધી સતત ભીડ રહેતી હોય છે. જેનો લાભ ગઠિયાઓ અને લૂંટારાઓ ઉઠાવી રહ્યા છે. અગાઉ આ વિસ્તારમાં નકલી પોલીસ બનીને આવેલા શખ્સોએ ભરબપોરે સોનાના વેપારીને લૂંટી લીધો હતો. ત્યારબાદ એક પાર્લરમાંથી રૂપિયા ભરેલી થેલીની તડફંચી અને યુનિયન બેંક બહાર પાર્ક કરેલા એક્ટીવાની ડીકીમાંથી રૂપિયા ભરેલી બેગની ચોરી થઈ હતી. આજે પણ ધોળા દહાડે એક સોની પાસેથી ૧૫ લાખની મત્તા ભરેલી બેગની લૂંટ કરવામાં આવી છે. જેને લઈને આ વિસ્તારમાં પોલીસ પોઈન્ટ મૂકવાની માંગણી કરવામાં આવી છે.

રેકી કર્યા બાદ લૂંટની ઘટનાને અંજામ અપાયો
બોરસદના ભરચક એવા બળિયાદેવ વિસ્તારમાં આજે ઘોળા દહાડે થયેલી ૧૫ લાખની લૂંટ સંદર્ભે કેટલીક ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. જેમાં લૂંટારાઓએ કિરણભાઈ સોનીની રેકી કરી હોવાનું મનાઈ રહ્યું છે. કિરણભાઈ સોની દરરોજ કેટલા વાગ્યે દુકાને આવે છે અને કયા રસ્તેથી આવે છે તેની પૂરેપૂરી ચોકસાઈ કરી લીધા બાદ બન્ને બાઈક સવારો લવજી એસ્ટેટ પાસે વોચમાં ગોઠવાઈ જાય છે. કિરણભાઈ સોની આવતાંની સાથે જ એક લૂંટારો તેમના બાઈકનો પીછો કરે છે અને સીફતપૂર્વક થેલો આંચકીને ત્યાંથી બાઈક પર બેસીને ફરાર થઈ જાય છે.

દોઢ જ મિનિટમાં લૂંટની ઘટનાને અંજામ અપાયો
બોરસદ શહેરના બળિયાદેવ વિસ્તારમાં ધોળા દિવસે બનેલી લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. જેમાં ૧૧:૫૧:૫૫ કલાકે કિરણભાઈ સોની બાઈક પર બેગ ભરવીને દુકાન તરફ આવે છે અને તેમની પાછળ બ્લ્યુ જેકેટ પહેરેલ મોઢે બુકાની બાંધેલો શખ્સ દોડતો આવીને બાઈક ધીમી પડતાં જ તેની પાછળ-પાછળ જાય છે અને સુખડીયા સ્વીટ નામની દુકાન પાસે ટ્રાફિક જામ થતાં જ ૧૧:૫૨:૧૧ કલાકે બાઈક પરથી થેલો ઉઠાવીને બળિયાદેવ મંદિર તરફ જતો રહે છે. લવજી એસ્ટેટ પાસે બાઈક લઈને ઊભેલો તેનો સાગરિત તેની નજીક જાય છે એ સાથે જ પેલો શખ્સ થેલો લઈને બાઈક પર બેસી જાય છે અને બન્ને અમદાવાદી દરવાજા તરફ ભાગી જાય છે.

યુનિયન બેંકના સીસીટીવી કેમેરા પણ તકલાદી !
બોરસદ શહેરના બળિયાદેવ વિસ્તારમાં બનેલી લૂંટની ઘટના બાદ પોલીસે યુનિયન બેંકના સીસીટીવી ફુટેજ ચેક કર્યા હતા. બેંક દ્વારા કેમેરાના એન્ગલ એટીએમ તરફ લગાવેલા મળ્યા હતા. તેમજ ફુટેજની ક્લીયારીટી પણ આવતી નથી જેને લઈને એવા સવાલો ઊભા થવા પામ્યા છે કે, અગાઉ બેંકની બહારથી જ રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી થવા પામી હતી ત્યારે પણ બેંકના સીસીટીવી કેમેરા કામ લાગ્યા નહોતા જેથી બેંકમા નાણાં ઉપાડવા કે ભરવા માટે આવતા ગ્રાહકો સાથે આવી ઘટના બને તો લૂંટારાઓ કેવી રીતે પકડાય તે અંગે પણ સવાલો ઊભા થવા પામ્યા છે.

બોરસદ શહેરના બળિયાદેવ મંદિર વિસ્તારમાં આજે ધોળા દહાડે એક સોનીના બાઈક પર ભરાવેલો ૧૫ લાખની મત્તા ભરેલો થેલો લૂંટીને બાઈક પર બે શખ્સો ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. લૂંટમાં સંડોવાયેલો એક શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યો છે, જેના આધારે બોરસદ શહેર પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બોરસદના શ્રી ગૌડ ટેકરા વિસ્તારમાં રહેતા કિરણભાઈ સોનીની બળિયાદેવ મંદિર વિસ્તારમાં શ્રી ગણેશ જ્વેલર્સ નામની સોના-ચાંદીના દાગીના લે-વેચની દુકાન આવેલી છે. આજે બપોરના બારેક વાગ્યાની આસપાસ તેઓ પોતાના ઘરેથી બાઈક પર એક થેલામાં ૩૫૦ ગ્રામ સોનુ અને રોકડા ૧ લાખ મૂકીને થેલાને બાઈક પર ભરવીને દુકાને આવવા નીકળ્યા હતા. જૂની બેંક ઓફ બરોડાથી તેઓ બળિયાદેવ મંદિર તરફ આવી રહ્યા હતા ત્યારે યુનિયન બેંક પાસે ટ્રાફિક જામ થતાં જ તેઓએ પોતાનું બાઈક ધીમુ કર્યું હતુ. એ સાથે જ એક શખ્સ તેમના બાઈકની નજીકમાં આવી ચઢ્યો હતો અને થેલો આંચકી લે છે, એ સાથે જ લવજી એસ્ટેટ પાસે બાઈક લઈને ઊભેલો તેનો સાગરિત તેની નજીક આવી જાય છે અને પેલો શખ્સ થેલો લઈને બાઈક પર બેસી બળિયાદેવ મંદિર તરફ ફરાર થઈ જાય છે.

કિરણભાઈની નજર પડતાં જ તેઓએ બાઈકને સાઈડમાં લઈને પાર્ક કરી બૂમાબૂમ કરી હતી પરંતુ ત્યાં સુધીમાં તો બાઈક સવાર લુંટારા ક્યાંથી ક્યાં નીકળી ગયા હતા. ઘટનાની જાણ બોરસદ શહેર પોલીસને કરવામાં આવતાં પોલીસની ટીમ તુરંત જ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને બોરસદ શહેરમાંથી તેમજ આસપાસની ચોકડી વિસ્તારો ઉપર નાકાબંધી કરાવી દઈને તપાસ હાથ ધરી હતી. જો કે મોડીસાંજ સુધી કોઈ ફરિયાદ થવા પામી નથી.