Sardar Gurjari

શનિવાર, તા. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦, ફાગણ સુદ ૬, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૨૫૨

મુખ્ય સમાચાર :
આતંકવાદનો ખાત્મો અમેરિકી સ્ટાઇલથી જ કરી શકાય છે : સીડીએસ જનરલ બિપિન રાવત
17/01/2020 00:01 AM Send-Mail
દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતે કહ્યું છે કે દુનિયાને આતંકવાદથી મુક્ત કરવા માટે આતંકવાદીઓ અને તેમના સાથ આપનારાઓ પર આકરી કાર્યવાહી કરવી પડશે. નવી દિલ્હીમાં આયોજિત બે દિવસીય રાયસીના ડાયલોગ પ્રોગ્રામમાં જનરલ રાવતે કહ્યું કે આતંકવાદને અમેરિકાની સ્ટાઇલથી જ પરાસ્ત કરી શકાય છે. આ કાર્યક્રમમાં તેમણે દેશમાં લોકોને કટ્ટર બનાવવા, કાશ્મીરમાં પેલેટ ગનના ઉપયોગ જેવા ગંભીર સવાલોના જવાબ આપ્યા.

તેમણે કહ્યું કે, આપણે આતંકવાદનો સફાયો કરવો પડશે અને એવુ માત્ર એ જ રીતે કરી શકાય છે જે રીત અમેરિકાએ ૯/૧૧ હુમલા બાદ અપનાવી હતી. અમેરિકનોએ આતંકવાદ વિરૂદ્ઘ યુદ્ઘ છેડી દીધું. સીડીએસએ કહ્યુંકે, આતંકવાદના ખાત્મા માટે આતંકવાદીઓની સાથે-સાથે એ લોકોને પણ સબક શીખવાડવો જરૂરી છે જે લોકો આતંકવાદને ફંડિંગ કે તેનો બચાવ કરે છે. તેમને દંડિત કરવા જ પડશે. તેમણે આતંકી સંગઠનો સાથે શાંતિ સમજૂતી અંગે કહ્યું કે આવી સમજૂતીઓમાં અમન-ચેન સુનિશ્ચિત કરવાની ગેરંટી લેવી જોઇએ.

જનરલ રાવતે કહ્યું કે તમારે (અફઘાનિસ્તાનમાં) તમામ સાથે શાંતિ સમજૂતિ કરવી છે, જો તમે તેમની સાથે આમ કરો છો તો તમારે શાંતિ સુનિશ્ચિત કરવી પડશે. તાલિબાન હોય કે આતંકવાદમાં સંડોવાયેલ કોઇ પણ સંગઠન,તેમણે આતંકની બંદૂક ત્યજવી પડશે. તેમણે મુખ્યધારાની રાજનીતિમાં આવવું જ પડશે. કાર્યક્રમમાં એક સવાલના જવાબમાં સીડીએસએ કહ્યું કે લોકોને કટ્ટર બનાવનારાઓની ઓળખ કરી તેમની સામે કાર્યવાહી કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, સ્કૂલ, યુનિવર્સિટીથી લઇને ધાર્મિક સ્થળોમાં કટ્ટરતાના પાઠ ભણાવવામાં આવી રહ્યાં છે. વાસ્તવમાં તેમને પૂછવામાં આવ્યુ કે જો દેશમાં કટ્ટરતા વિરૂદ્ઘ અભિયાન કારગર સાબિત નથી થઇ રહ્યું તો આતંકવાદ પર કાબૂ કઇ રીતે મેળવી શકાશે?