Sardar Gurjari

શનિવાર, તા. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦, ફાગણ સુદ ૬, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૨૫૨

મુખ્ય સમાચાર :
સ્વાસ્થ્ય સેવાઓમાં પોતાની નિષ્ફળતાઓને કેન્દ્ર અન્યો પર ન થોપે : ઇન્ડિયન મેડિકલ એસોસિએશન
આયુષ્માન યોજના સદંતર નિષ્ફળ, તેણે લોકોનું સ્વાસ્થ્ય સુધરવાને બદલે હજારો કરોડ રૂપિયા ન ચૂકવીને હોસ્પિટલોને બિમાર બનાવી દીધી : પૂરતી તૈયારી વિના જ યોજનાને લાગુ કરી દીધી
17/01/2020 00:01 AM Send-Mail
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઇએમએ)એ કહ્યું છે કે કેન્દ્ર સરકારની આયુષ્માન યોજના સદંતર નિષ્ફળ સાબિત થઇ છે. આ યોજનાએ ગરીબોના સ્વાસ્થ્યને ઠીક કરવાને બદલે હોસ્પિટલોને બીમાર બનાવી દીધી છે. આ યોજના અંતર્ગત ઇલાજ કરવાથી સરકારને હોસ્પિટલોને સેંકડો-હજારો કરોડ રૂપિયા ચૂકવવાના છે. પરંતુ તે ચૂકવ્યા ન હોવાથી હોસ્પિટલો બંધ થવાના આરે છે. સરકારને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પોતાની નિષ્ફળતાઓને છૂપાવવાને બદલે હોસ્પિટલોને તેમની બાકીની રકમ ચૂકવવી જોઇએ.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઇએમએ)ના અધ્યક્ષ રાજન શર્માએ આજે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર આયુષ્માન યોજનાને ખોટી રીતે લાગુ કરવાના પ્રયાસો કરી રહી છે જેના કારણે તેમાં સફળતા મળી રહી નથી. કેન્દ્ર સરકારે પૂરતી તૈયારી વિના આયુષ્માન યોજના લાગુ કરી જ્યારે કે તેની પાસે જરૂરી માળખુ ઉપલબ્ધ નથી.ખાનગી હોસ્પિટલોને આ યોજના લાગુ કરતી વખતે હોસ્પિટલોને એક ન્યૂનતમ ચૂકવણી કરવાની વાત કહેવામાં આવી પરંતુ આ રકમ પણ સમયસર ચૂકવવામાં આવી રહી નથી.

તેનું પરિણામ એ આવ્યું કે મોટી ખાનગી હોસ્પિટલો કાં તો આયુષ્માન દરદીઓને લેવાનો ઇન્કાર કરી રહી છે કે બંધ થવાના આરે પહોંચી ગઇ છે.કેન્દ્ર સરકાર પર આ હોસ્પિટલોના કરોડો રૂપિયા બાકી છે જેની તાકીદે ચૂકવણી કરાયા વિના આ હોસ્પિટલોને ચલાવવાનું શક્ય રહ્યું નથી. એવામાં સરકારે પોતાની નિષ્ફળતાઓને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઇએ, ના કે તેને અન્યો પર થોપવી જોઇએ. રાજન શર્માએ કહ્યું કે સામાન્ય ધારણા છેકે દવાઓના ભાવ કંપનીઓ દ્વારા આડેધડ વધારવામાં આવ્યા છે અને દવાના વેચાણ માટે ડોક્ટરોને લાલચ આપવામાં આવે છે. તેમણે કહ્યું કે સરકારે આ વ્યવસ્થામાંથી દેશને બહાર કાઢવા માટે તમામ દવાઓના ભાવ નક્કી કરી દેવા જોઇએ. સરકારે એક પ્રક્રિયા નિર્ધારિત કરી તમામ દવાઓના ખર્ચ અને જરૂરી નફો નક્કી કરી દેવો જોઇએ. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ફાર્મા કંપનીઓ પર ખોટા આચરણ સંબંધી કથિત નિવેદનને લઇને પીએમઓથી પણ નારાજ છે અને તેના પર વિવાદ થઇ રહ્યો છે. આ નિવેદન પર ૧૪ જાન્યુઆરીએ એક પત્ર જારી કરતાં આઇએમએએ ખુલાસો માંગ્યો છે. રાજન શર્માએ કહ્યું કે જો મીડિયામાં છપાયેલા સમાચાર ખોટા છે તો વડાપ્રધાન કાર્યાલયે તેને ફગાવવા જોઇએ, પરંતુ જો આ વાત સાચી છે તો આ નિવેદન માટે ખેદ વ્યક્ત કરવો જોઇએ.