Sardar Gurjari

શનિવાર, તા. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦, ફાગણ સુદ ૬, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૨૫૨

મુખ્ય સમાચાર :
ટેલિકોમ કંપનીઓને સુપ્રીમથી મોટો ઝટકો એક સપ્તાહમાં ચૂકવવા પડશે ૧.૪૭ લાખ કરોડ
એજીઆરના મુદ્દે ટેલિકોમ કંપનીઓની પુનર્વિચાર અરજી ફગાવતી કોર્ટ : એરટેલ, વોડાફોન-આઇડિયાની ક્યૂરેટિવ પિટીશન દાખલ કરવા વિચારણા
17/01/2020 00:01 AM Send-Mail
આ ૫ કંપનીઓ પાસેથી સૌથી વધારે નાણાં બાકી પડે છે
કંપની બાકી પડતી રકમ (રૂપિયામાં) - ભારતી એરટેલ ૨૧૬૮૨.૧૩ કરોડ - વોડાફોન-આઇડિયા ૧૯૮૨૩.૭૧ કરોડ - રિયાલન્સ કોમ્યુનિકેશન્સ ૧૬૪૫૬.૪૭ કરોડ - બીએસએનએલ ૨૦૯૮.૭૨ કરોડ - એમટીએનએલ ૨૫૩૭.૪૮ કરોડ (નોંધ : બાકી પડતી રકમમાં પેનલ્ટી અને વ્યાજ સામેલ નથી)

એજીઆર શું છે?
ટેલિકોમ કંપનીઓને એજીઆરની ૩ ટકા સ્પેક્ટ્રમ ફી અને ૮ ટકા લાયસન્સ ફી સરકારને આપવાની હોય છે. કંપનીઓ એજીઆરની ગણના ટેલિકોમ ટ્રિબ્યૂનલના ૨૦૧૫ના ચુકાદાના આધારે કરતી હતી. ટ્રિબ્યૂનલે તે વખતે કહ્યું હતું કે ભાડા,સ્થાયી સંપત્તિના વેચાણથી લાભ, ડિવિડન્ડ અને વ્યાજ જેવા નોન કોર સ્ત્રોતોથી પ્રાપ્ત રેવેન્યૂને બાદ કરતાં બાકી પ્રાપ્તિઓ એજીઆરમાં સામેલ થશે.વિદેશી મુદ્રામાં ઉતાર-ચઢાવ અને ભંગારના વેચાણને એજીઆરની ગણનાથી અલગ રાખવામાં આવ્યા. દૂરસંચાર વિભાગ ભાડા, સ્થાયી સંપત્તિના વેચાણથી લાભ અને ભંગારના વેચાણથી પ્રાપ્ત રકમને પણ એજીઆરમાં માને છે. આ જ આધારે તે ટેલિકોમ કંપનીઓ પાસેથી બાકીની ફીની માંગ કરી રહ્યું છે.

ટેલિકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. એજીઆરના મુદ્દા પર ટેલિકોમ કંપનીઓની પુનર્વિચાર અરજી કોર્ટે ફગાવી દીધી છે. કંપનીઓને હવે કેન્દ્ર સરકારને રૂા. ૧.૪૭ લાખ કરોડ ચૂકવવા પડશે. કોર્ટેના નિર્ણય મુજબ ૨૩ જાન્યુઆરી સુધીમાં ટેલિકોમ કંપનીઓએ બાકીના ૧.૪૭ લાખ કરોડ રૂપિયા ચૂકવવાના છે. એરટેલ, વોડાફોન અને આઇડિયાએ આ નિર્ણય પર કહ્યું છે કે અમે ક્યૂરેટિવ પિટીશન દાખલ કરવાના વિકલ્પ પર વિચાર કરી રહ્યાં છીએ.

એડજેસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર)ના મુદ્દા પર ટેલિકોમ કંપનીઓએ સુપ્રીમ કોર્ટમાં પુનિર્વિચાર અરજી દાખલ કરી હતી. ભારતી એરટેલ, વોડા-આઇડિયા અને ટાટા ટેલી સર્વિસિઝે આ અરજી દાખલ કરી હતી. અરજીમાં દંડ, વ્યાજ અને પેનલ્ટી પર લગાવવામાં આવેલા વ્યાજ પર છૂટ આપવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.

ટેલિકોમ કંપનીઓએ લગાવવામાં આવેલા દંડની રાશિને લઇને કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં કોર્ટથી એજીઆરમાં બિન દૂરસંચાર આવકને સામેલ કરવાના નિર્ણય પર ફરી વિચાર કરવા અનુરોધ કરાયો હતો. ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ટેલિકોમ સેક્ટર સંકટમાં આવનાર છે. સરકારે એજીઆર મામલાની સમીક્ષા કરવી જોઇએ. આવું ન થયું તો નાના ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર ટકી નહીં શકે. દૂરસંચારમંત્રી રવિશંકર પ્રસાદે નવેમ્બરમાં સંસદમાં જણાવ્યું હતું કે ભારતીય એટરેલ અને વોડાફોન-આઇડિયા સહિત અન્ય ટેલિકોમ કંપનીઓ પર લાયસન્સ ફી અને સ્પેક્ટ્રમ ચાર્જના રૂા. ૧.૪૭ લાખ કરોડ બાકી છે. સુપ્રીમ કોર્ટના ઓક્ટોબરના આદેશ બાદ સરકારે ટેલિકોમ કંપનીઓને કહ્યું હતું કે બાકીની રકમ ૨૩ જાન્યુઆરી સુધી ચૂકવી દે. ભારતી એરટેલ ઇચ્છતી હતી કે ઓછા વ્યાજ અને પેનલ્ટીમાં રાહત મળી જાય. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૪ ઓક્ટોબર ૨૦૧૯એ ટેલિકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટથી ખૂબ જ મોટો ઝટકો લાગ્યો હતો. કોર્ટે ટેલિકોમ કંપનીઓને ૯૨ હજાર કરોડથી વધારે બાકી રૂપિયા અને લાઇસન્સ ફી કેન્દ્ર સરકારને આપવા કહ્યું હતું. દૂરસંચાર વિભાગની અરજી મંજૂર કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ બાકી નાણા ત્રણ મહિનામાં આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એજીઆર એટલે કે સમાયોજિત કુલ આવકમાં લાઇસન્સ ફી અને સ્પેક્ટ્રમ ઉપયોગ ઉપરાંત અન્ય આવક પણ સામેલ છે. તેમાં કેપિટલ એસેટના વેચાણ પર લાભ અને વીમા ક્લેમ એજીએરનો હિસ્સો હશે નહીં.