Sardar Gurjari

શનિવાર, તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૦, શ્રાવણ વદ ૫, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૫૪

મુખ્ય સમાચાર :
પેટલાદમાં મસ્જિદના ગેટ પાસે વાહનો મૂકવા બાબતે
મુસ્લિમોના બે જૂથો વચ્ચે ધારીયા- પાઈપો ઉછળી : ૭ ઘાયલ, ૨ ગંભીર
સવારે થયેલી સામાન્ય બોલાચાલી બાદ સમાધાન થઈ ગયું છતાં પણ રાત્રિના સુમારે બન્ને જૂથો આમને સામને આવી જતા ભારે પથ્થરમારો, વાહનોની કરાયેલી તોડફોડ : ૧૧ની ધરપકડ
15/12/2019 00:12 AM Send-Mail
પેટલાદ શહેરના તાઈવાડામાં ગઈકાલે રાત્રીના સુમારે મસ્જિદના ગેટ પાસે વાહનો મૂકવાની બાબતે મુસ્લિમોના બે જુથો વચ્ચે હિંસક અથડામણ થતાં સાતને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી જેમાં બેને ગંભીર ઈજાઓ થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. શહેર પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને રાયોટીંગના ગુનાઓ દાખલ કરી ૧૧ શખ્સને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે.

પેટલાદના તાઈવાડા ખાતે રહેતા ફરિયાદી મોહંમદ રફીક નુરમહંમદભાઈ શેખે આપેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે, તેઓ પોતાના છોટા હાથી, વાન જેવા વાહનો નજીકમાં આવેલી મસ્જિદના ગેટ પાસે મૂકે છે. દરમિયાન ગઈકાલે સવારે ઈરફાન, સાનુ, ઈમરાન અને મોઈનખાન આવી ચઢ્યા હતા અને તમે રસ્તા વચ્ચે વાહનો કેમ મૂકે છો તેમ કહીને બોલાચાલી કરી હતી. જો કે અગ્રણીઓ વચ્ચે પડીને જે તે વખતે સમાધાન કરાવ્યું હતુ. દરમ્યાન રાત્રીના સાડા દશેક વાગ્યાના સુમારે મોઈન તગીરભાઈ પઠાણ, કાલુ હૈદરભાઈ શેખ, તાહીરભાઈ હૈદરભાઈ શેખ, અલાઉદ્દીનભાઈ ઈનાયતભાઈ શેખ, અકકુ અનવરભાઈ શેખ, જાઈદબાઈ જેનબભાઈ શેખ અને ઈરફાન યુસુફખાન પઠાણ ધારીયા તેમજ લોખંડની પાઈપો લઈને આવી ચઢ્યા હતા અને ગમે તેવી ગાળો બોલીને મોહંમદ રફીક સાથે ઝઘડો કરીને તેને ગાલ ઉપર ધારીયું મારી દીધું હતુ. જેથી યુસુફભાઈ, હનીફભાઈ, સાઈનબાનુ વચ્ચે છોડાવવા પડતાં તેમને ધારીયા તેમજ પાઈપોથી માર માર્યો હતો. દરમ્યાન મસ્જિદ પાસે પડેલા વાહનોની તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું હતુ.

સામા પક્ષે ઈરફાનભાઈ યુસફખાન પઠાણે આપેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે, મોહંમદ રફીક દ્વારા મસ્જિદના ગેટ પાસે અવર-જવર કરવામાં અડચણ થાય તે રીતે વાહનો પાર્ક કરતા આ બાબતે સવારે તકરાર થઈ હતી. જો કે ત્યારબાદ સમાધાન થઈ ગયું હતુ. પરંતુ રાત્રીના સુમારે ફરીથી એ જગ્યાએ વાહનો મૂકતા તેઓ ઠપકો આપવા ગયા હતા જેથી હનીફભાઈ નુરમહંમદભાઈ શેખ, આસીફ નુરમહંમદભાઈ શેખ, યુસુફભાઈ નુરમહંમદભાઈ શેખ, રફીકભાઈ નુરમહંમદભાઈ શેખ, જાઈદ યુસુફભાઈ શેખ, જુનેદ, એઝાઝ, બીલ્કીશબાનુ તેમજ સાઈનબાનુ મારક હથિયારો સાથે આવી ચઢ્યા હતા અને ગમે તેવી ગાળો બોલીને છૂટો પથ્થરમારો કરતાં ઈરફાનભાઈ, મુસ્તાકહુસૈન અને જાઈદભાઈને ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ પેટલાદ શહેર પોલીસને થતા જ પોલીસ તુરંત જ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને એકત્ર થયેલા ટોળાને વિખેરી નાંખ્યા હતા. ત્યારબાદ ગંભીર રીતે ઘવાયેલા બેને સારવાર માટે હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા અને બન્ને પક્ષોની ફરિયાદો લઈને રાયોટીંગના ગુનાઓ દાખલ કરી ૧૧ શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. સાથે સાથે આ બનાવના કોઈ ઘેરા પ્રત્યાઘાતો ના પડે તે માટે સમગ્ર તાઈવાડા વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.