Sardar Gurjari

શનિવાર, તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૦, શ્રાવણ વદ ૫, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૫૪

મુખ્ય સમાચાર :
સરકારી અનાજ સગેવગે કરવામાં આણંદ પાલિકાના પૂર્વ કાઉન્સિલર સહિત ૯ વેપારીઓની ધરપકડ
ધરપકડ કરાયેલા આણંદના રેશનીંગના ૯ વેપારીઓ ૪ મહિનાથી રેકેટ ચલાવતા હતા : બનાવટી ફિંગર થમ્પ દ્વારા ગ્રાહકોના બોગસ બિલો બનાવીને તેમનું અનાજ મેળવી બારોબાર વેચી મારતા હતા
15/12/2019 00:12 AM Send-Mail
સરકારી યોજનામાં આયોજનના અભાવથી વ્યાપી મોડસ ઓપરેન્ડી
અગાઉ રેશનીંગનું અનાજ સગેવગે થતું હોવાની, લાભાર્થીઓને પૂરતો અને નિયમિત જથ્થો ન મળતી હોવાની વ્યાપક ફરિયાદો થવા પામી હતી. જેના નિરાકરણ માટે રાજય સરકારે કાર્ડધારકના થમ્બ ઇમ્પ્રેશન સીસ્ટમ બનાવી હતી. જેમાં તાલુકા કચેરીમાં કાર્ડધારકની થમ્બ થયા બાદ અનાજ મેળવવા માટેની કૂપન નીકળતી હતી. જો કે આ સીસ્ટમ લાગુ કરાયાના થોડા સમયમાં જ કનેકટીવીટી ન હોવી, અધિકારી હાજર ન હોવા સહિતની ફરિયાદો થવા માંડી હતી. દરમ્યાન રેશનીંગ દુકાનદારોને થમ્બ મશીન આપવામંા આવ્યા હતા. સમગ્ર મામલે ગંભીર બાબત એ છે કે કાર્ડધારકને કૂપન દ્વારા અનાજ માટેની સીસ્ટમમાં ક્ષતિઓ અંગે સરકારે કોઇ આયોજન કર્યુ ન હતું. આથી ફરિયાદોના નિવારણ માટે રેશનીંગની દુકાને જ ગ્રાહકો થમ્બ કરી શકે તેવી વ્યવસ્થા સોંપી દેવાતા લોભિયા દુકાનદારોને આકડે મધ મળી ગયું હતું. બીજી તરફ કયારેય સરકારી અનાજ ન લેનાર કાર્ડધારકોની યાદી તૈયાર કરીને તેઓના બનાવટી થમ્બ તૈયાર કરવાની મોડસ ઓપરેન્ડી તાજેતરમાં ઉજાગર થવા પામી છે. આ ઠગ ટોળકીએ રાજયના વિવિધ જિલ્લાઓમાં આબાદ મોડસ ઓપરેન્ડી અપનાવી છે. અગાઉ સૌરાષ્ટ્ બાદ તાજેતરમાં આણંદ જિલ્લામાંથી દુકાનદારો ઝડપાયા છે. જાણવા મળ્યાનુસાર ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે રાજયભરમાં તપાસ અભિયાન હાથ ધર્યુ છે.

ધરપકડ કરાયેલા નવેય વેપારીઓના લાયસન્સ ચાલુ હાલતમાં હતા
આણંદના જિલ્લા પુરવઠા અધિકારી બામણીયાના જણાવ્યા અનુસાર અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવેલા નવેય વેપારીઓના લાયસન્સો ચાલુ હાલતમાં હતા. જેથી લાખો રૂપિયાનું સરકારી અનાજ લાભાર્થીઓના નામે બારોબાર પગ કરી જતુ હતુ. જો કે સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તલસ્પર્શી તપાસ કરવામાં આવી રહી છે તેમના અહેવાલ બાદ તેમના લાયસન્સ સસ્પેન્ડ સહિતની આકરી કાર્યવાહી કરવામાં આવશે તેમ તેઓએ વધુમાં જણાવ્યું હતુ.

મુખ્ય સૂત્રધારો અગાઉ રેશનીંગની દુકાને નોકરીઓ કરતા હતા
સાયબર ક્રાઈમ બાન્ચના પીઆઈ મુછાલના જણાવ્યા અનુસાર પકડાયેલા ત્રણેય મુખ્ય સૂત્રધારો ધવલ, ભરત અને દુષ્યંત અગાઉ રેશનીંગની દુકાનોએ નોકરી કરતા હતા. જેથી તેઓએ થમ્પ આધારિત રેશનીંગ આપવાની નવી અમલી બનેલી સીસ્ટમ અને તેમાં કેવી રીતે ગેરરીતી થઈ શકે તેની સંપૂર્ણ માહિતી એકત્ર કરી લીધી હતી. ત્યારબાદ તેઓ દ્વારા રબર મટીરીયલ્સ પર ડુપ્લિકેટ ફિંગર પ્રીન્ટ તૈયાર કરતા હતા જેના આધારે ગ્રાહકોના નામે તેમના બોગસ બિલો તૈયાર કરીને સસ્તા દરનુ અનાજ મેળવી બારોબાર કાળાબજારમાં વેચી મારીને તગડો નફો રળી લેવામાં આવતો હતો.

આણંદમાંથી કોની-કોની ધરપકડ કરાઈ
-રમેશચન્દ્ર ફતેચંદ મોહનાની (ગુરૂનાનક સોસાયટી) -જોઈતારામ કપુરાજી સરગરા (શ્રી ઠાકોરજીનગર) -દિલીપભાઈ નગીનભાઈ પટેલ (ગોવર્ધન પાણીની ટાંકી સામે) -મનહરભાઈ કાલીદાસભાઈ સોલંકી (એકતાનગર, બોરસદ ચોકડી) -વિનોદભાઈ રમેશભાઈ વાઘેલા (અમીતનગર) -ગંગારામ સુપડભાઈ વસાવા (પ્રયોશા પાર્ક) -ચેતનભાઈ હરીશભાઈ તુલસાણી (ગુરૂનાનક સોસાયટી) -ગંગાસાગર દેવેન્દ્રભાઈ પાંડે (મુક્તિનગર સોસાયટી) -પ્રફુલ્લભાઈ મગનભાઈ ઠાકોર (ક્રિશ્નાવિલા બંગલોઝ)

વેપારીઓ મુખ્ય સૂત્રધારોને રૂા.૪૦૦ થી ૧ હજાર ચૂકવતા હતા
આણંદના રેશનીંગના વેપારીઓ રેસનીંગ કાર્ડ ધારકોના ડેટા અને બનાવટી થમ્પ તૈયાર કરી આપનાર મુખ્ય સૂત્રધારોને એક ગ્રાહક દીઠ વેપારીઓ ૪૦૦ થી લઈને ૧૦૦૦ સુધી ચૂકવતા હતા. આવા કેટલા કાર્ડધારકોનું અનાજ બારોબાર મેળવી લેવાયું હતુ તે બાબતે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગઈકાલે આણંદથી ધરપકડ કરેલા આણંદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર સહિત રેશનીગના ૯ વેપારીઓની પૂછપરછ કરતાં તેઓ દ્વારા મુખ્ય સૂત્રધારો સાથે મળીને છેલ્લા ચારેક મહિનાથી આ રેકેટ ચલાવતા હતા અને અત્યાર સુધીમાં લાખો રૂપિયાનું સરકારી અનાજ બારોબાર કાળાબજારમાં વેચી માર્યું હોવાનું ખુલવા પામતાં પોલીસ ચોંકી ઊઠી છે અને આ રેકેટમાં બીજુ કોણ-કોણ સંડોવાયું છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના ડીવાયએસપી જીતુ યાદવની આગેવાની હેઠળ સસ્તા દરનુ અનાજ રેશનીંગ કાર્ડધારકોને આપવાની જગ્યાએ બનાવટી ફિંગર થમ્પ દ્વારા ગ્રાહકોના ખોટા બિલો બનાવીને આ અનાજ બારોબાર કાળાબજારમાં વેચી મારવાનું રેકેટના મુખ્ય સૂત્રધારો ભરતભાઈ લ-મણભાઈ ચૌધરી, ધવલ રાજેશભાઈ પટેલ અને દુષ્યંતભાઈ ભાનુભાઈ પરમારને ઝડપી પાડ્યા હતા અને તેમના સાત દિવસના રીમાન્ડ મેળવીને પૂછપરછ કરતાં આણંદના નવેક જેટલા વેપારીઓ સાથે તેઓએ સાંઠગાંઠ કરીને મોટાપાયે સરકારી અનાજ કાળાબજારમાં વેચી માર્યું હોવાની કબૂલાત કરી હતી.

જેના આધારે સાયબર ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ ગઈકાલે આણંદ ખાતે ત્રાટકી હતી અને નવેય વેપારીઓને ઝડપી પાડીને અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓની પૂછપરછ કરતાં તેઓ છેલ્લા ચારેક મહિનાથી મુખ્ય સૂત્રધારોના સંપર્કમાં આવ્યા હતા અને તેઓ દ્વારા રેશનીંગ કાર્ડ ઘારકોના ફિંગરપ્રીન્ટ, આધાર કાર્ડના ડેટા વેપારીઓને આપતા હતા જેના આધારે વેપારીઓ દ્વારા ખોટા બિલો બનાવીને રજૂ કરી સસ્તા દરનું અનાજ લઈને બારોબાર વેચી મારતાં હતા. ચાર મહિના દરમિયાન નવેય વેપારીઓ દ્વારા લાખો રૂપિયાનું સરકારી અનાજ લાભાર્થીઓને આપવાને બદલે તેમના બનાવટી થમ્પ મારીને કાળાબજારમાં વેચી મારવામાં આવતું હતુ. ધરપકડ કરાયેલા ૯ વેપારીઓમાં આણંદ પાલિકાના ભાજપના પૂર્વ કાઉન્સિલર અને હાલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય ગંગારામ વસાવાનો પણ સમાવેશ થાય છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ મુછાલના જણાવ્યા અનુસાર તમામ નવેય વેપારીઓની પૂછપરછ ચાલી રહી છે જે દરમિયાન આ સમગ્ર રેકેટમાં બીજા કોણ-કોણ સંડોવાયા છે ? સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ સંડોવાયા છે કે કેમ ? લાભાર્થીઓનું સરકારી અનાજ ક્યાં અને કોને વેચ્યુ ? જેવી કેટલીક બાબતો ઉજાગર થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.