Sardar Gurjari

શનિવાર, તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૦, શ્રાવણ વદ ૫, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૫૪

મુખ્ય સમાચાર :
કોંગ્રેસની દેશ બચાઓ રેલીને સંબોધન
મરી જઇશ પણ માફી નહીં માગું, હું કંઇ રાહુલ સાવરકર નથી : રાહુલ
માફી તો મોદી-અમિત શાહે માગવી જોઇએ જેમણે અર્થવ્યવસ્થાને નષ્ટ કરી દીધી છે
15/12/2019 00:12 AM Send-Mail
મોદી છે એટલે જ મોંઘવારી-બેકારી શક્ય છે : પ્રિયંકા
પ્રિયંકા ગાંધીએ ઉન્નાવમાં રેપ પીડિતાને સળગાવવાના મામલાને ઉઠાવીને કહ્યુ હતુ કે, ન્યાયની આશામાં કોર્ટ જઈ રહેલી દીકરીને આરોપીઓએ સળગાવી દીધી અને તે આખરે મોતને ભેટી હતી.તેના પિતાને રડતા જોઈને મને મારા પિતાની યાદ આવી ગઈ હતી. હું પણ ૧૯ વર્ષની હતી જ્યારે મારા પિતાનો પાર્થિવ દેહ ઘરે આવ્યો હતો. પ્રિયંકા ગાંધીએ કટાક્ષ કરતા કહ્યુ હતુ કે, ભાજપ છે તો આજે ૧૦૦ રુપિયે કિલો ડુંગળી મળવી શક્ય બની છે.ભાજપ છે તો ૪૫ વર્ષમાં સૌથી વધુ બેરોજગારી છે. ચાર કરોડ નોકરીઓ ખતમ થવી પણ શક્ય છે.તેમણે કહ્યુ હતુ કે, આ દેશ એક અનોખા સ્વતંત્રતા સંગ્રામમાંથી પેદા થયો છે.આ દેશે અહિંસા અને પ્રેમ વડે દુનિયાના સૌથી મોટા સામ્રાજ્યને પરાજય આપ્યો હતો.એક યુવાનની આંખોના મજબૂત ભવિષ્યના સપના, ખેડૂતની મહેનત અને ફેક્ટરીઓમાં પરસેવો વહાવતા શ્રમિકથી દેશ ઘડાયો છે.

દેશનું સૌથી વધારે નુકસાન વડાપ્રધાને કર્યું : સોનિયા
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ભારત બચાઓ રેલીમાં કહ્યું હતું કે, હવે સમય આવી ગયો છે કે પોત-પોતાના ઘરેથી નિકળો અને આંદોલન કરો. આજે જ્યારે હું આપણા ખેડૂતભાઈઓને જોઉં છું તો મને ખૂબ દુઃખ થાય છે. તેમને ખાતર મળતું નથી. પાણી અને વીજળીની સુવિધાઓ મળતી નથી. પાકના યોગ્ય ભાવ નથી મળતા. નાના-મોટા વ્યાપારીઓ, કે જેમણે બેંકમાંથી લોન લીધી છે તે લોકો મુશ્કેલીમાં છે. ઘણી જગ્યાએ નાનો વ્યાપાર ચલાવતા લોકો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે હવે તમે જ જણાવો કે આપણે લોકો આપણા ઘરોમાંથી નિકળવા માટે તૈયાર છીએ કે નહી. મારી બહેનો પેટે પાટા બાંધીને પરિવારનું પાલન કરે છે. આજે તે લોકો પણ મોંઘવારીથી ત્રસ્ત છે. આજે દેશમાં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો માહોલ છે. ક્યાં ગયો સહુનો સાથ સહુનો વિકાસ? કાળુનાણુ ક્યાં ગયું? આના માટે કાયદો બનાવ્યો પરંતુ બ્લેક મની પાછા ન આવ્યા. આજે આપણા પૈસા બેંકોમાં પણ સુરક્ષિત નથી, ઘરોમાં પણ સુરક્ષિત નથી.

વીર સાવરકર મહારાષ્ટ્ર અને દેશ માટે દેવતા છે : સંજય રાઉત
શિવસેના નેતા સંજય રાઉતે આજે કહ્યું ક વીર સાવરકરે ના તો માત્ર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ દેશના પણ દેવતા છે. તેમણે કહ્યું કે સાવરકરનું નામ દેશ માટે ગર્વ અને ગૌરવનો વિષય છે. નેહરૂ અને ગાંધીની જેમ સાવરકરે સ્વતંત્રતા માટે પોતાનું બલિદાન આપ્યું હતું. એવા દરેક ભગવાનને સમ્માનિત કરવા જોઇએ. તેની સાથે કોઇ સમજૂતી ન થવી જોઇએ. રાજ્યસભા સાંસદ રાઉતનું આ ટ્વીટ કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના એ નિવેદન બાદ કર્યુ છે, જેમાં રાહુલે ભાજપ પર કટાક્ષ કરતાં કહ્યું કે તેમનું નામ રાહુલ સાવરકર નથી, તેઓ રાહુલ ગાંધી છે અને માફી નહીં માગે. રાઉતે કહ્યું કે, અમે મહાત્મા ગાંધી અને પંડિત નહેરૂ બન્નેનું સમ્માન કરીએ છીએ. કૃપયા વીર સાવરકરનું અપમાન ન કરો. બુદ્ઘિમાન લોકોને વધારે કંઇ કહેવાની જરૂર નથી.

કોંગ્રેસની દેશ બચાઓ રેલીનું સંબોધન કરતા રાહુલ ગાંધીએ ભાજપ અને મોદી સરકાર પર જબરજસ્ત પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપ મારા નિવેદન પર મને માફી માગવા માટે કહી રહ્યું છે પરંતુ હું તેમની માફી નહીં માગું. હું મરી જઈશ પણ ક્યારેય માફી નહીં માગું. મારુ નામ રાહુલ ગાંધી છે, રાહુલ સાવરકર નથી.

રાહુલ ગાંધીએ કહ્યું કે, માફી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે માગવી જોઈએ, તે લોકોએ દેશની અર્થવ્યવસ્થાને નષ્ટ કરી દીધી છે. એક સમય હતો જ્યારે દેશમાં અર્થવ્યવસ્થા હતી, પરંતુ આજે દેશની અર્થવ્યવસ્થા નાશ પામી ચૂકી છે. તેમણે દેશને ખોટું કહ્યું હતું કે તેમને સ્વિસ બેંકમાંથી પૈસા પરત લાવવા છે. તેમણે તો ગરીબોના ખિસ્સાઓમાંથી પૈસા છીનવીને અદાણી અને અંબાણીઓના ઘર ભર્યા છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જીએસટીનો ઉલ્લેખ કરતા કહ્યું કે જે હવે દેશમાં જે કંઈ વધ્યું હતું તેને મોદી સરકારે ગબ્બર સિંહ ટેક્સ દ્વારા છીનવી લીધું. મોદીજીએ રાત્રે ૧૨ વાગ્યે ગબ્બર સિંહ ટેક્સ લાગુ કરી દીધો હતો. દેશમાં છેલ્લા ૪૫ વર્ષમાં સૌથી વધારે બેરોજગારી આ સમયગાળામાં છે.જીડીપી ગ્રોથ નવ ટકાથી ઘટીને ચાર ટકા પર પહોંચી ગઈ છે. અરે, આટલું જ નહીં તે લોકોએ તો જીડીપીની ગણતરી કરવાની રીત પણ બદલી દીધી છે. અમારી ગણતરીથી જો અત્યારની જીડીપી માપવામાં આવે તો તો ફક્ત અઢી ટકા જ થાય. આપણા દેશના જ દુશ્મનો દેશની ઈકોનોમીને બરબાદ કરી દેવા ઈચ્છે છે. આ કામ દુશ્મનોએ નહીં પરંતુ દેશના વડાપ્રધાને કર્યું છે. તેમણે દેશની મૂડીને ગણતરીના બે-ત્રણ ઉદ્યોગપતિઓના હવાલે કરી દીધી છે.