Sardar Gurjari

શુક્રવાર, તા. ૧૭ જાન્યુઆરી, ૨૦૨૦, પોષ વદ ૭, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૨૧૦

મુખ્ય સમાચાર :
યુપીમાં ફરી હેવાનિયત : ઉન્નાવની જેમ ફતેહપુરમાં રેપ પીડિતાને જીવતી સળગાવી
પોલીસ મથકે જવા દરમિયાન કેરોસીન છાંટી આગને હવાલે કરી દીધી : ૯૦ ટકા દાઝી જતા કિશોરી ગંભીર : બન્ને વચ્ચે પ્રેમ હતો જેને લઇને પંચાયતે અલગ-અલગ રહેવાનો નિર્ણય સંભળાવતા નરાધમે જધન્ય કૃત્ય આચર્યુ : આરોપી પરિવાર સાથે ફરાર
15/12/2019 00:12 AM Send-Mail
ઉન્નાવમાં દુષ્કર્મ બાદ પીડિતાને જીવતી સળગાવવાની ઘટના હજી તો લોકો ભૂલ્યા પણ નથી કે બાજુમાં આવેલા ફતેહપુરમાં આવી જ એક ઘટના બનતા લોકો અવાક બની ગયા છે.ફતેહપુરના હુસેનગંજ વિસ્તારમાં એક ગામમાં શુક્રવારે રાત્રે પાડોશમાં રહેતા કાકાએ કિશોરી સાથે હેવાનિયત આચરી. શનિવારે સવારે પરિવારના સભ્યો તેને પોલીસ મથકે લઇ જવા લાગ્યા ત્યારે આરોપીએ કેરોસીન છાંટી પીડિતાને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો. ૯૦ ટકા દાઝી ગયેલી કિશોરીને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી પરંતુ સ્થિતિ નાજુક હોવાથી તાત્કાલિક કાનપુરની હેલટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

યુવતી આજે સવારે ઘરે એકલી હતી. પરિવારના લોકો ખેતરમાં કામ કરવા ગયા હતાં. ત્યારે જ પાડોશી યુવક તેના ઘરે પહોંચી ગયા અને તેના પર દુષ્કર્મ આચર્યું.

પીડિતાના નિવેદન અનુસાર દુષ્કર્મ બાદ તેણે પરિવારના લોકોને ઘટના અંગે જણાવ્યું. તેના પર આરોપી તેને ઢસડીને રૂમમાં લઇ ગયો અને કેરોસીન છાંટી તેને સળગાવી દીધી. આગનો ગોળો બન્યા બાદ પીડિતા બચવા માટે બૂમો પાડતી રહી. શોરબકોર સાંભળી પાડોશીએ તેના પર શણનો કોથળો નાખી જેમ તેમ કરીને આગ ઓલવી અને પરિવારજનોને જાણ કરી. ફતેહપુર જિલ્લા હોસ્પિટલના તબીબે જણાવ્યું કે પીડિતા ૯૦ ટકા દાઝી ગઇ છે. પગની નીચેનો ભાગ જ બચ્યો છે. બાકીનું શરીર ગંભીર રીતે દાઝી ગયું છે. મેજિસ્ટ્રેટ દ્વારા ઘટના અંગે પૂછતા તે વારંવાર બૂમો પાડતી રહી... સાહેબ મને બચાવી લો, હું મરવા નથી માગતી. ઉન્નાવ જેવી ઘટના બનતા અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી છે. ડીએમ સંજીવ સિંહ અને એસપી પ્રશાંત વર્મા પીડિતાને રિફર કર્યા બાદ તેના ગામમાં પહોંચ્યા હતાં. તેમણે ગામના લોકો પાસેથી ઘટના અંગે જાણકારી મેળવી અને પરિવારજનોને ખાતરી આપી કેઆરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવશે. આ શૈતાની કૃત્ય આચરનાર નરાધમ ફરાર થઇ ગયો છે. દહેશતમાં તેના પરિવારના સભ્યો પણ ઘરને તાળુ મારી ક્યાંક જતા રહ્યાં છે. મળતી માહિતી અનુસાર છેલ્લા બે વર્ષથી યુવતી અન આરોપી વચ્ચે પ્રેમ-પ્રસંગ ચાલતો હતો. આજે સવારે ગામમાં પંચાયત બોલાવવામાં આવી હતી જેમાં એવો નિર્ણય કરાયો હતો કે બન્નેને અલગ-અલગ રહેવું પડશે. તનાથી દુ:ખી થઇ આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો. પીડિતાના ભાઇની ફરિયાદને આધારે રિપોર્ટ નોંધવામાં આવ્યો છે.ગામમાં પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે.