Sardar Gurjari

સોમવાર, તા. ૬ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૧, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૧

મુખ્ય સમાચાર :
ઓડ પાલિકા પ્રમુખની ચૂંટણીની રીસમાં પટેલોના બે જૂથો બાખડ્યા : ૭ ઘાયલ
એકને પેટના ભાગે ગુપ્તી તેમજ બીજાને માથામાં ધારીયું મારી દેતાં હાલત ગંભીર
17/10/2019 00:10 AM Send-Mail
ઉમરેઠ તાલુકાના ઓડ ગામે ગઈકાલે પ્રમુખની ચૂંટણીની અદાવતમાં પટેલોના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતાં સાતને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી જેમાં એકને પેટના ભાગે ગુપ્તી તેમજ બીજાને માથામાં ધારીયું મારી દેતાં તેની હાલત ગંભીર હોય આણંદની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ અંગે ખંભોળજ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી ચારની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

જતીનભાઈ ઘનશ્યામભાઈ પટેલે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે રાત્રીના સાડા નવેક વાગ્યાના સુમારે તે મિત્ર સુહાગ સાથે ભાલેજ જમીને ઓડ સરદાર ચોકે આવ્યા હતા. જ્યાં જય ઉર્ફે સ્વામી અને તેના મિત્રો ગઈકાલે ઓડ પાલિકાના પ્રમુખની ચૂંટણીમાં ભાજપના ગોપાલસિંહ રાઉલજી વિજેતા થતાં તેમના પક્ષના હોવાને કારણે અદાવત રાખીને બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. જેથી જતીનભાઈને બીક લાગતાં ત્યાંથી રવાના થઈને બાવાજીની ખડકીએ આવી ગયો હતો. દરમિયાન દિપેન ગીરીશભાઈ પટેલ હાથમાં ધારીયું લઈને, ધીરેન ગીરીશભાઈ પટેલ લાકડી, વિપુલ અને તેનો ભાઈ મનિષ લાકડીઓ લઈને, જય ઉર્ફે સ્વામી ગુપ્તી જેવા હથિયારો લઈને પાછળ-પાછળ આવી ચઢ્યા હતા અને મન ફાવે તેમ ગાળો બોલવાનું ચાલુ કર્યું હતુ જેથી ગાળો બોલવાની ના પાડતાં જય ઉર્ફે સ્વામીએ પોતાની પાસેની ગુપ્તી પેટમાં જમણી બાજુ મારી દેતાં લોહીલુહાણ થઈ જવા પામ્યો હતો. ભાવેશભાઈ મનુભાઈ પટેલ વચ્ચે છોડાવવા પડતાં તેને દિપેનભાઈએ પોતાની પાસેનું ધારીયું માથામાં પાછળના ભાગે મારી દીધી હતુ. શૈલેષભાઈ વચ્ચે પડતાં તેમને પણ અન્ય શખ્સોએ લાકડીઓથી માર માર્યો હતો. હુમલાખોરોનું ઉપરાણું લઈને પ્રિયાંક મુકેશભાઈ પટેલ, હિમેન કાઉન્સિલર, રૂપલ ઉર્ફે ભોલો, જય મુકેશભાઈ પટેલ, વિશાંત ઉર્ફે બુધો રમણભાઈ તથા દિવ્યેશભાઈ રમણભાઈ પણ આવી ચઢ્યા હતા અને ધમકીઓ આપી હતી કે, આજે તો બચી ગયા છો, પરંતુ એકલદોકલ મળશો તો જાનથી મારી નાંખીશુ.

સામા પક્ષે વિશાંતકુમાર રમણભાઈ પટેલે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે રાત્રીના નવેક વાગ્યાના સુમારે દિશાંતકુમારની સાથે બાવાજીની ખડકીએ આવ્યા હતા ત્યારે રસ્તામાં વચ્ચોવચ્ચ બાદલભાઈ ભાવેશભાઈ પટેલ અને કૌશલભાઈ શૈલેષભાઈ પટેલ દ્વારા નગરપાલિકાના પ્રમુખની ચૂંટણીની અદાવત રાખીને બન્નેને જોઈને કણબા-કણબા બોલી ગાળો બોલતા હતા. જેથી બન્ને ત્યાંથી નીકળીને ગોપી ટેકરા પાસે આવીને ઊભા રહ્યા હતા. દરમિયાન ભાવેશભાઈ મનુભાઈ પટેલ, બાદલભાઈ ભાવેશભાઈ પટેલ, શૈલેષભાઈ મનુભાઈ પટેલ, વિશાલભાઈ ભાણો, જતીન ઘનશ્યામભાઈ પટેલ, સુહાગભાઈ રજનીભાઈ પટેલ હાથમાં લાકડીઓ અને બેટ લઈને આવી ચઢ્યા હતા અને વિશાંતકુમાર, દિવ્યેશકુમાર, વિપુલભાઈ દિપેનભાઈન ેબેટ અને લાકડીઓથી માર માર્યો હતો. અડધા કલાકની અંદર જ સામસામે હિંસક મારામારીની ઘટના બનતાં જ ગામમાં ભયનું વાતાવરણ છવાઈ જવા પામ્યું હતુ. ઘટનાની જાણ ખંભોળજ પોલીસને થતાં જ પોલીસનો કાફલો ઓડ ગામે પહોંચી ગયો હતો અને એકત્ર થયેલા બન્ને પક્ષોના ટોળાઓને વિખેરી નાંખ્યા હતા. ત્યારબાદ ઘવાયેલા સાતેયને વધુ સારવાર માટે આણંદની અલગ-અલગ હોસ્પિટલોમાં મોકલી આપવામાં આવ્યા હતા. ખંભોળજ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને રાયોટીંગના ગુનાઓ દાખલ કરીને વિશાલ, બાદલ, વિવેક અને મનિષની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.