Sardar Gurjari

રવિવાર, તા. ૩૧ મે, ૨૦૨૦, જેઠ સુદ-૯, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૩૪૩

મુખ્ય સમાચાર :
બોરસદની સબજેલમાંથી અપહરણ અને પોક્સોનો આરોપી ફરાર
બાઈક પર ચ્હા લઈને આવેલા પોલીસ જવાન માટે દરવાજો ખોલતાં જ આરોપી જયેશ સોલંકી ફરાર થઈ ગયો
17/09/2019 00:09 AM Send-Mail
ફરાર થયેલો જયેશ સોલંકી બીજી વખત સગીરાને ભગાડી ગયો હતો
પ્રેમમાં અંધ બનેલો જયેશ સોલંકી બીજી વખત સગીરાને ભગાડી ગયો હતો. અગાઉ તે ત્રણેક માસ પહેલા સગીરાને ભગાડી ગયો હતો પરંતુ ત્યારે તેની ઉંમર ૧૮ વર્ષની નહોતી થતાં કોર્ટે તેને ચેતવણી આપીને છોડી મુક્યો હતો. જો કે કોર્ટની અવગણના કરીને તે ફરી એકવાર સગીરાને ભગાડી ગયો હતો. જેથી આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરતાં કોર્ટે તેને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.

બોરસદની સબજેલમાંથી ફરાર થઈ જવાની ચકચારી ઘટનાઓ
૧-૪ વર્ષ પહેલા તારીખ ૩-૩-૨૦૦૪ની રાત્રીના સુમારે બે પોલીસ જવાનો ઉપર હુમલો કરીને સબજેલ તોડી ૧૦ કેદીઓ ફરાર થઈ ગયા હતા. જેમાંથી છને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી જ્યારે ચાર કેદી હજી સુધી પકડાયા નથી. ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી હતી અને તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ પણ બોરસદ સબજેલ ખાતે દોડી આવ્યા હતા. -તા. ૩૧-૭-૨૦૧૮ના રોજ ચેક રીટર્નના કેસમાં સજા પામેલો કાચા કામનો કેદી મથુરભાઈ ભીખાભાઈ ઠાકોર (રે. રૂપિયાપુરા, પેટલાદ) જેલગાર્ડને ધક્કો મારીને ફરાર થઈ ગયો હતો. -તારીખ ૨૦-૮-૧૮ના રોજ બેરેક નંબર ત્રણ અને ચારમાં રાખવામાં આવેલા ચોરીના ગુનામાં પકડાયેલા અરવિંદભાઈ ભાઈલાલભાઈ તંબોળીયા (રે. ભાનપુરા, દાહોદ) તેમજ બળાત્કારના ગુનામાં કેદ ઈમરાનશા સિકન્દરશા દિવાન (રે. કણભા, બોરસદ) સાંજના પાંચેક વાગ્યા બાદ બેરેકમાંથી નહાવા કાઢતાં જ તકનો લાભ ઉઠાવીને જેલની પાછળ આવેલી ૨૦ ફુટ ઊંચી દીવાલ પર ચઢીને પાછળના રસ્તેથી ફરાર થઈ ગયા હતા.

આંકલાવ તાલુકાના નારપુરા ગામનો સગીરાના અપહરણ અને પોક્સોનો આરોપી જયેશભાઈ સોલંકી આજે સવારના સુમારે બોરસદની સબજેલમાંથી ફરજ પરના ગાર્ડને ચકમો આપીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આંકલાવ તાલુકાના નારપુરા ગામના હડિયાભાગમાં રહેતો જયેશભાઈ ભરતભાઈ સોલંકી સગીરાને ભગાડી ગયો હતો. જે અંગે આંકલાવ પોલીસે તેની ધરપકડ કરીને ૧૧મી તારીખના રોજ બોરસદની સબજેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. આજે સવારના સાતથી આઠ વાગ્યા સુધી કેદીઓની રીશેષ હોય તમામ કેદીઓને બહાર કાઢ્યા હતા. દરમ્યાન ગત જેલ ગાર્ડ પર તૈનાત અહેસાનમીંયા સાથી પોલીસ જવાનો માટે બાઈક લઈને ચ્હા લેવા માટે ગયો હતો. આઠેક વાગ્યાના સુમારે રીશેષ પુરી થતાં તમામ કેદીઓ બેરેકમાં પરત ફર્યા હતા. દરમ્યાન ચ્હા લઈને આવેલા અહેસાનમીંયાએ હોર્ન મારતાં જયેશભાઈ સોલંકીએ સબજેલના દરવાજેથી જોતાં અહેસાનમીંયા હોય તેમણે ગાર્ડ ઈન્ચાર્જ ઘનશ્યામભાઈ પરસોત્તમભાઈનો જમાદાર છે તેમ કહેતા જ તેમણે ચાવી આપી દરવાજો ખોલવાનું કહ્યું હતું. જયેશ સોલંકીએ દરવાજો ખોલતા જ અહેસાનમીંયા બાઈક લઈને અંદર પ્રવેશ્યા એ સાથે જ ખુલ્લા દરવાજામાંથી જયેશ સોલંકી ફરાર થઈ ગયો હતો.

ફરજ પરના પોલીસ જવાનો તેની પાછળ પડ્યા હતા પરંતુ એક આયશર ટેમ્પો વચ્ચે આવી જતાં તે ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. ઘટનાની જાણ બોરસદ શહેર પોલીસને કરવામાં આવતાં પોલીસનો કાફલો સબજેલ પર ઘસી આવ્યો હતો અને ઘનશ્યામભાઈની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી ફરાર થઈ ગયેલા જયેશને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.