Sardar Gurjari

રવિવાર, તા. ૩૧ મે, ૨૦૨૦, જેઠ સુદ-૯, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૩૪૩

મુખ્ય સમાચાર :
સ્થાનિકો પારાવાર પરેશાનીની સ્થિતિમાં પણ તંત્રની ચૂપકિદી
બાકરોલની ત્રણ સોસાયટીઓમાં બે માસથી કાદવ-કીચ્ચડ અને વરસાદી પાણીનું સામ્રાજય
ભરાયેલા વરસાદી પાણીના કારણે લપસણા બનેલ માર્ગ પરથી પસાર થવું જોખમી
17/09/2019 00:09 AM Send-Mail
ગટરના આડેધડ ખોદકામના કારણે બે ભૂલકાંઓને ઇજા થવા સહિત ટાંકા આવ્યા છે : ભગવાનભાઇ પટેલ
તીર્થ સોસાયટી-રના રહિશ ભગવાનભાઇ પટેલે જણાવ્યું હતું કે, બે માસથી ગટરના ખોદકામની આડેધડ કામગીરીના કારણે માર્ગ લપસણો બની ગયો છે. નાના, મોટા પથ્થર માર્ગ પર ફેલાયેલા છે. તાજેતરમાં સોસાયટીના બે બાળકોને પથ્થરથી ઇજા પહોંચી હતી. જેમાં એકને બાર ટાંકા પણ લેવામાં આવ્યા છે.છતાંયે પાલિકા તંત્રની આંખ ઉઘડતી નથી અને અમોને સલામત માર્ગ ઉપલબ્ધ કરાવવાની દિશામાં કોઇ કાર્યવાહી હાથ ધરી નથી. વારંવાર રજૂઆતો છતાંયે અમારી સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું આથી આગામી સમયમાં પાલિકાને ઘેરાવો સહિતના જલદ કાર્યક્રમો હાથ ધરાશે તેમ કહ્યું હતું.

ત્રણ સોસાયટીના ૧૮૦ પરિવારોને પાલિકા તરફથી કોઇ સુવિધા મળી નથી :શોભનાબેન દવે
તીર્થ સોસાયટી ૧,ર અને ૩માં ૧૮૦ પરિવારો વસવાટ કરતા હોવા છતાંયે પાલિકા તંત્ર દ્વારા કોઇ સુવિધા આપવામાં આવી ન હોવાનો રોષ વ્યકત કરતા રહિશ શોભનાબેન દવેએ જણાવ્યું હતું કે, વરસાદી પાણી અમારા ઘરોમાં ઘૂસી જતા હોવા સહિતની સમસ્યા મામલે વારંવાર રજૂઆત છતાંયે પાલિકાના સત્તાધીશો અમારી વાતને ગણકારતા નથી. આજદિન સુધી વરસાદી પાણી સૂકાયા નથી. સીનીયર સીટીઝન સલામત રીતે અવરજવર કરી શકે તે માટે તંત્ર તરફથી કોઇ સુવિધા ઉપલબ્ધ થઇ નથી. આવી ઉપેક્ષાનીતિ સામે હવે પાલિકા સામે આંદોલન સહિતના કાર્યક્રમો કરવામાં આવશે તેમ મહિલાઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું.

ગટર બનાવ્યા બાદ પાલિકાએ રોડનું કામ કર્યુ ન હોવાથી અમે ત્રાહિમામ પોકારી ઊઠયા છીએ : સ્થાનિક મહિલાઓ
સોસાયટીની મહિલાઓએ જણાવ્યું હતું કે, અમે વીસ વર્ષથી રહેતા હોવા છતાંયે પાલિકા તરફથી અમોને પાયાની કોઇ સુવિધા પૂરી પાડવામાં આવી નથી. અમારી સોસાયટીઓમાં બે માસ અગાઉ પાલિકાએ ગટરનું ખોદકામ કર્યા બાદ રોડની કામગીરી જ કરી નથી. આથી અમોને ભારે હાલાકી પડી રહી છે. બાળકો, મહિલાઓ અને વૃદ્વોને ખાડાવાળા, મોટા-મોટા પથ્થરોવાળા માર્ગથી કેવી રીતે પસાર થવું તે ચિંતાનો વિષય બન્યો છે. આ અંગે પાલિકામાં રજૂઆતો છતાંયે આજદિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આથી નઘરોળ તંત્રની આંખો ખોલવા આગામી સમયમાં ત્રણેય સોસાયટીની મહિલાઓ પાલિકામાં હલ્લાબોલ સહિતના આંદોલન હાથ ધરીશું તેમ રોષભેર જણાવ્યું હતું.

છેલ્લા બે માસના સમયગાળામાં આણંદ અને આસપાસના વિસ્તારમાં સમયાંતરે વરસેલા વરસાદના કારણે પાણી ભરાઇ રહ્યાની સમસ્યા સર્જાઇ છે. તેમાંયે તંત્ર દ્વારા પાણી નિકાલની કોઇ વ્યવસ્થા હાથ ન ધરતા અનેક સોસાયટીઓમાં હજીયે વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે. જેમાં બાકરોલ ગેટથી આત્મીય વિદ્યાધામની બાજુમાં આવેલ તીર્થ સોસાયટી નં.૧,ર અને ૩ના માર્ગો પર હજીયે વરસાદી પાણી ભરાયેલા છે. પાલિકા દ્વારા અધૂરી છોડાયેલ ગટરની કામગીરીના કારણે ચીકણી માટીથી સમગ્ર માર્ગ લપસણો બન્યો છે છતાંયે તંત્ર દ્વારા રહિશોની સલામતી માટે કોઇ કાર્યવાહી હાથ ન ધરાયાનો રોષ સ્થાનિકો વ્યકત કરી રહ્યા છે.

તીર્થ સોસાયટી ૧,ર અને ૩ની મહિલાઓએ આજે માર્ગ પર એકત્ર થઇને આક્રોશ સાથે પાલિકા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. જોખમી બનેલ માર્ગનું સત્વરે સમારકામ કરવામાં નહીં આવે તો પાલિકાને ઘેરાવ સહિત પાલિકા સામે આમરણાંત ઉપવાસ આંદોલન છેડવાનો દૃઢ નિર્ધાર મહિલાઓએ વ્યકત કર્યો હતો. સોસાયટીઓના લપસણીયા માર્ગના કારણે સોસાયટીના સિનિયર સિટિઝનોને સવારે મોર્નિગ વોક કે મંદિરે દર્શનાથે જઇ શકાતું નથી. આ ઉપરાંત સોસાયટીમાંથી નોકરીયાતોને ટુ વ્હીલર લઇને પસાર થવામાં વાહન લપસી જતાં ઇજા થવાના બનાવ બની રહ્યા છે. છેલ્લા બે માસથી પારાવાર હાડમારી અનુભવતા સ્થાનિકો માર્ગનું પાલિકા દ્વારા સત્વરે સમારકામ હાથ ધરાય તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે.