Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૧૯, આસો વદ ૪, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૧૨૨

મુખ્ય સમાચાર :
આણંદ જિલ્લામાં ટ્રાફિકના નવા નિયમના પ્રથમ દિવસે પોલીસનું ઉદાર વલણ
આણંદ જિલ્લામાં ટ્રાફિક નિયમનના ૩૯૪ કેસમાં ૨૬ હજારનો દંડ : આણંદ જિલ્લામાં સીટ બેલ્ટના ૫૪, હેલ્મેટ વગરના ૧૮૯, ફેન્સી નંબર પ્લેટના ૧, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવાના ૧, વધુ પેસેન્જરોના ૯, ડાર્ક ફિલ્મના ૧૦ અને લાયસન્સ વગરના ૧૩ કેસો કર્યા : ખેડા જિલ્લામાં ૫૩૧૫૬નો દંડ વસૂલાયો
17/09/2019 00:09 AM Send-Mail
આણંદ આરટીઓમાં નવા-રીન્યૂ લાયસન્સની કામગીરી પાંચ ગણી વધી : દિવસ દરમ્યાન એઆરટીઓ સહિતની ટીમ દ્વારા ૩ લાખ દંડ વસૂલાત
આણંદ આરટીઓ કચેરીના એઆરટીઓ ચૌધરીએ જણાવ્યું હતું કે, નાના, મોટા સહિત તમામ પ્રકારના વાહનોના નવા તથા રીન્યૂ લાયસન્સ કઢાવવાની કામગીરીમાં આજે પાંચ ગણો વધારો થયાનું જોવા મળ્યું હતું. ટ્રાફિકના નવા નિયમોની આજથી અમલવારી શરુ થવાના કારણે મોટાભાગના વાહનચાલકો પણ મોડે મોડે સતર્ક બનીને લાયસન્સની કામગીરી પૂર્ણ કરાવવા કચેરીએ ઉમટી પડયા હતા. જેથી દિવસભર આરટીઓ કચેરીમાં વિવિધ કામનું સતત ભારણ રહ્યું હતું. બીજી તરફ સમગ્ર જિલ્લામાં આજે વાહન અને તેના ચાલકના જરુરી દસ્તાવેજોની ચકાસણી ડ્રાઇવમાં આરટીઓ દ્વારા આશરે ૩ લાખ દંડની વસૂલાત કરવામાં આવી હતી. જે રૂટીન કરતાં ૩પ ટકા રકમ વધુ હોવાનું જણાવ્યું હતું. જો કે કેટલીક જગ્યાઓએ વાહન ચાલકો અને કર્મચારીઓ વચ્ચે રકઝક પણ થવા પામી હતી.

આજથી સમગ્ર રાજ્યમાં નવો ટ્રાફિક કાયદો અમલી બની જવા પામ્યો હતો જેને લઈને પોલીસ દ્વારા સખ્તાઈપુર્વક વર્તન કરીને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી વાહનચાલકોની ભીતિ આજે ઠગારી નિવળી હતી. આણંદ જિલ્લા પોલીસ દ્વારા આજે ઉદાર વલણ દાખવતા રૂટીન કામગીરી જ કરી હોવાના અહેવાલો સાંપડ્યા છે. જ્યારે ખેડા જિલ્લામાં ૫૩૧૫૬નો દંડ વસૂલાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર આજે પોલીસ દ્વારા શહેરોમાં પ્રવેશતી વિવિધ ચોકડીઓ ઉપર જ વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરી હતી અને સીટ બેલ્ટના, વગર હેલ્મેટના, ફેન્સી નંબર પ્લેટના, ચાલુ વાહને મોબાઈલ ફોન પર વાત કરવાના, વધુ પેસેન્જરો બેસાડવાના, ડાર્ક ફિલ્મના તેમજ લાયસન્સ કે કાગળો વગરના એનસી કેસો કર્યા હતા. જ્યારે શહેરની ચોકડીઓ તેમજ મુખ્ય રસ્તાઓ ઉપર પોલીસે કોઈપણ જાતની રોકટોક કરી નહોતી. જેને લઈને વાહનચાલકોમાં હાશકારો વ્યાપેલો જોવા મળ્યો હતો.

આણંદ જિલ્લા કન્ટ્રોલ રૂમના અહેવાલ પ્રમાણે સમગ્ર જિલ્લામાં એનસીના કુલ ૩૯૪ કેસો કરીને સ્થળ પર ૨૬,૦૨૦ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો. જેમાં સીટ બેલ્ટના ૫૪, હેલ્મેટના ૧૮૯, ફેન્સી નંબર પ્લેટના ૧, ચાલુ મોબાઈલ પર વાત કરવાના ૧, વધુ પેસેન્જરોના ૯, ડાર્ક ફિલ્મના ૧૦ અને લાયસન્સ કે જરૂરી કાગળો વગરના ૧૩ જેટલા કેસો કરવામાં આવ્યા હતા. જો કે આજે પણ હેલ્મેટ ખરીદવા, પીયુસી કઢાવવા, વાહનોના વીમો ઉતરાવવા તેમજ લાયસન્સ કઢાવવા માટે લોકોએ લાંબી કતારો કરી દીધી હતી. પીયુસીમાં રાજ્ય સરકાર દ્વારા ૩૦મી સપ્ટેમ્બર સુધીની રાહત આપી છે તેમ છતાં પણ દરેક પીયુસી સેન્ટરો ઉપર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે.