Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૧૯, આસો વદ ૪, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૧૨૨

મુખ્ય સમાચાર :
યુપી સરકારને ફટકો : ૧૭ ઓબીસી જાતિઓને એસસીમાં સામેલ કરવા પર હાઇકોર્ટનો સ્ટે
કોર્ટે કહ્યું, રાજ્ય સરકારને અનુસૂચિત જાતિઓની યાદીમાં ફેરફાર કરવાનો અધિકાર નથી
17/09/2019 00:09 AM Send-Mail
ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા અન્ય પછાત વર્ગની ૧૭ જાતિઓને અનુસૂચિત જાતિમાં સામેલ કરવાના નિર્ણય પર અલ્હાબાદ હાઇકોર્ટે રોક લગાવી દીધી છે. ૨૪ જૂને રાજ્ય સરકાર દ્વારા જારી આદેશ પર રોક લગાવતા કોર્ટે સરકારને નોટિસ મોકલી છે. આ આદેશની સાથે જ કોર્ટે રાજ્યના સમાજ કલ્યાણ વિભાગના મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહને વ્યક્તિગત સોગંદનામુ રજૂ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે.

આ મામલે કોર્ટમાં સામાજિક કાર્યકર ગોરખ પ્રસાદ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતાં હાઇકોર્ટના જસ્ટિસ સુધીર અગ્રવાલ અને જસ્ટિસ રાજીવ મિશ્રની ડિવિઝન બેન્ચે કહ્યું કે, યોગી સરકારનો નિર્ણય એકદમ ખોટો છે. રાજ્ય સરકાર આવા મામલાઓમાં નિર્ણય ન લઇ શકે કારણ કે એસસી-એસટી જાતિઓમાં ફેરફારનો અધિકાર માત્ર દેશની સંસદને જ છે. કોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર કોઇ પણ પ્રકારે આવો આદેશ આપી ન શકે અને ૨૪ જૂને જે આદેશ આપ્યો છે તે એકદમ ખોટો છે.

ઉલ્લેખનીય છે કે ૨૪ જૂન ૨૦૧૯ના રોજ એક શાસનાદેશ રજારી કરતાં ઉત્તર પ્રદેશની યોગી સરકારે નિષાદ, મલ્લાહ અને રાજભર સહિત ૧૭ જાતિઓને અનુસૂચિત જાતિનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો હતો. સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું તું કે આ નિર્ણય કોર્ટના અંતિમ આદેશને આધીન હશે. આદેશ જારી કરતી વખતે જ સરકારે એ શરત મૂકી દીધી હતી કે જો કોર્ટનો અંતિમ નિણય અનુસૂચિત જાતિમાં સામેલ ના કરવા પર આવે છે તો પછી તેમને અનુસૂચિત જાતિના દાયરામાંથી બહાર કરી દેવામાં આવશે. જો કોર્ટ તેમને અનુસૂચિત જાતિમાં યથાવત રાખવાનું કહે છે તે તો તેમનો આ સ્ટેટસ જારી રહેશે.