Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૧૯, આસો વદ ૪, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૧૨૨

મુખ્ય સમાચાર :
હિન્દ મહાસાગરમાં ચીની યુદ્ઘ જહાજ અને સબમરીન દેખાતા ભારતીય નેવી સતર્ક
પેટ્રોલિંગ દરમિયાન તસવીર ખેંચી : સરહદ પર સુરક્ષામાં વધારો
17/09/2019 00:09 AM Send-Mail
હિંદ મહાસાગરમાં ચીનની વધતી જતી આડોડાઈનો વધુ એક નમૂનો જોવા મળ્યો છે. ભારતીય નેવીને ભારતીય જળ સીમા નજીક ચીનનું યુદ્ધ જહાજ અને સબમરીન જોવા મળ્યા છે.

ભારતીય નેવીના સર્વિલાંસ એરક્રાફ્ટે પેટ્રોલિંગ દરમિયાન ચીનના યુદ્ધ જહાજની તસવીર ખેંચી હતી. ભારતીય જળસીમાની નજીકથી પસાર થનારી તમામ વ્યાવસાયિક અને યુદ્ધ જહાજો પર ભારતીય નેવી પોતાની નજર ટકાવીને જ બેઠી હોય છે. ભારતીય જળ સીમા નજીકથી ચીની એંફીબિયસ લડાકૂ જહાજ શિયાન અને મિસાઈલ ફ્રિગેટની તસવીર લેવામાં આવી છે. આ તસવીર પી-૮૧ મેરીટાઈમ સર્વિલાંસ એરક્રાફ્ટ દ્વારા લેવામાં આવી હતી.

ભારતીય એરક્રાફ્ટ જ્યારે હિંદ મહાસાગરમાં પેટ્રોલિંગ કરી રહ્યું હતું તે સમયે ખૂબ જ ઉંચાઈ પરથી આ તસવીર લેવામાં આવી હતી.હિંદ મહાસાગરમાં પ્રવેશ કરનારા બધા જ યુદ્ધ જહાજો પર ભારતીય નેવીની બાજ નજર હોય છે કારણ કે આ જળ વિસ્તારમાં ભારતનો દબદબો છે. ભારતીય નેવીએ પેટ્રોલિંગ વિમાનથી ચીની યુદ્ધ જહાજ ઉપરાંત એક એટમી સબમરીનને પણ ટ્રેક કર્યું છે. આ ઘટના બાદ ભારતીય નેવી સતર્ક થઈ ગઈ છે અને સીમા પર સુરક્ષામાં વધારો કરી દીધો છે.