Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૧૯, આસો વદ ૪, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૧૨૨

મુખ્ય સમાચાર :
બચાવ અને રાહત કામગીરી યુદ્ઘના ધોરણે જારી
ભારે વરસાદથી રાજસ્થાનના ઘણા જિલ્લામાં પુરની સ્થિતિ
ચિત્તોડગઢમાં અતિભારે વરસાદ બાદ રાણાપ્રતાપ સાગર બંધમાંથી પાણી છોડવા ફરજ : સ્કૂલોમાં પણ પાણી પાણી
16/09/2019 00:09 AM Send-Mail
રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે હાલત કફોડી બની ગઈ છે. બીજી બાજુ રાજસ્થાનના અન્ય વિસ્તારોમાં હાલમાં અવિરત વરસાદ થઇ રહ્યો છે. ભારે વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. બીજી બાજુ ચિત્તોડગઢ જિલ્લામાં બે દિવસથી અવિરત વરસાદના લીધે રાણા પ્રતાપ સાગર બંધથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યા બાદથી પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. અહીંની એક સ્કુલમાં પણ પાણી ઘુસી ગયા છે. સ્કુલમાં પાણી ઘુસી ગયા ત્યારે સ્કુલમાં ૩૫૦થી વધારે વિદ્યાર્થી અને ૫૦થી વધુ શિક્ષકો હતા. માર્ગો બ્લોક થઇ જવાના કારણે તમામ સ્કુલોમાં બાળકો ફસાયેલા રહ્યા હતા. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા બાળકો અને શિક્ષકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના લીધે પુરની સ્થિતિ સર્જાયેલી છે. પડોશી મધ્યપ્રદેશ રાજ્યમાં અવિરત વરસાદ થઇ રહ્યો છે જેથી પ્રદેશના સરહદી વિસ્તારમાં પુરનો ખતરો તોળાઈ રહ્યો છે. રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેથી લોકોની સમસ્યાઓ વધી ગઈ છે. અનેક નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી ગઈ છે. પ્રતાપગઢ, ચિત્તોડગઢ, ઝાલાવાડ, બાંસવાડા અને ભીલવાડા જિલ્લામાં ભારે વરસાદ થઇ રહ્યો છે.

પાણીના નિકાલ માટે ચિત્તોડગઢમાં રાણાપ્રતાપ બંધને ખોલવાની ફરજ પડી છે. નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. બીજી બાજુ મોટી સંખ્યામાં લોકોને અન્ય વિસ્તારોમાંથી ખસેડવામાં આવી રહ્યા છે. મધ્યપ્રદેશમાં ગાંધી સાગર બંધમાંથી રાજસથાન તરફ પાણી છોડવામાં આવ્યા બાદ ધોલપુર જિલ્લામાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. કોટામાંથી ૫૦૦ પરિવારોને સુરક્ષિત ખસેડવામાં આવી ચુક્યા છે. ભારે વરસાદ જારી રહેવાના કારણે રાજસ્થાનમાં સ્થિતિમાં હાલ સુધારો થાય તેવા કોઇ સંકેત દેખાઈ રહ્યા નથી.