Sardar Gurjari

મંગળવાર, તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૯, ભાદરવા વદ-૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૯૨

મુખ્ય સમાચાર :
આમરોલ: હરિજનોના મંદિર પ્રવેશ પર પ્રતિબંધના બોર્ડથી ખળભળાટ
ડીવાયએસપીની ઉપસ્થિતિમાં ગામના તમામ સમાજો સાથે બેઠક બાદ મામલો થાળે પડયો
20/08/2019 00:08 AM Send-Mail
પ્રતિબંધનું લખાણ કોણે લખ્યું તે પ્રશ્નાર્થ
આમરોલના શિવ મંદિરમાં હરિજનોના પ્રવેશ પર પ્રતિબંધનું બોર્ડમાં લખાણ કોણે લખ્યું તે બાબત પ્રશ્નાર્થરૂપ બની રહેવા પામી છે. ખરેખર ટ્રસ્ટીઓ દ્વારા લખાણ લખાયું હતું કે, કોઇકે ગામમાં અજંપો ફેલાવવા કાંકરીચાળો કર્યાની ગુસપુસ પણ થતી હતી. જો કે સાંજે અગ્રણી ગ્રામજનોની બેઠકમાં સમગ્ર મામલે શાંતિભર્યુ સમાધાન થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

આંકલાવ તાલુકાના આમરોલમાં આવેલા શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં આજે હરિજનોએ પ્રવેશ કરવો નહિના મૂકાયેલા બોર્ડના પગલે ગામમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

આજે શ્રાવણીયો સોમવાર હોવાથી શ્રદ્વાળુઓ સવારથી જ ગામના શિવાલયમાં દર્શનાર્થ જતાહતા. પરંતુ હરિજન સમાજના લોકોએ મંદિરમાં પ્રવેશ ન કરવાનું બોર્ડ મૂકાયાની વાત પ્રસરી હતી. જેથી હરિજન સમાજના લોકો મંદિરની બહાર ઉમટયા હતા અને બોર્ડ હટાવવાની માંગ કરી હતી. સાથોસાથ સત્વરે બોર્ડ નહીં હટાવાય અને મંદિર પ્રવેશ પર પ્રતિબંધ મૂકાશે તો આંદોલનની ચીમકી ઉચ્ચારતા થોડો સમય માહોલ ગરમાયો હતો. દરમ્યાન ગામના અગ્રણીઓએ હરિજન સમાજના લોકોને સમજાવ્યા હતા અને સાંજે બેઠક કરીને નિકાલ લવાશેની બાંહેધરી આપતા હોબાળો શાંત પડયો હતો.

દરમ્યાન ગામના અગ્રણી અને મંદિરનો જીર્ણોદ્વાર કરાવનાર મનુભાઇ પરમારે જણાવ્યું હતું કે, મંદિરના ટ્રસ્ટીઓની ગંભીર ભૂલનું બંને સમાજના લોકોને સાથે બેસાડીને નિરાકરણ લવાશે અને ગામમાં એકતાનું નિર્માણ કરાશે. જાણવા મળ્યાનુસાર આમરોલના મંદિરની વાત જિલ્લાભરમાં પ્રસરતા કલેકટર દ્વારા પેટલાદ ડીવાયએસપીને તાકિદ કરવામાં આવી હતી. જેના પગલે ડીવાયએસપી સહિતનો સ્ટાફ આમરોલ દોડી ગયો હતો. જયાં દરબાર, હરિજન સહિતના સમાજના અગ્રણીઓ, સરપંચ અને પોલીસ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં બોર્ડ મૂકાયાનું પગલું ખોટું થયું છે અને ભવિષ્યમાં આ પ્રકારે નહીં બનેની સરપંચ દ્વારા ખાતરી અપાતા સમાધાન થયું હતું.