Sardar Gurjari

મંગળવાર, તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૯, ભાદરવા વદ-૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૯૨

મુખ્ય સમાચાર :
શ્રાવણના ત્રીજા સોમવારે ભાવિકજનો "શિવમય" : શિવાલયોમાં આકર્ષણરૂપ ફુલવાડી
શ્રાવણી પર્વની ચોથ અને મેઘરાજાના વિરામથી શિવાલયોમાં દર્શનાર્થીઓ ઉમટયા
20/08/2019 00:08 AM Send-Mail
પવિત્ર શ્રાવણ માસના આજે ત્રીજા સોમવારે વહેલી સવારથી વાતાવરણમાં ઉઘાડ રહેતા ભાવિકજનો શિવમય બન્યાની ભીડ શિવાલયોમાં જોવા મળતી હતી. મેઘરાજાએ ખમૈયા કરતા શિવાલયોની બહાર બિલ્વ પત્ર, પુષ્પો સહિતનું વેચાણ કરનાર ફેરીયા, અનેક સ્થળોએ લોકમેળા જેવા માહોલમાં વિવિધ ચીજવસ્તુઓના વેચાણ અને દર્શનાર્થીઓની ઉમટતી ભીડના કારણે સમગ્ર માહોલ શિવમય બન્યાનું જોવા મળ્યું હતું.

પવિત્ર શ્રાવણ માસમાં આજે ત્રીજો સોમવાર હોવા સાથે બોળચોથ પણ હોવાથી દર્શનાર્થીઓનો ઉત્સાહ બેવડાયો હતો. હર હર મહાદેવના નાદ સાથે શિવજીને દુગ્ધાભિષેક, જળાભિષેક કરીને પુષ્પ-પ્રસાદ અર્પણ કરવામાં આવ્યા હતા. શિવાલયોમાં લઘુ રુદ્વ, શિવસ્ત્રોત ગાન, શિવ મહિમ્ન પાઠ સહિતના ધાર્મિક આયોજનો યોજાયા હતા. દેવાધિદેવ મહાદેવને રીઝવવા ભાવિકજનો વિવિધ પ્રકારે પૂજા-અર્ચનામાં મગ્ન બન્યા હતા.

હવે આવતીકાલે પાંચમ, પછી છઠ્ઠ-સાતમ અને ગોકુળાષ્ટમી (જન્માષ્ટમી)ની ઉજવણી કરવામાં આવશે. આજે શ્રાવણીયા સોમવાર નિમિત્તે આણંદ સહિત જિલ્લાના વિવિધ શિવાલયોમાં વિવિધ પ્રકારે ફુલવાડી કરવામાં આવી હતી. જે નિહાળવા અને શિવજીના દર્શનાર્થ મોડી સાંજ સુધી ભાવિકજનોની શિવાલયોમા ંઅવરજવર જોવા મળી હતી. સાંજે વિવિધ પ્રકારની રોશનીમાં શિવાલયો ઝળહળી ઉઠયા હતા. આણંદમાં શ્રી જાગનાથ મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવ સહિતના શિવાલયોએ આજે લોકમેળા જેવો માહોલ પણ જોવા મળ્યો હતો. બાળકોના મનોરંજન માટેની નાની ચકડોળ, ફુગ્ગા, મોરલી, રમકડાંના વેચાણ સહિતનું વેચાણ કરતા ફેરિયાઓ રોડની બંને તરફે હારબંધ ગોઠવાયાનું જોવા મળતું હતું. આજે વરસાદ ન વરસ્યો હોવાથી ભાવિકજનોની ખરીદારી સારી રહ્યાનો આનંદ ફેરિયાઓએ વ્યકત કર્યો હતો.