Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
નડિયાદ : પ્રેમલગ્ન બાદ હનીમૂન માટે વિદેશમાં ગયેલ પત્નિએ પતિને કેનેડા સ્થાયી થવાની જીદ કરતાં મામલો છૂટાછેડા સુધી પહોંચ્યો
હનીમૂનથી પરત આવ્યા બાદ કંકાશ વધ્યો : સાસુ,સસરા અને પત્નિએ જાહેરમાં માર માર્યાની ફરિયાદ સાથે પતિએ કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી
20/06/2019 00:06 AM Send-Mail
નડિયાદના યુવકે કોલેજકાળ દરમિયાન યુવતિ સાથે ચાર વર્ષ સુધી પ્રેમસબંધ રાખ્યાં બાદ લગ્ન કરી હનીમુન કરવા ગયાં હતા. પરંતુ ત્યાંજ પત્ની બનેલી પ્રેમિકાએ વિદેશમાં સ્થાયી થવા કરેલી જીદને કારણે બંને વચ્ચે બ્રેકઅપ થઈ જતાં મામલો છેક છુટાછેડા સુધી કોર્ટમાં પહોચ્યો છે. જો કે આ દરમિયાન સાસુ-સસરાં તેમજ પત્નીએ સરદારની પ્રતિમા નજીક જાહેરમાં યુવકને મારઝુડ કરતાં તેણે આ ત્રણેય સામે નડિયાદ ટાઉન પોલીસમાં ફરીયાદ આપી છે.

મળતી માહિતી મુજબ નડિયાદમાં કિશન સમોસાના ખાંચામાં આવેલ વૃન્દાવન બંગ્લોઝમાં રહેતા અને અમદાવાદી બજાર વિસ્તારમાં છીકંણી-તમાકુનો વ્યવસાય કરતા ર૬ વર્ષીય ભાર્ગવ હેમંતકુમાર પટેલનેે ચારેક વર્ષ અગાઉ કોલેજકાળ દરમિયાન તેની જ કોલેજમાં ભણતી અને નડિયાદની શ્રીનાથજી સોસાયટીમાં રહેતી અવની ભરતભાઈ પટેલ સાથે મિત્રતા થઈ હતી.

દરમયાન બંને વચ્ચેની મિત્રતા બદલાઈને પ્રેમસબંધમાં ફેરવાઈ હતી. બંનેએ ગત તા.૨૩ જાન્યુ. ર૦૧૯ ના રોજ સમાજની રૂએ રાજીખુશીથી લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ થોડા જ દિવસોમાં તેઓ હનીમુન કરવા માટે બાલી (ઈન્ડોનેશીયા) ગયાં હતાં. જ્યાં પહોચ્યાં બાદ પત્ની અવનીએ વિદેશમાં સ્થાયી થવાની ઈચ્છા દર્શાવીને કેનેડા જવા માટે હઠ પકડી હતી. જો કે લગ્નને માત્ર ગણતરીના દિવસો થયાં હોઈ પતિ ભાર્ગવે થોડા સમય બાદ એટલે કે છ મહિના બાદ કેનેડા જવા માટેની પ્રોસેસ ચાલુ કરીશું તેમ જણાવ્યું હતું. પરંતુ જેમ બને તેમ વહેલી તકે કેનેડા જવા ઈચ્છતી અવનીએ આ બાબતને લઈ પતિ ભાર્ગવ સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. હનીમુન કરી પરત ઘરે ફર્યાં બાદ અવનીની જીદ બાબતે ભાર્ગવે તેના માતા-પિતાને જાણ કરી હતી. ત્યારબાદ ભાર્ગવ અને તેના માતા-પિતા અવનીના ઘરે ગયાં હતાં અને અવનીના માતાપિતાને સમગ્ર બાબતથી વાકેફ કર્યાં હતા અને થોડા સમય બાદ કેનેડા જવા માટેની પ્રોસેસ શરૂ કરવાની ખાત્રી પણ ભાર્ગવે આપી હતી. જો કે આવેશમાં આવી ગયેલ અવનીએ તેના ઘરે આવેલ ભાર્ગવ તેમજ સાસુ-સસરાને અપશબ્દો બોલીને ભાર્ગવ સાથે મારઝુડ કરી હતી. ત્યારબાદ સાસરીમાં આવી તેનો સરસામાન અને દાગીના લઈ પોતાના પિયર ચાલી ગઈ હતી. ત્યારબાદ ગત તા.૨૪ એપ્રિલ, ર૦૧૯ ના રોજ નડિયાદમાં આવેલ સરદાર પટેલની પ્રતિમા નજીક ભાર્ગવ પટેલ ઉભો હતો. તે વખતે તેમના સાસુ મનિષાબેન, સસરા ભરતભાઈ રમણભાઈ પટેલ અને પત્ની અવની ત્યાં આવી ચડ્યાં હતાં. ે સસરા ભરતભાઈએ જમાઈ ભાર્ગવને જણાવ્યું હતું કે જો તારે મારી દીકરી સાથે છુટાછેડા લેવા હોય તો રૂપિયા ૨૫ લાખ આપવા પડશે. જો કે ભાર્ગવે રૂપિયા આપવાની ના પાડતાં ઉશ્કેરાઈ ગયેલ પત્ની તેમજ સાસુ-સસરાએ ભેગા મળી ભાર્ગવને ગડદાપાટુનો મારમારી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. સાસુ-સસરા તેમજ પત્ની અવનીની વર્તણુકથી પરેશાન બનેલા ભાર્ગવે આખરે નડિયાદ કોર્ટમાં ગત તા.૨૦ મે,ર૦૧૯ ના રોજ પત્ની અવની સાથે છુટાછેડા માટેની અરજી કરી હતી. અને તા.૨૪ એપ્રિલ,ર૦૧૯ ના રોજ સરદાર પટેલની પ્રતિમા પાસે પોતાના ઉપર સાસુ-સસરા અને પત્નીએ કરેલા હુમલા બાબતની પણ નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે ભરતભાઈ રમણભાઈ પટેલ, મનિષાબેન ભરતભાઈ પટેલ અને અવનીબેન ભરતભાઈ પટેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.