Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
મોગર સીમમાં મુસાફરના સ્વાંગમાં બેઠેલો લૂંટારો રિવોલ્વરના નાળચે કાર અને મોબાઈલ લૂંટી ફરાર
દુમાડ ચોકડીથી આદિવાસી જેવો લાગતો શખ્સ અમદાવાદ જવાનું કહીને બેઠો હતો : મોગર સીમ આવતાં જ રીવોલ્વર જેવું હથિયાર બતાવીને લૂંટ કરી ફરાર
20/06/2019 00:06 AM Send-Mail
કારની એક્ઝીટ જ નથી : પીએસઆઈ
એક્સપ્રેસ હાઈવે પર આવેલા મોગર ગામની સીમમાં ગઈકાલે રાત્રીના સુમારે રિવોલ્વર જેવા હથિયારના નાળચે ઈકો કાર અને મોબાઈલ ફોનની થયેલી લૂંટની તપાસ ચલાવી રહેલા વાસદના પીએસઆઈએ જણાવ્યું હતુ કે, ગઈકાલ રાતથી જ તમામ એક્ઝીટ પોઈન્ટો ઉપર તપાસ કરવામાં આવી હતી પરંતુ ઉક્ત નંબરવાળી ઈકો કારની અક્ઝીટ જ દેખાતી નથી. કારે વડોદરા ટોલનાકાએથી રાત્રીના નવેક વાગ્યાના સુમારે એન્ટ્રી લીધી છે. ત્યારબાદ આણંદ, નડીઆદ કે અમદાવાદના એક્ઝીટ પોઈન્ટ પરથી તેની એન્ટ્રી જ બોલતી નથી. જેથી એવું પણ બની શકે કે, તેણે કારનો નંબર પણ બદલી નાંખ્યો હોય. પોલીસ તમામ શક્યતાના આધારે તપાસ ચલાવી રહી છે.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર આવેલા મોગર ગામની સીમમાં ગઈકાલે રાત્રીના સુમારે મુસાફરના સ્વાંગમાં બેઠેલો લૂંટારો કાર ચાલકને રિવોલ્વર જેવું હથિયાર બતાવીને કાર તેમજ મોબાઈલ ફોન લૂંટીને ફરાર થઈ જતાં વાસદ પોલીસે લૂંટનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર અમદાવાદ જિલ્લાના ગેરતપુર ગામના હાથીજણ રેલવે ક્રોસીંગ પાસે રહેતા અજયભાઈ સુરેશભાઈ ચુનારા પોતાની ઈકો કાર મારફતે અમદાવાદ-વડોદરા વચ્ચે વર્ધી મારવાનો ધંધો કરીને જીવન ગુજરાન ચલાવે છે. ગઈકાલે રાત્રીના સુમારે અમદાવાદથી વર્ધી લઈને વડોદરા આવ્યો હતો અને રાત્રીના સુમારે પરત ફરી રહ્યો હતો ત્યારે દુમાડ ચોકડી પાસે મુસાફરની રાહ જોઈને ઊભો હતો ત્યારે એક ૩૦ વર્ષનો અજાણ્યો આદિવાસી જેવો લાગતા શખ્સ તેની પાસે આવી ચઢ્યો હતો અને અમદાવાદ જવા માટે અજયભાઈની ઈકો કાર નંબર જીજે-૨૩, સીએ-૯૪૦૬ની સ્પેશ્યલ ભાડે કરી લીધી હતી.

અજય ચુનારાના સ્પેશ્યલ ભાડુ મળી જતાં તે અન્ય મુસાફરોની રાહ જોયા વગર અજાણ્યા યુવાનને લઈને અક્સપ્રેસ હાઈવે ઉપર થઈને અમદાવાદ આવવા નીકળ્યો હતો. રાત્રીના સવા નવેક વાગ્યાના સુમારે ઈકો કાર મોગર સીમમાંથી પસાર થતી હતી ત્યારે મુસાફરના સ્વાંગમાં બેઠેલા લૂંટારાએ રિવોલ્વર જેવું હથિયાર બતાવીને ચાલક અજય પાસેથી બળજબરીપૂર્વક મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. ત્યારબાદ ગાડીને સાઈડમાં ઊભી રખાવીને ઈકો કાર પણ લૂંટીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ અજયભાઈ ચુનારાએ વાસદ પોલીસને કરતાં જ પોલીસ તુરંત જ ઘટનાસ્થળે ધસી આવી હતી અને અજયભાઈ ચુનારાની ફરિયાદને આધારે લૂંટનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.