Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
રાજય સરકારના મહત્વાકાંક્ષી સ્કૂલ રેડીનેસ પ્રોગ્રામનું બાળમરણ !
સરકારી પ્રા.શાળાઓમાં ૧૦ જૂનથી આ કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરાઇ હતી પરંતુ...ધો.૧ના વિદ્યાર્થીઓને વિવિધ તાલીમ તથા જે-તે વિષયમાં નબળા ધો.૩થી ૮ના વિદ્યાર્થીઓ માટે આયોજન કરાયું હતું
20/06/2019 00:06 AM Send-Mail
ગુજરાત રાજયની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધો.૩થી ૮માં ભણતા વિદ્યાર્થીઓ માટે સ્કૂલ રેડીનેસ પ્રોગ્રામ (શાળા તત્પરતા કાર્યક્રમ) કરવાની રાજય શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરવા સાથે મહાત્મા મંદિર, ગાંધીનગરમાં શિક્ષણ વિભાગના કાર્યક્રમમાં મુખ્યમંત્રીની હાજરીમાં પણ શાળા તત્પરતા કાર્યક્રમ યોજાઇ રહ્યાનું જાહેર કરવામાં આવ્યું હતું.

જેમાં શાળાકક્ષાએ આ કાર્યક્રમની કામગીરી કરવા અંગેનું સાહિત્ય આપવાની તેમજ ધો.૧ના બાળકોને ર૧ દિવસ સુધી વિવિધ શિક્ષણોત્તર પ્રવૃતિઓ કરવાનો સમાવેશ કરાયો હતો. ઉપરાંત ધો.૩થી ૮ના અગાઉના વર્ષમાં ગુજરાતી, ગણિત અને અંગ્રેજી વિષયમાં નબળા વિદ્યાર્થીઓને નિપુણ બનાવવા માટેની કામગીરીનો સ્કૂલ રેડીનેસ પ્રોગ્રામમાં સમાવેશ કરાયો હતો.પરંતુ તા. ૧૦ જૂનથી શાળાઓ ખૂલી જવા છતાંયે સ્કૂલ રેડીનેસ પ્રોગ્રામ માટેની માર્ગદર્શિકા અને એકટીવીટી બુક વિદ્યાર્થીઓ સુધી પહોંચી નથી. ઉપરાંત આ પ્રોગ્રામ અંગેનું એક મોડયુલ અને ચાર્ટ સહિતની સાહિત્ય સામગ્રી હજી સુધી જિલ્લાની શાળાઓમાં પહોંચી નથી. જેના કારણે આ કાર્યક્રમ માટે અગાઉથી જ શિક્ષકોને અપાયેલ તાલીમ છતાંયે સાહિત્ય ન હોવાના કારણે કામગીરી થઇ શકતી નથી.

શિક્ષકોમાં ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે કે હવે સાહિત્ય આવશે તો તેનો કોઇ અર્થ નહીં રહે કારણ કે શાળાઓમાં અભ્યાસક્રમ નિયમિત ચાલુ થઇ ગયો છે.શિક્ષક અને આચાર્ય વર્તુળોનું કહેવું છે કે, વર્ષોથી શિક્ષણ સુધારણા અંગેના જાતજાતના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવે છે. પરંતુ તેની પાછળ ફોલોઅપ વ્યવસ્થિત રીતે થતું નથી. પરિણામે આ પ્રકારના કાર્યક્રમો સદંતર નિષ્ફળ જતા હોય છે. શાળા તત્પરતા કાર્યક્રમનું પણ આ જ રીતે બાળમરણ થઇ ગયું છે. જો કે શિક્ષણ વિભાગના સૂત્રોને કહેવું છે કે, પરિપત્રમાં જ સોફટ સાહિત્ય આપવાની વાત હતી. જે જિલ્લાની તમામ શાળાઓને મોકલી અપાયું છે. જે કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરીને જે-તે શાળાએ, શિક્ષકોએ કોપી કાઢવાની હોય છે. તંત્ર દ્વારા સ્કૂલ રેડીનેસ પ્રોગ્રામ અંગેની સાહિત્ય સામગ્રીનું પ્રિન્ટીંગ કરાવવામાં આવ્યું નથી. આથી શાળાઓમાં આ માટેનું સાહિત્ય કે મોડયુલ મોકલવાનો કોઇ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આમ, રાજય શિક્ષણ તંત્રની આંધળે બહેરુંની નીતિના કારણે શિક્ષકોને તાલીમ આપવા છતાંયે ધો. ૧ અને ૩થી ૮ના બાળકો માટે સ્કૂલ રેડીનેસ પ્રોગ્રામનો આરંભ થતા અગાઉ જ સમાપન થયાની સ્થિતિ જોવા મળે છે.