Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
આણંદમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે હિન્દુ સંગઠનોની રેલી
૧૦ વર્ષથી હિન્દુ વિસ્તારોમાં ઘૂસણખોરી અટકાવવા અશાંત ધારો લાગુ કરવાની માંગને વહીવટી તંત્રએ ગંભીરતાથી લીધી ન હોવાની રજૂઆત
20/06/2019 00:06 AM Send-Mail
બંને કોમના લોકો શાંતિ, સલામતિથી રહી શકે તે માટે અશાંત ધારો જરૂરી
આણંદમાં છેલ્લા દસકામાં બહુમતી વસ્તી વિસ્તારોમાં મુસ્લિમ સમુદાય દ્વારા મકાન સહિતની મિલકત ખરીદી વધી છે. જેથી વર્ષોથી આ વિસ્તારોમાં રહેતા હિન્દુ સમુદાયમાં છૂપો ભય રહ્યા કરતો હોવાની સ્થિતિ ઉભી થવા પામી છે. આથી આણંદમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાય પોતાના વિસ્તારોમાં શાંતિ અને સલામતીથી રહી શકે તે માટે દસ વર્ષથી શહેરમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી રહી છે. બંને સમુદાયને અશાંત ધારારૂપે કાયદાકીય બોર્ડર લાઇન મળી જાય તો એકમેકના વિસ્તારમાં વસવાટ સહિતની સમસ્યાનો સરળ ઉકેલ આવી શકે તેમ છે. પરંતુ શહેરીજનો સલામતીપૂર્વક રહી શકે તે માટેની માંગને સ્વીકારવામાં રાજય સરકાર દ્વારા આજદિન સુધી ઉપેક્ષા સેવવામાં આવી રહ્યાનું ચિત્ર જોવા મળી રહ્યું છે.

ભાજપની સરકાર હોવા છતાં હિન્દુ પ્રજાને શાંતિ-સલામતીથી રહેવાનો ન્યાય મેળવવા રેલી કાઢવી પડી !
વીસેક વર્ષ અગાઉ આણંદના જૂના બસ સ્ટેન્ડ, ૧૦૦ ફુટ રોડ સહિતના વિસ્તારોમાં બહુમતી વસ્તી વસવાટ કરતી હતી. પરંતુ ર૦૦રમાં કોમી રમખાણ બાદ આ વિસ્તારોમાંથી હિન્દુઓ ધીમી ગતિએ નીકળી ગયા અને આ વિસ્તારોમાં મુસ્લિમ સમુદાય દ્વારા મિલ્કતોની ખરીદી થવા માંડી. ધીમે પ્રસરતું ઝેર શહેરના બહુમતી વિસ્તારોમાં ફેલાઇને કડવો ઘુંટડો બન્યું. ગુજરાતમાં વર્ષોથી ભાજપની સરકાર હોવા છતાં આણંદમાં અશાંત ધારો લાગુ કરવા ૧૦ વર્ષથી હિન્દુ સંગઠનો દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે. છતાં રાજય સરકાર હિન્દુઓ માટે નિર્ણય લેતી નથી અને જિલ્લાની ભાજપી નેતાગીરી વામણી પૂરવાર થઇ. ઉલ્લેખનીય છે કે ભાજપી નેતાઓ અંગત મુશ્કેલી વખતે રાજયમાં આયોજનપૂર્વક રજૂઆતો કરીને રસ્તો કાઢે છે ત્યારે પ્રજાના મોટા, ગંભીર પ્રશ્નો બાબતે નેતાઓ શા માટે એકજૂથ થઇને સરકાર પર દબાણ લાવી શકતા નથી, કે પછી ઇચ્છાશકિત જ નથી.

આણંદમાં અશાંત ધારો અમલી બનાવવાની માંગ સાથે આજે હિન્દુ જાગૃતિ અભિયાન સમિતિના નેજા હેઠળ આણંદના બેઠક મંદિરેથી સવારે સવા દસેક વાગ્યાના સુમારે રેલી યોજાઇ હતી. જેમાં હિન્દુ સમાજના લોકો વિવિધ પ્રકારના પોસ્ટર, પ્લેકાર્ડ સાથે જોડાયા હતા. રેલી દરમિયાન અમદાવાદ, વડોદરા, ભરૂચ સહિતના શહેરોની જેમ આણંદમાં બંને સમુદાયના લોકો સલામત અને શાંતિપૂર્વક રહી શકે તે માટે અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી.

રેલીમાં હિન્દુ જાગૃતિ અભિયાન સમિતિના હોદ્દેદારો સહિત વિવિધ હિન્દુ સંગઠનોના અગ્રણીજનો,ડો.શૈલેષ શાહ, યોગેશભાઇ પટેલ (બાપજી), આણંદ પાલિકા પ્રમુખ કાન્તિભાઇ ચાવડા સહિત અગ્રણીઓ અને યુવાઓ જોેડાયા હતા.

આણંદના બેઠક મંદિરેથી નીકળેલ રેલી ગામડી વડ, ગોપાલ ચોકડી, સરકારી દવાખાના થઇને રેલ્વે ગોદી સામેના ગાંધીજીના સ્ટેચ્યુએ પહોંચી હતી. જયાં પૂ.બાપુને સૂતરની આંટી અર્પણ કરવામાં આવી હતી. કલેકટર કચેરીએ રેલીસ્વરુપે જવાનું અગાઉથી આયોજન નિયત કરાયું હતું. દરમિયાન કલેકટર દિલીપ રાણાને મીટિંગમાં જવાનું હોવાથી તેઓએ કચેરીના દરવાજે જ હિન્દુ સંગઠનના અગ્રણીઓએ આપેલ આવેદનપત્ર સ્વીકાર્યુ હતું. જો કે આણંદમાં અશાંત ધારો લાગુ કરવા પ્રત્યે સરકાર ઉદાસીનતા દાખવશે તો આગામી સમયમાં હિન્દુ સંગઠનો દ્વારા આંદોલન કરવામાં આવશેની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.