Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
કાસોરમાં અરજીની તપાસમાં ગયેલી સોજીત્રા પોલીસ પર હુમલો : પોલીસ જવાન ઘાયલ
પિતા-પુત્ર દ્વારા સોજીત્રા પોલીસ મથકમાં દિવાલ, દરવાજામાં માથા પછાડીને આપઘાત કરવાનો પ્રયાસ કરાતાં ચકચાર
19/06/2019 00:06 AM Send-Mail
સોજીત્રા તાલુકાના કાસોર ગામની ખાટલીરાયણ સીમ વિસ્તારમાં અરજીની તપાસમાં ગયેલી સોજીત્રા પોલીસ ઉપર ચાર પુરૂષો અને પાંચથી છ જેટલી સ્ત્રીઓ હુમલો કરીને એક પોલીસ જવાનને માર મારીને આડસો ઉભી કરી દઈ પોલીસની ફરજમાં રૂકાવટ કરી સોજીત્રા પોલીસ મથકમાં જ દિવાલ તેમજ દરવાજામાં માથા પછાડીને આપઘાત કરવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે સોજીત્રા પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ચકલાસી ખાતે રહેતા રઈજીભાઈ જશભાઈ વાઘેલાએ આપેલી અરજીની તપાસ માટે આજે બપોરના સાડા ત્રણેક વાગ્યાના સુમારે પોલીસ જવાન જમીરોદ્દીન સમસોદ્દીન સહિતનો સ્ટાફ કાસોર ગામની ખાટલી રાયણ સીમમાં ગયા હતા. જ્યાં ધનાભાઈ હિંમતભાઈ તળપદા, મનોજભાઈ ધનાભાઈ તળપદા, હર્ષદભાઈ સુરેશભાઈ તળપદા, લાલાભાઈ તેમજ પાંચથી છ જેટલી સ્ત્રીઓ એકત્ર થઈ ગઈ હતી અને તમોને અમારું ઘર કોણે બતાવ્યું અને તમે કેમ અહીંયા આવ્યા છો, તેમ જણાવીને જમીરોદ્દીનની ફેંટ પકડીને ગડદાપાટુનો માર માર્યો હતો અને કાગળો ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. અન્ય પોલીસ કર્મચારીઓએ વચ્ચે પડીને વધુ મારમાથી છોડાવતાં જ તમામે ઘર તરફ જવાના રસ્તા ઉપર લાકડાના મોટામોટા ડંડાઓ મુકીને આડશો ઉભી કરી દીધી હતી.

જેથી સોજીત્રા પોલીસ મથકે ફોન કરતાં પીએસઆઈ સહિતનો કાફલો ઘટનાસ્થળે ઘસી ગયો હતો. જેને લઈને લાલાભાઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે ધનાભાઈ, મનોજભાઈ તથા હર્ષદભાઈને પકડીને સોજીત્રા પોલીસ મથકે લાવ્યા હતા. જ્યાં ધનાભાઈએ પીએસઆઈની ચેમ્બરમાં જ મીતુલભાઈ પટેલ પીપળાવવાળાએ અમારી માહિતી આપી છે, જેનું અમો માથુ કાપીને તમારી સમક્ષ લાવીશું તેવી ધમકી આપીને ધનાભાઈએ ઓફિસના દરવાજામાં પોતાનું માથુ પછાડવાનું ચાલુ કરી દીધું હતું. જેથી અન્ય પોલીસ કર્મચારીઓએ તેમને પકડી લીધા હતા. દરમ્યાન ધનાભાઈના પુત્ર મનોજભાઈએ પણ લોકઅપના દરવાજા અને દિવાલમાં માથુ પછાડીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે તેને પણ પકડી લઈને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા શખ્સો દુરંદેશી અજાયબીવાળા ચશ્મા આપવાની લાલચ આપીને અરજદારોને પૈસા લઈ બોલાવતા હતા અને મોટી રકમો પડાવીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપીને ફરાર થઈ જતા હતા. પોલીસે તેમના વિરૂધ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.