Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
બોરસદમાં ઝૂંપડીમાં સૂઈ રહેલ દંપતીનું ઝેરી સાપ કરડતા મોત : ૩ માસના બાળકનો બચાવ
19/06/2019 00:06 AM Send-Mail
રામ રાખે તેને કોણ ચાખે : ૩ માસનો બાળક બચી ગયો
રૂદેલ માર્ગ પર ખેતરમાં ઝૂંપડું બાંધી રહેતા દંપતીને સાપ કરડતા બન્ને પતિ-પત્નીનું સારવાર દરમ્યાન મોત થયું હતું. બનાવ મુજબ પતિ-પત્ની જમી પરવારીને ઝૂંપડામાં પોતાના ૩ માસના બાળકને વચ્ચે સુવડાવીને સુઈ ગયા હતા. જેમાં પતિને બોચીના ભાગે સાપ કરડ્યો હતો અને પત્નીને માથાના ભાગે સાપ કરડ્યો હતો. જ્યારે બન્નેની વચ્ચે નીંદર માણી રહેલ ૩ માસના બાળકનો બચાવ થયો હતો.આ ઘટના સવારના સુમારે ઉજાગર થતાં જ હોસ્પિટલ ખાતે નગરજનો જેને રામ રાખે તેને કોણ ચાખે તે ઉક્તિ સાચી પડી તેવી ચર્ચા કરી રહેલા નજરે પડતાં હતા.

બોરસદ-રૂદેલ માર્ગ પર સાંઈબાબા મંદિર સામે ખેતરમાં ઝૂંપડું બાંધી રહેતા પતિ-પત્નીને મોડી રાત્રે ઝેરી સાપ કરડતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં વહેલી સવારે પતિ - પત્નીને તબીબે મૃત જાહેર કર્યા હતા, જ્યારે બન્નેની વચ્ચે સુઈ રહેલ ૩ માસના બાળકનો આબાદ બચાવ થયો હતો.

મળતી વિગતો અનુસાર રૂદેલ માર્ગ પર ચંદુભાઈની વાડી સામે આવેલ દિપકભાઈ પટેલના ખેતરમાં મીથુનભાઈ બચુભાઈ ભાંભોર અને તેઓના પત્ની સંગીતાબેન મીથુનભાઈ ભાંભોર ખેતરમાં ઝૂંપડું બાંધી રહેતા હતા અને મજૂરીકામ કરી જીવન નિર્વાહ ચલાવતા હતા. ગત ૧૬ મીની રાત્રે પરવારીને મીથુનભાઈ પત્ની સંંગીતા વચ્ચે પોતાના ૩ માસના બાળકને રાખી ઝૂંપડીમાં સૂઈ રહ્યા હતા ત્યારે રાત્રીના ૧૧:૩૦ થી ૧૧:૪૫ કલાકના સુમારે મીથુનભાઈને બોચીના ભાગે અને સંગીતાબેનને માથાના ભાગે ઝેરી સાપ કરડ્યો હતો. જેને લઈ તેઓને તાત્કાલિક સારવાર અર્થે બોરસદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓની સારવાર વહેલી સવાર સુધી ચાલી હતી. જેમાં મીથુનભાઈને તબીબોએ સવારે ૫:૨૦ કલાકે મૃત જાહેર કર્યા હતા. જ્યારે સંગીતાબેનને સવારે ૭ વાગ્યે મૃત જાહેર કર્યા હતા. આ અંગે બોરસદ ટાઉન પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે પતિ પત્નીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી. અને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.