દાવોલના મુખ્ય માર્ગ પરના લોખંડના સળિયા અકસ્માત નોંતરશેની ભીતિ
બ્રિજના પિલ્લરો ઉભા કરાયા બાદ માર્ગ બનાવવાની કામગીરી અટકી પડી
વાસદ-બગોદરા માર્ગને સિક્સલેન હાઇવે બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવ્યા બાદ બોરસદથી વાસદ જતા દાવોલ ગામ પાસે અન્ડર બ્રિજ બનાવવા માટે પિલ્લરો ઊભા કરવામાં આવ્યા હતા. જેના મોટા ભાગના સળીયા બહાર રહ્યા હતાં. બાદમાં આ માર્ગની કામગીરી અટકી પડી હતી. જેના કારણે દાવોલ પાસે બ્રિજના સળિયા વળીને જમીન પર પથરાઇ ગયા હતા. રાત્રિ દરમ્યાન રોડ પરના સળિયા વાહનચાલકોને નજરે નહિ પડતા અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. સબંધિત તંત્ર દ્વારા આ સળીયાઓને કાપી રસ્તા પરથી દૂર કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.
બોરસદ તાલુકાના દાવોલ પાસેથી હાઇવે માર્ગ પસાર થતો હોઇ અહીંયા સ્થાનિક ગ્રામજનોની અવર જવર માટે અન્ડર બ્રિજ બનાવવામાં આવનાર હતો. જેના માટે અહીંયા સિમેન્ટ, રેતી અને સળીયા નાખીને પિલ્લરો બનાવવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગના સળીયાને વધુ બાંધકામ અર્થ બહાર રાખવામાં આવ્યા હતા. પરંતુ કોઇ કારણોસર આ માર્ગનું કામ અટકી પડતા અહીંયા નાખવામાં આવેલ સળીયાને કેટલાક અસામાજિક તત્વો દ્વારા વાળી દઇને જમીન સુધી લાવી દેવામાં આવ્યા હતા.
આ માર્ગથી દરરોજ અવરજવર કરતા સ્થાનિક ગ્રામજનોને રસ્તા પર સળિયાને વાળી દેવાયા હોવાથી તકલીફ પડી રહી છે. તેમાંયે અજાણ્યા વાહનચાલકને રાત્રિના સમયે જમીન સુધી વળેલા સળિયા નજરે ન પડતા અકસ્માત સર્જાશેની ભીતિ વ્યકત થઇ રહી છે. આથી આ સમસ્યાના સત્વરે નિરાકરણ માટે સંબંધિત તંત્ર દ્વારા સળિયા હટાવવા રમેશભાઇ સહિત જાગૃત સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી છે.