Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
આણંદ : કરોડોના ખર્ચ જૂના બસસ્ટેન્ડનું નવીનીકરણ પણ વર્કશોપમાં ગટરના દૂષિત પાણી અને કચરાના ઢગ
બસ સ્ટેન્ડની આજુબાજુમાં ખડકાયેલા દબાણો, દબાણકર્તાઓ દ્વારા બેરોકટોક કચરાનો નિકાલ
19/06/2019 00:06 AM Send-Mail
વર્કશોપની બાજુમાં ડીઝલ પંપે ફાયર સેફટીનો અભાવ
જૂના બસ સ્ટેન્ડના વર્કશોપની બાજુમાં એસ.ટી.નો ડીઝલ પંપ આવેલો છે. ફાયર સેફટી મામલે તાજેતરમાં રાજયભરમાં ચાલેલ અભિયાનની અહીંયા કોઇ અસર જોવા મળતી નથી. ડીઝલ પંપ ઉપર ફાયર સેફટીનો અભાવ હોવા સાથે માત્ર એક જૂનો,જર્જરિત ફાયર બોટલ જોવા મળે છે. જેની ઉપર ધૂળ જામી ગઇ હોવાથી આકસ્મિક આગની ઘટનામાં આ ફાયર બોટલ બિનપયોગી સાબિત થાય તેમ હોંવાનું કર્મચારીઓએ જણાવ્યું હતું. જો કે ડીઝલ પંપે ફાયર સેફટીની ચકાસણી તંત્રના ઉચ્ચાધિકારીઓ દ્વારા કરવામાં ન આવી હોવાનું જાણવા મળે છે.

વર્કશોપમાં ડ્રેનેજ સમસ્યા અને ડીઝલ પંપે ફાયર સેફટીના અભાવ અંગે ડેપો મેનેજર અજાણ ?
આણંદના નવીનીકરણ પામેલા જૂના બસ સ્ટેન્ડના વર્કશોપમાં તથા આસપાસમાં ગંદકી સહિતની સમસ્યા મામલે ટેલિફોનિક પૃચ્છા કરતા આણંદ ડેપો મેનેજર એસ.એ.પાન્ડેએ જણાવ્યું હતું કે, દિવસ દરમયાન ડેપોમાં ૧૦૦ બસો આવનજાવન કરે છે. જેથી તેનો કચરો વર્કશોપની બાજુમાં ઠાલવવમાં આવે છે. વધુમાં હાલ એક જ સ્વીપર હોવાથી દિવસ દરમ્યાન પૂરેપૂરી સફાઇ થઇ શકતી નથી. આથી છેલ્લા એક અઠવાડિયાથી ખાનગી સ્વીપર રાખવામાં આવ્યો છે. દરમ્યાન વર્કશોપમાં ગટરના દૂષિત પાણી, ડ્રેનેજની ચોકઅપ થયેલ લાઇનની કોઇ સમસ્યા જ ન હોવાનું ડેપો મેનેજરે જણાવ્યું હતું. જો કે હાલમાં પણ ગટરના દૂષિત પાણી વર્કશોપ રોડ પર વહી રહ્યાની વાત જણાવવા છતાંયે ડેપો મેનેજરે નનૈયો ભણ્યો હતો. જયારે ડીઝલ પંપે ફાયર સેફટી અંગે પૃચ્છા કરતાં જ એકાએક ઉશ્કેરાયેલ ડેપો મેનેજરે ફોન ડિસ્કનેકટ કરી દીધો હતો.

આણંદના જૂના બસ સ્ટેન્ડને રીનોવેશન માટે અઢી વર્ષ અગાઉ બંધ કરીને અહિયાની તમામ બસોના રૂટ નવા બસ મથકે ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. બે કરોડ ઉપરાંતના ખર્ચ જૂના બસસ્ટેન્ડનું નવીનીકરણ કરાયું છે અને નજીકના દિવસોમાં તેનું ઉદ્દઘાટન પણ થનાર છે. પરંતુ બીજી તરફે નજર કરીએ તો બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ વર્કશોપ બિસ્માર હાલતમાં ફેરવાયેલું જોવા મળે છે. અહીંયા ડ્રેનેજની પાઇપલાઇન ચોકઅપ થઇ હોવાથી વર્કશોપ અને આસપાસના બસ વોશિંગ વિસ્તારમાં માથું ફાટી જાય તેવી દુર્ગધ ફેલાતી રહે છે. વર્કશોપમાં કામ કરતા ૩૧થી વધુ ટેકનિશિયનો, મિકેનિક, હેલ્પર સહિતના આરોગ્ય સામે ગંભીર ખતરો ઊભો થવા પામ્યો છે. બસ સ્ટેન્ડના નવીનીકરણની પ્રકિયામંા વર્કશોપ અને તેમાં ફેલાતી ગંદકી અટકાવવા તંત્રએ નજર જ ન દોડાવી હોવાનું જોવા મળી રહ્યું છે.

નામ ન આપવાની શરતે કર્મચારીએ જણાવ્યું હતું કે, નવીનીકરણ થયેલ બસ સ્ટેન્ડનું મુખ્યમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવનાર છે. પરંતુ કરોડોના ખર્ચ બનેલ નવીન બસસ્ટેન્ડની બાજુમાં આવેલ વર્કશોપમાં દિવા તળે અંધારા જેવી સ્થિતિ છે. આ ઉપરાંત વર્કશોપની નજીક આવેલ શૌચાલયની ડ્રેનેજ લાઇન ચોકઅપ થઇ જવાના કારણે અસહ્ય દુર્ગધ ફેલાઇ રહી છે. ગટરનું દૂષિત પાણી વર્કશોપ સુધી આવી જવાના કારણે બદબૂ અને જીવાતોના ઉપદ્રવથી રોગચાળો ફાટી નીકળશેની ભીતિ વ્યાપી છે.

વધુમાં જણાવ્યું હતું કે, આ સ્થિતિ અંગે ડેપો સત્તાધીશોને વારંવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય રહેવા પામ્યું છે. ગંદકીના ઢગ ખડકાતા રહે છે. માત્ર ત્રણ કલાક સ્વીપર ફરજ પર હાજર રહેતા હોવાથી હાલ ચોમાસામાં ગંદકીના કારણે ત્રાહિમામની સ્થિતિ સર્જાઇ છે. વધુમાં નજીકમાં આવેલ બસના વોશિગ સ્ટેન્ડમાં પણ પાણીના ખાબોચિયા ભરાયેલા રહે છે. આથી સાફસફાઇ કરાયેલ બસ બહાર નીકળતાં જ ખાબોચિયાના કારણે કાદવ,કીચ્ચડના છંાટા ઉડતા બદબૂદાર બની જાય છે. જો કે અગાઉ ડ્રેનેજની લાઇન ચોકઅપ થવાના કારણે આણંદ પાલિકામાંથી ટેન્કર મંગાવીને પ્રેશર મારવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં સ્થિતિ જૈસે થેની જોવા મળી રહી છે. આગામી દિવસોંમાં બસ સ્ટેન્ડનું લોકાર્પણ થનાર છે તે અગાઉ વર્કશોપ તથા તેની આસપાસમાં ગટરના ઉભરાતા પાણી, ખડકાતા કચરા ઢગ સહિતની ગંદકી દૂર કરવાની કાર્યવાહી સત્વરે હાથ ધરાય તેવું અહીં કામ કરતા કર્મચારીઓ ઇચ્છી રહ્યા છે.