Sardar Gurjari

ગુરુવાર, તા.૨૦ જૂન, ૨૦૧૯, જયેષ્ઠ વદ ૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૫

મુખ્ય સમાચાર :
થવાદની યુવતિને કૌટુંબિક ભાઈએ ઊઠાવી જઈ જાતિય અત્યાચાર ગુજારતાં ફરિયાદ
અલગ-અલગ બે ઠેકાણે ૩૫ દિવસ ગોંધી રાખી અત્યાચાર ગુજારાયો હતો : વેચી દેવાની હિલચાલ થતાં યુવતી ચુંગાલમાંથી ભાગીને કપડવંજ પોલીસ મથકે પહોંચી
24/05/2019 00:05 AM Send-Mail
કપડવંજ તાલુકાના થવાદની ૧૯ વર્ષીય યુવતિને તેનો કુટુંબીક ભાઈ મોટરસાઈકલ પર ઊઠાવી જઈ અલગ-અલગ બે જગ્યાએ લગભગ ૩૫ દિવસ સુધી ગોંધી રાખી એક મહિલા સહિત બે ઈસમોની મદદથી વારંવાર જાતિય અત્યાચાર ગુજાર્યો હતો. અને આ વાતની કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. તેમજ આ યુવતિને અન્ય ઠેકાણે વેચી નાંખવાની હિલચાલ શરૂ થતાં હિંમત કરીને આ લોકોની ચુંગાલમાંથી યુવતિ ભાગી આવી કપડવંજ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ કઠલાલ તાલુકાના થવાદમાં રહેતી એક યુવતિના પિતાના પિતરાઈ ભાઈનો પુત્ર એટલે કે કૌટુંબીક ભાઈ વિક્રમભાઈ બાબુભાઈ સોલંકીએ પોતાની કૌટુંબીક બેન પર દાનત બગાડી હતી. તા.૩-૪-૧૯ ના રોજ ખેતરમાં વલીયારીનું ભાથુ લેવા જતી આ ૧૯ વર્ષીય યુવતિને ચાલ તને બાઈક પર ખેતરમાં મૂકી દઉ કહી બાઈક પર બેસાડી ખેતરમાં લઈ જવાને બદલે ત્યાંથી અન્ય ઠેકાણે બાઈક વાળી દીધું હતું. જેથી યુવતિએ ખેતર તો આ બાજુ રહ્યું આ બાજુ ક્યાં લઈ જાવ છો. તેવુ જણાવતાં ચુપચાપ બેસી રહે નહી તો ચાલુ બાઈકે ધક્કો મારી હત્યા કરી નાંખીશ. તેવી ધમકી આપીને દહેગામ નજીક અમદાવાદ જવાના રોડ પર દહેગામથી ત્રણ કિ.મી દૂર આવેલ એક ફેક્ટરીમાં આવેલી ઓરડીમાં લઈ ગયો હતો.

આ ઓરડીમાં થવાદના ગોપાલભાઈ ભલાભાઈ સોલંકી અને તેમના પત્ની હિનાબેન રહેતાં હતાં. ગોપાલભાઈ ફેક્ટરીમાં વોચમેન હોઈ તેમને ઓરડી ફેક્ટરી તરફથી આપવામાં આવી હતી. આ ઓરડીમાં વિક્રમે ગોપાલભાઈ તેમજ તેમની પત્ની હિનાની મદદથી પૂરી દીધી હતી. અને ૨૮ દિવસ સુધી રાખી અવારનવાર જાતિય અત્યાચાર ગુજાર્યો હતો. ત્યાંથી કઠલાલ તાલુકાના સરાલી પાટીયા નજીક આવેલી દવાની ફેક્ટરીની એક રૂમમાં લાવ્યાં હતાં. આ રૂમમાં ગોપાલભાઈના સબંધી બાબુલાલ રહેતાં હતાં. તેમની મદદથી આ ઠેકાણે ૮ દિવસ રાખી વિક્રમે જાતિય અત્યાચાર ગુજાર્યો હતો. આ ત્રણ લોકો અંદરો-અંદર એવી વાતો કરતાં હતાં કે આ ગુમ થયેલી યુવતિને આપણે વેચી નાંખવાની છે. આ સાંભળી યુવતિ ગભરાઈ હતી. અને મોકો જોઈ ત્યાંથી ભાગી છૂટી હતી. આ હકીકત તેના માવતરને જણાવી હતી. જેથી માવતરે કપડવંજ રૂરલ પોલીસ મથકમાં આવી વિક્રમભાઈ બાબુભાઈ સોલંકી, ગોપાલભાઈ ભલાભાઈ સોલંકી, હિનાબેન ગોપાલભાઈ સોલંકી અને બાબુલાલ સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો.