Sardar Gurjari

મંગળવાર, તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૯, ભાદરવા વદ-૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૯૨

મુખ્ય સમાચાર :
આણંદ લોકસભા બેઠકના પરિણામની સાથે સાથે...
24/05/2019 00:05 AM Send-Mail
પોસ્ટલ બેલેટ પેપરની મોડી મતગણતરી હાથ ધરાઈ ચૂંટણી પંચના નિર્દેશો મુજબ સૌ પ્રથમ પહેલા બેલેટ પેપરની ગણતરી કરવાની હતી જે માટે તમામ બેલેટે પેપરને બીજેવીએમના એક હોલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં પહેલાં તો બેલેટ પેપરોને અલગ કરીને જે તે ઉમેદવારોના બોકસોમાં નાંખીને બાદમાં મતગણતરી ચાલુ કરી દેવામાં આવી હતી. મતદાન અને મતગણતરીના મતોમાં તફાવત આવતા કોંગ્રેસની ફરિયાદ આણંદ લોકસભા બેઠકની મતગણતરીને લઈને થયેલા મતદાન અને મતગણતરીના મતોમાં આવેલા ૧.૩૪ લાખ ઉપરાંતના વધારાના મતોને લઈને કોંગ્રેસે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી. કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીના ચૂંટણી એજન્ટ નટવરસિંહ મહિડાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, કુલ મતદારો ૧૬,૫૫,૬૪૨ છે જેમાંથી ૧૧,૦૫,૫૮૭નું મતદાન થયું હતુ. જ્યારે ચૂંટણી પંચની સાઈટ પર ટ્રેન્ડ મુકવામાં આવ્યો છે જેમાં કુલ મતનો આંકડો ૧૨,૪૦,૫૨૫નો બતાવાયો છે. એટલે ૧,૩૪,૯૩૮ મતો વધારાના આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરી હતી અને ચૂંટણી પરિણામ જાહેર નહીં કરવાની માંગણી કરી હતી. શરતચુકથી આંકડાની એન્ટ્રી કરતાં ભુલ થયાનો ચૂંટણી અધિકારીનો ખુલાસો : મતોમાં થયેલા મોટા તફાવત અંગે કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીના ચૂંટણી એજન્ટ નટવરસિંહ મહિડાની ફરિયાદનો જિલ્લા ચૂંટણી અધિકારી દિલીપકુમાર રાણાએ જવાબ આપતાં જણાવ્યું હતુ કે, સુવિધા એપ્લીકેશનમાં થયેલી મતગણતરીની આંકડાની એન્ટ્રી કરતી વખતે શરતચુકથી પ્રોગ્રેસીવ આંકડા દાખલ કરવામાં આવ્યા હતા. જેેના કારણે મતદાન કરતાં મતનો આંકડો વધુ જણાયો હતો. જે ધ્યાને આવતાં ૧૧૦-આંકલાવ વિધાનસભા મતવિભાગમાં સુવિધા એપ્લીકેશનમાં મતદાનના આંકડા સુધારી લેવામાં આવ્યા છે. હાલમાં આ તફાવત આવતો નથી. આણંદ બેઠક : ચૂંટણી પંચ દ્વારા મીડિયા કર્મીને અપાયેલ આઇ કાર્ડ અંગે પો.સ.ઇ.નું અજ્ઞાન ! : આજે વિદ્યાનગરની બે કોલેજોમાં યોજાયેલ લોકસભા બેઠકની મત ગણતરી માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઇલેકટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના કર્મીઓને આઇકાર્ડ આપવામાં આવ્યા હતા. આજે મત ગણતરી શરુ થતાં અગાઉ કેન્દ્ર પર પહોંચેલા મીડિયા કર્મીઓને જિલ્લા પોલીસ વિભાગના પોલીસ સબ ઇન્સ્પેકટર પટેલે અટકાવ્યા હતા. જેથી મીડિયા કર્મીઓએ ચૂંટણી પંચ દ્વારા ઇશ્યૂ કરાયેલ આઇ કાર્ડ બતાવ્યા હતા. તે જોઇને પો.સ.ઇ.એ કહ્યું હતું કે, આઇકાર્ડમાં અંગ્રેજીમાં લખાણ હોવાથી પોતાને ખબર પડતી નથી, માટે મીડિયા કર્મીઓને અંદર પ્રવેશવા નહીં દઉ. આથી રકઝક જામી હતી તે દરમ્યાન ડીવાયએસપી સ્થળ પર આવી પહોંચતા મામલો શાંત પાડયો હતો અને મીડિયા કર્મીઓને મીડિયા સેન્ટરમાં પ્રવેશ અપાયો હતો. જો કે અંગ્રેજીનું લખાણ ન ઉકેલી શકનાર પોસઇના જ્ઞાન અંગે ચણભણાટ થતો રહ્યો હતો.

કોડ ના મળતાં ૩૭ મિનિટ મતગણતરી મોડી શરૂ થઈ : વિદ્યાનગર ખાતે આજે સવારના આઠ વાગ્યાની જગ્યાએ ૯.૩૭ મિનિટથી મતગણતરી શરૂ થઈ શકી હતી જેના માટે કોડ મેચ ના થતો હોવાનુ ંકારણ જવાબદાર ગણાવાયું હતુ. જિલ્લા કલેક્ટરે આજે સવારના આઠ વાગ્યાના સુમારે બીજેવીએમ ખાતે કોડ નંબર નાંખ્યો હતો પરંતુ તે ચૂંટણી પંચના કોડ સાથે મેચ ના થતાં અને લીંક ના આવતાં મતગણતરી શરૂ થઈ શકી નહોતી. ટેકનીકલ ખામી દૂર થયા બાદ કોડ મેચ થતાં જ ૮.૩૭ મિનિટથી મતગણતરી ચાલુ કરી દેવામાં આવી હતી. ત્રણ લેયર સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી હાથ ઘરાઈ : બીજેવીએમ અને નલીની આર્ટ્સ કોલેજ ખાતે આજે મતગણતરી હોય ગઈકાલ રાતથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બન્ને કોલેજોના ગેટ ઉપર સ્થાનિક પોલીસ, ત્યારબાદ જે તે વિધાનસભામાં પ્રવેશવાના માર્ગ ઉપર એસઆરપી અને પેરામીલીટરી ફોર્સ તેમજ મતગણતરી સ્થળો કે જ્યાં ઈવીએમ મશીનોની ગણતરી કરવામાં આવતી હતી ત્યાં પણ બીએસએફ અને સીઆઈએફનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના ગઢ આંકલાવ, બોરસદ અને પેટલાદ ધ્વંસ્ત : આઝાદી કાળથી કોંગ્રેસના ગઢ રહેલા આંકલાવ, બોરસદ અને પેટલાદ આ ચૂંટણીમાં ધ્વંસ્ત થઈ જવા પામ્યા છે. બોરસદ અને આંકલાવમાં ભાજપ લીડનું સ્વપ્નામાં પણ વિચારી ના શકે તે વિધાનસભામાં જંગી લીડ મળી છે જેને લઈને ભાજપના નેતાઓ અને કાર્યકરો પણ આશ્ચર્યચકિત થઈ જવા પામ્યા છે. ખંભાતમાં સૌથી વધુ ૪૦૪૯૭ની લીડ મળવા પામી હતી જ્યારે સૌથી ઓછી લીડ બોરસદ વિધાનસભામાં ૧૪૭૨૧ મળી હતી. ૨૦૧૪-લોકસભા ભાજપે આ બેઠક ૬૩૪૨૬ મતેથી જીતી હતી. જેમાં પણ કોંગ્રેસે બોરસદમાંથી ૨૧૦૮ મત, આંકલાવમાંથી ૮૬૩૯ અને પેટલાદમાંથી ૧૨૭૪ની લીડ મેળવી હતી. પોસ્ટલ બેલેટમાં પહેલીવાર ભાજપે બાજી મારી : આણંદ લોકસભા ચૂંટણીમાં પહેલીવાર ભાજપે બાજી મારતાં કોંગ્રેસ કરતાં વધુ મતો મેળવ્યા હતા. આ વખતની ચૂંટણીમાં ૩૦૪૨ પોસ્ટલ બેલેટ પેપરનું મતદાન થયું હતુ જેમાં ભાજપના મિતેશકુમાર રમેશભાઈ પટેલ (બકાભાઈ)ને ૧૫૧૬, કોંગ્રેસના ભરતસિંહ સોલંકીને ૧૩૭૩ મતો મળ્યા હતા. પોસ્ટલ બેલેટમાં મતદાન કરનારાઓમાં પોલીસ, એસટી વિભાગના કર્મચારીઓ, હોમગાર્ડ, જીઆરડી, જિલ્લા બહાર ફરજ બજાવતા કર્મચારીઓ અને ચૂંટણીની કામગીરીમાં મૂકાયેલા કર્મચારીઓનો સમાવેશ થાય છે.

આણંદ : વહીવટી તંત્રએ દૂરથી મત ગણતરી મથકના ફોટોગ્રાફ લેવા મીડિયા કર્મીઓને મજબૂર કર્યા : વલ્લભ વિદ્યાનગરની નલીની આર્ટસ કોલેજ તથા બીજેવીએમ કોલેજમાં આણંદ લોકસભા બેઠક માટે વિધાનસભાવાઇઝ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ બેલેટ પેપરની ગણતરી શરુ કરવામાં આવી હતી. પરંતુ પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયા કર્મીઓને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતગણતરી બૂથના દૂરથી ફોટોગ્રાફ લેવા જણાવ્યું હતું. જો કે વિરોધનો સૂર ઉઠતા કલેકટરના બોડીગાર્ડ દ્વારા બે-બે મીડિયાકર્મીની જોડી બનાવીને મત ગણતરી સ્થળના દૂરથી ફોટો લેવા દબાણ કરાયું હતું. ત્યારબાદ ઇવીએમથી ગણતરી શરુ થવા સમયે પણ દૂરથી ફોટોગ્રાફ લેવાની સૂચના અપાતા મીડિયાકર્મી અને સ્ટાફ વચ્ચે બોલાચાલી થઇ હતી. આ ઉપરાંત મીડિયા સેન્ટરમાં પણ ચૂંટણી ફરજ પર હાજર કર્મચારીઓ ગોઠવાઇ જતા મીડિયાકર્મીઓએ વિરોધ નોંધાવ્યો હતો. ખેડા-આણંદ બેઠકની રાઉન્ડદીઠ જાણકારીમાં સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ : આણંદ અને ખેડા લોકસભા બેઠક માટે પ્રથમ રાઉન્ડથી જ કોને કેટલા મત મળ્યા તેની રાઉન્ડ પૂર્ણ થયા બાદની જાણકારી વોટસએપ, ફેસબુક સહિતના સોશિયલ મીડિયામાં સતત વાયરલ થઇ રહી હતી. આ ઉપરાંત ચૂંટણી પંચની વેબસાઇટ પરથી પણ ખેડા, આણંદ બેઠક અંગેની માહિતીઓ વિવિધ વોટસગૃપોમાં સતત 'ખાબકતી' રહી હતી. મતદાનની લેટેસ્ટ જાણકારી ગૃપમાં સૌથી પહેલા કોણ મૂકે તેની પણ હરિફાઇ જામ્યાનું જોવા મળતું હતું. તેમાંયે ખેડા અને આણંદ બેઠક પર ભાજપના ઉમેદવારની હરિફ સામે પ૦ હજારની સરસાઇ મેળવ્યાનું જાહેર થયા બાદ સોશિયલ મીડિયામાં કાર્ટુનો, વનલાઇનર સહિતના સંદેશાઓની ભરમાર પણ વ્યાપી હતી. જેમાં ખાસ કરીને "ચોકીદાર ચોર નહીં પરંતુ પ્યોર"નું વનલાઇનર ખાસ ચમકતું રહ્યું¶ હતું. મતગણતરી સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા : આજે મતગણતરી હોય વિદ્યાનગરની બીજેવીએમ અને નલીની આર્ટસ કોલેજ તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. રીઝલ્ટ જાણવા માટે ઉત્સુક બનેલા લોકો જ્યાં રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા હતા ત્યાં એકત્ર થઈ ગયા હતા જે કોઈપણ બહાર આવે તેને પૃચ્છા કરતા નજરે પડ્યા હતા. જેમ-જેમ ટ્રેન્ડ આવતા ગયા તેમ તેમ ભાજપ સમર્થકોનો જુસ્સો વધતો જવા પામ્યો હતો. જો કે કોંગી સમર્થકોએ કીન્ની કાપીને ઘટનાસ્થળેથી બીલ્લી પગે ચાલતી પકડી હતી. ભાજપને ૧૫૬૧ અને કોંગ્રેસને ૧૩૭૩ પોસ્ટલ મતો મળ્યા : આણંદ લોકસભા બેઠક પર કુલ ૩૦૪૨ પોસ્ટલ બેલેટ પેપરનું મતદાન થયું હતુ જેમાં ભાજપના મિતેશકુમાર રમેશભાઈ પટેલ (બકાભાઈ)ને ૧૫૧૬, કોંગ્રેસના ભરતસિંહ સોલંકીને ૧૩૭૩, વણકર રમેશભાઈ વાલજીભાઈને ૨૪, ભટ્ટ આશિષકુમાર મનોજકુમારને ૨, ભટ્ટ સુનિલકુમાર નરેન્દ્રભાઈને ૧, કેયુર પ્રવિણભાઈ પટેલ (બકાભાઈ)ને ૦, ચાવડા કૌશિકકુમારને ૧, ભરતભાઈ સોલંકીને ૯, સંતોષકુમાર મહીજીભાઈ પટેલ (બકાભાઈ)ને ૧, હિતેન્દ્રસિંહ મોહનસિંહ પરમારને ૦ મતો મળ્યા હતા. આ ઉપરાંત ૮૮ મતો રદ થયા હતા અને ૨૭ મતો નોટામાં પડ્યા હતા. સાતેય વિધાનસભાના ૩૫ વીવીપેટ, ઈવીએમ સાથે મેચ થયા : ચૂંટણી પંચના નિર્દેશો મુજબ દરેક વિધાનસભાના પાંચ-પાંચ એટલે કે આણંદ લોકસભામાં સમાવિષ્ટ સાત વિધાનસભાના કુલ ૩૫ વીવીપેટ મશીનોને ઈવીએમ મશીનોના મત સાથે સરખાવવામાં આવ્યા હતા જેમાં તમામ મશીનો મેચ થયા હતા. જેને લઈને કોઈ દુવિધા ઉભી થવા પામી નહોતી. ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ડ્રો દ્વારા પાંચ બુથોના ઈવીએમ અને તેના વીવીપેટની ચબરખીઓને સરખાવી હતી. ત્યારબાદ પરિણામ જાહેર કર્યુ હતુ.