Sardar Gurjari

મંગળવાર, તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૯, ભાદરવા વદ-૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૯૨

મુખ્ય સમાચાર :
ખેડા બેઠક પર ભાજપનો ૩.૬૭ લાખ મતથી વિજય
ભાજપના ઉમેદવારને ૭,૧૪,૫૭૨ અને કોંગ્રેસને ૩,૪૭,૪૨૭ મત મળ્યા
24/05/2019 00:05 AM Send-Mail
ખેડા જિલ્લાના ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોને મળેલ મત
ઉમેદવારનું નામ -મળેલ મત, ચૌહાણ દેવુસિહ (ભાજપ)- ૭૧૪૫૭૨ શાહ બિમલભાઇ (કોગ્રેસ)- ૩૪૭૪૨૭, પાંડવ ભાઇલાલભાઇ - ૭૪૬૧, ચૌહાણ પરષોત્તમભાઇ- ૨૧૦૦, પટેલ કમલેશભાઇ- ૧૭૬૪, પઠાણ આયુસભાનું- ૨૧૮૨, પઠાણ ઇમ્તીયાજખાન- ૪૮૫૮, નોટા -૧૮૨૬૯

ચૂંટણી ઓર્બ્ઝવરની અણઆવડતના કારણે મીડિયાએ ચૂંટણી પ્રકિયાનો બહિષ્કાર કર્યો
નડિયાદ ખાતે સવારે ૮ વાગ્યે મતગણતરી શરૂ થઇ હતી, પરંતુ ઓર્બ્ઝવરના મનઘડત નિર્ણયોને કારણે બપોરે ૧૨ વાગ્યા સુધી મતગણતરી કાચબા ગતિએ ચાલી હતી. જ્યારે મીડીયા દ્વારા વિધાનસભાવાઇઝ મતગણતરીના આંકડાની તૈયાર કોપીની માંગણી કરી તો ઓર્બ્ઝવર દ્વારા તે આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. મહત્વની બાબત છેકે ભૂતકાળમાં દરેક ચૂંટણી દરમ્યાન મતગણતરીના આકડાની કોપી મીડીયાને આપવામાં આવતી હોય છે. પરંતુ આ ચૂંટણી દરમ્યાન ઓર્બ્ઝવર તરીકે આવેલા શાલીની પાંડેએ આચાર સહિતના નામે પોતાની મનમાની ચલાવી હતી. જેના કારણે મીડિયાના પ્રતિનિધીઓએ મતગણતરીની પ્રક્રિયાનો વિરોધ કરી મતદાન કેન્દ્રની બહાર ચાલ્યા ગયા હતા. જોકે બાદમાં માહીતી વિભાગના અધિકારીઓ અને જિલ્લા કલેક્ટરની કુનેહભરી કાર્ય પધ્ધતીના કારણે સોશીયલ મીડિયાના માધ્યમથી માહિતી મળવાની શરૂ થતા મીડિયાએ પરત મતગણતરી કેન્દ્રમાં પહોચી પોતાની કામગીરી હાથ ધરી હતી.

ભાજપના ઉમેદવારનું વિજય સરઘસ
લોકસભા ચૂંટણીમાં ત્રણ લાખ કરતા પણ વધારે મતોથી વિજય બાદ ભાજપના ઉમેદવાર દેવુસિહ ચૌહાણનું ભવ્ય વિજય સરઘસ નિકળ્યું હતુ. જેમાં નડિયાદ તેમજ ખેડા જિલ્લાના છેવાડાના વિસ્તારમાંથી આવેલા કાર્યકરો જોડાયા હતા. નડિયાદના વાણિયાવડ સર્કલથી વિજય સરઘસ નિકળ્યું હતુ જે પારસ સર્કલ થઇ સંતરામ રોડ પર પહોચ્યું હતુ. મોટી સંખ્યામાં કાર્યકરોએ વિજય સરઘસમાં જોડાઇ ઢોલ નગારા અને ડીજેના તાલે ઝૂમીને જીતનો ઉત્સાહ માણવા સાથે ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી હતી.

જનતાએ નરેન્દ્ર મોદીના વિકાસના મંત્રને આવકાર્યો છે : દેવુસિંહ ચૌહાણ
ખેડા લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવનાર ભાજપના દેવુસિહ ચૌહાણે જણાવ્યું હતું કે જનતાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વિકાસના મંત્રને સ્વિકારી લીધો છે. વિવિધ ક્ષેત્રે દેશના થતા વિકાસના કારણે વિદેશમાં ભારતની છાપ મજબૂત બની છે. ઉપરાંત દુશ્મન દેશ સાથેની ભારતની રણનીતિ, અન્ય દેશો સાથે વ્યવસાયિક સહિતના ક્ષેત્રે વડાપ્રધાને કરેલ કામગીરીને ભારતીયોએ બિરદાવી છે. બીજી તરફ કોંગ્રેસનો પરિવારવાદ, પક્ષ પ્રમુખની અણઆવડત ખુલ્લી પડી ગઇ છે. જેથી જનતાએ ચૂંટણીમાં પણ તેને જાકારો આપ્યો છે.

સમગ્ર દેશમાં મોદીનો વાવર, ખેડા બેઠક પર પણ અસર પડી : બિમલ શાહ, કોંગ્રેસના ઉમેદવાર
ખેડા બેઠક પર જાહેર થયેલ ચૂંટણી પરિણામ બાદ હારનો સામનો કરતા કોગ્રેસના ઉમેદવાર બિમલભાઇ શાહે જણાવ્યુ હતુ કે સમગ્ર દેશમાં મોદીનો વાવર ચાલતો હતો. માહોલ જ કાઇક એ પ્રકારનો હતો કે મતદારો આપોઆપ ભાજપ તરફ ખેચાઇ ગયા હતા. પરીણામો પરથી એ બાબત સ્પષ્ટ જોવા મળી છે. સમગ્ર દેશમાં જે રીતનો માહોલ હતો તેની જ અસર ખે઼ડા સીટ પર પણ જોવા મળી છે, અને એટલે જ કોગ્રેસનો પરાજય થયો છે તેમ હું માનું છું.

ગત લોકસભાની સરખામણીએ ભાજપને મળેલા મતોમાં વધારો, કોંગ્રેસના મતોમાં ઘટાડો
આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દેવુસિહ ચૌહાણને મળેલા મતોમાં નોંધપાત્ર વધારો થયો છે. ગત ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં દેવુસિહ ચૌહાણને ૫,૬૮,૨૩૫ અને કોગ્રેસના ઉમેદવાર દિનશા પટેલને ૩,૩૫,૩૩૪ મતો મળ્યા હતા. ગત લોકસભા ૨.૩૩ લાખ મતોથી જીતનારા દેવુસિહ ચૌહાણે ૨૦૧૯ની ચૂંટણીમાં ફરી બાજી મારી છે. સાથે સાથે તેમને મળેલા મતોની સંખ્યા પણ વધી છે. આ લોકસભામાં દેવુસિહને ૬,૫૭,૬૬૮ મતો મળ્યા છે, એટલે કે ૨૦૧૪ની સરખામણીમાં તેઓએ ૮૯,૪૩૩ વધારે મતો મેળવ્યા છે. જેના કારણે તેમની લીડ પણ વધીને ૩ લાખ ઉપર પહોચી ગઇ છે.

ખેડા લોકસભા બેઠક માટે આજે હાથ ધરાયેલ મત ગણતરીમાં ભાજપે ૩.૬૭ લાખ મતોની લીડથી આ બેઠક અંકે કરી હતી. ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે ગત ર૦૧૪ની લોકસભા કરતાં આ વખતે વધુ મતોથી જીત હાંસલ કરી છે. લોકસભા ચૂંટણીમાં ખેડા જિલ્લા બેઠક પર ૬૦.૬૮ ટકા મતદાન થયું હતું. જેમાં કુલ ૧૦,૯૪,૧૩૪ મતદારોએ પોતાના મતનો ઉપયોગ કર્યો હતો.

નડિયાદની આઇ.વી. પટેલ કોર્મસ કોલેજ ખાતે આજે સવારે ૮ વાગ્યાથી મતગણતરીની શરૂઆત થઇ હતી. સાત વિધાનસભા માટે દશ દશ ટેબલો એમ કુલ ૭૦ ટેબલો પર મતગણતરી હાથ ધરવામાં આવી હતી. સાંજ સુધીમાં કુલ ૨૫ રાઉન્ડ સુધી મતગણતરી ચાલી હતી. પ્રથમ રાઉન્ડથી જ ભાજપે લીડ મેળવી હતી. અંતિમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ભાજપના ઉમેદવાર દેવુસિહ ચૌહાણે ૭,૧૪,૫૭૨ મત અને કોગ્રેસના બિમલ શાહને ૩,૪૭,૪૨૭ મતો મળ્યા હતા. આમ, ભાજપના ઉમેદવારે ૩.૬૭ લાખ માતબર મતોથી જીત મેળવી હતી.

મત ગણતરીના દસમા રાઉન્ડથી ભાજપના સમર્થકોએ અભિનંદન પાઠવવા સાથે કેટલાક સ્થળોએ આતશબાજી કરવામાં આવી હતી. અંતિમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં ઉમટેલા ભાજપ સમર્થકોએ દેવુસિંહ ચૌહાણને અભિનંદન પાઠવીને વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મત ગણતરી કેન્દ્રની આસપાસ ચુસ્ત બંદોબસ્તનું આયોજન કરાયું હતું.