Sardar Gurjari

ગુરુવાર, તા.૨૦ જૂન, ૨૦૧૯, જયેષ્ઠ વદ ૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૫

મુખ્ય સમાચાર :
અમેઠી સીટ પર ૨૧ વર્ષ બાદ કોંગ્રેસની હાર
ભાજપ સ્ટાર પ્રચારક સ્મૃતિ ઈરાની સામે રાહુલની હાર
24/05/2019 00:05 AM Send-Mail
ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસનો દેખાવ કેટલો ખરાબ રહ્યો છે તે બાબતનો અંદાજ આ બાબતથી જ લગાવી શકાય છે કે, રાયબરેલી અને અમેઠી સંસદીય સીટ ઉપર તેને જીત મળતી રહી છે પરંતુ આ વખતે ભાજપની દિગ્ગજ મહિલા નેતા અને કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીને અમેઠીમાં પછડાટ આપી દીધી છે. રાહુલ ગાંધીએ પોતે અમેઠી સીટ ઉપર પરિણામ આવે તે પહેલા જ હાર સ્વીકારી લીધી હતી. ૧૯૬૭માં અસ્તિત્વમાં આવેલી અમેઠી સીટ ઉપર ત્રીજી વખત કોંગ્રેસ પાર્ટીની હાર થઇ છે. કોંગ્રેસ પાર્ટીની આ મજબૂત સીટ તરીકે ગણવામાં આવે છે. આ હારમાં એક રોચક આંકડો ૨૧ નંબરનો રહ્યો છે. દર ૨૧ વર્ષ બાદ કોંગ્રેસને અહીં હારનો સામનો કરવો પડયો છે. રાહુલ ગાંધીને પણ આ હારનો સામનો કરવો પડયો છે. ૧૯૭૭માં ઇન્દિરા ગાંધી તરફથી ઇમરજન્સી લાગૂ કરવામાં આવ્યા બાદ દેશભરમાં કોંગ્રેસની વિરુદ્ધમાં લહેર વચ્ચે સંજય ગાંધી હારી ગયા હતા. પ્રથમ વખત તે વખતે સંજય ગાંધીની હાર થઇ હતી. તે વખતે જનતા પાર્ટીના રવિન્દ્ર પ્રતાપસિંહે જીત મેળવી હતી. ૨૧ વર્ષ બાદ ૧૯૯૮માં કેપ્ટન સતિષ શર્માને પણ આ બેઠક પર હારનો સામનો કરવો પડયો હતો. હવે ૧૯૯૮ બાદ ૨૧ વર્ષ પછી કોંગ્રેસને ફરીવાર હારનો સામનો કરવો પડયો છે. ભાજપની સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીને ૧૯૦૦૦ મતે હાર આપી છે. આ પહેલા ૨૦૧૪માં પણ સ્મૃતિએ રાહુલને જોરદાર ટક્કર આપી હતી પરંતુ તે વખતે બીજા સ્થાને રહ્યા હતા. પરાજય બાદ સ્મૃતિ ઇરાની સતત પાંચ વર્ષથી અહીં સક્રિય રહ્યા હતા. આખરે તેમની જીત થઇ છે. અમેઠીના ગઢને તોડી પાડવામાં ભાજપે સફળતા મેળવી છે. કોંગ્રેસને ઉત્તરપ્રદેશમાં માત્ર એક જ સીટ મળી છે અને આ સીટ સોનિયા ગાંધીએ રાયબરેલીમાં જીતી છે.