Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
વ્યાજે પૈસા અપાવનાર કરમસદ ભાજપના કાઉન્સીલર પર તલવારથી હુમલો
બે શખ્સોએ ઘરમાં ઘુસીને માર મારતાં પોલીસ ફરિયાદ
17/02/2019 00:02 AM Send-Mail
આણંદ નજીક આવેલા કરમસદ ખાતે રહેતા અને જુની ગાડીઓની લે-વેચનો વ્યવસાય કરતાં ભાજપના કાઉન્સીલર પર ગઈકાલે રાત્રીના સુમારે વ્યાજે પૈસા અપાવ્યાની રીસ રાખીને બે શખ્સોએ ઘરમા ઘુસીને તલવાર મારીને ઈજાઓ પહોંચાડતા તેમને તુરંત જ સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર કરમસદના જનતા-મોગરી રોડ ઉપર આવેલી નવરંગ સોસાયટીમાં રહેતા નિશાંતભાઈ દિલીપભાઈ શાહે જીટોડીયા ખાતે રહેતા પોતાના મિત્ર રજનીભાઈ ગજેરાને પેઢીમાંથી પોતાની જવાબદારી ઉપર છ લાખ રૂપિયા ઉછીના અપાવ્યા હતા.

ગઈકાલે તેઓ ચીખોદરા રોડ ઉપર આવેલા ઉમંગ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલી ઓફિસે હાજર હતા ત્યારે રજનીનો ભાઈ હિતેશભાઈ ગજેરાનો ફોન આવ્યો હતો કે, તે મારા ભાઈને ઉછીના પૈસા કેમ અપાવ્યા છે હું આવુ છું તેમ કહેતા જ ગભરાઈ ગયેલા નિશાંતભાઈ પોતાના ઘરે જતા રહ્યા હતા. દરમ્યાન સાડા દશેક વાગ્યાના સુમારે હિતેશભાઈ અને બાપુ નામથી ઓળખાતો એક ઈસમ નિશાંતભાઈના ઘરે ગયા હતા અને નિશાંતભાઈને મને પુછ્યા વગર મારા ભાઈને કેમ રૂપિયા અપાવ્યા તેમ કહીને ઝઘડો કર્યો હતો અને શો કેસમાં મુકેલી તલવાર કાઢીને ડાબા હાથના પંજા ઉપર મારી દેતાં તેઓ લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા. બાપુ નામના શખ્સે પણ ગંદી ગાળો બોલીને ગડદાપાટુનો માર માર્યો હતો. ભારે હોહા થતાં તેમની પત્ની તથા ઘરના સભ્યો વચ્ચે પડ્યા હતા જેથી બન્ને જણાં જાનથી મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા. આ તરફ ઘવાયેલા નિશાંતભાઈને કરમસદની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.