Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
નડિયાદના વેપારી ઉપર નાગા બાવાએ વશીકરણ વિદ્યા અજમાવી દાગીના-૧૨ હજાર રોકડા પડાવી છુ
શહેરમાં ફરતાં આવા ધુતારા સાધુઓથી ચેતવા જેવા કિસ્સામાં પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી
17/02/2019 00:02 AM Send-Mail
સાધુ-સંતો પોતાનામાં રહેલી શક્તિઓને ખિલવી વશીકરણ વિદ્યા શીખતાં હોય છે. આવી વિદ્યા સારા કામમાં વપરાય તો એ સંત પૂજનીય બને છે. પરંતુ ઘણાં સાધુઓ આવી વિદ્યાનો ખોટો ઉપયોગ કરતાં હોય છે. નડિયાદના બજારમાં આજે આવા એક ઠગ સાધુએ વશીકરણ વિદ્યાની મદદથી એક વેપારી પર વશીકરણ કરી તેણે પહેરેલ વીંંટી, લક્કી, દોરો જેવા સોનાના દાગીના તેમજ ૧૨ હજારનું રોકડ ભરેલ પર્સ લઈ છુમંતર થઈ જતાં ભારે ચકચાર મચી જવા પામી છે. હાલમાં આ વેપારીએ પોલીસમાં માત્ર જાણવાજોગ અરજી આપી છે. જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે. શહેરમાં આવા પણ ઠગ સાધુઓ ફરતાં હોઈ પ્રજાને લાલબત્તી ધરતો આ કિસ્સો સૌ કોઈની આંખ ઉઘાડનાર બની ગયો છે.

મળતી માહિતી મુજબ નડિયાદના લખાવાડ વિસ્તારમાં એક વેપારી રહે છે. તેઓનો દર શનિવારે નિત્યક્રમ હોય છે કે તે ૧૦ વાગ્યે પોતાનું બાઈક લઈ બસસ્ટેશન નજીક આવેલ હનુમાન મંદિર દર્શન કરવા જાય છે. આજે પણ તેઓ પોતાનું બાઈક લઈ આ મંદિરે દર્શન કરી પરત ફરતા હતાં. સંતરામ રોડ પર તેઓ આવ્યાં ત્યારે પાછળથી એક ગાડી તેમની લગોલગ ચાલવા લાગી. તેમાંથી એક સાધુ (નાગો બાવો) એ તેમને બૂમ પાડી એ ભાઈ... તુમ્હારા શહેર અજીબ શહેર હે. કોઈ સુનતા હી નહીં.... વેપારી ફોન પર વાત કરતાં હોઈ તેમણે આ બૂમ તરફ ધ્યાન આપ્યું નહીં. અને ધીમી ગતિએ બાઈક આગળ ચલાવવા લાગ્યા. જેથી નાગા બાવાને બેસાડીને આવતી ગાડીના ચાલકે તેમની બાઈક આગળ ગાડી ઉભી કરી દીધી. જેથી વેપારીને ફરજીયાત ઉભા રહેવું પડ્યું. જેથી બાવો પુન: હિન્દીમાં બોલ્યો તુમ્હારે શહેર મે કોઈ જવાબ ક્યું દેતા નહી. મે એક ઘંટે સે ઘુમ રહા હું. લેકિન કોઈ મુઝે ડાકોર જાને કા રાસ્તા દિખાતા નહીં. વેપારીને એવુ લાગ્યું કે સંતરામ મંદિર નજીકથી હું આ અજાણ્યા સાધુને ડાકોર તરફ જવાનો રસ્તો બતાવીશ તો તે આડા-અવળા રસ્તામાં અટવાઈ જશે. જેથી તેણે તમારી ગાડી મારી બાઈક પાછળ આવવા દો. કહી પોતાની બાઈક આગળ હંકારી. અને ખેતા તળાવના વળાંક આગળ ઉભી રાખી અને ત્યાંથી જણાવ્યું કે આ રોડ પર સીધા ચાલ્યાં જાવ એટલે ડાકોર આવી જશે.

જેથી બાવાને લઈને આવેલ ડ્રાઈવરે ગાડી પંદરેક ડગલાં આગળ ચલાવી ઉભી રાખી અને વેપારીને બુમ પાડી કે તમને સાધુ બાવા બોલાવે છે. વેપારીને થયું કે આને પાછુ હવે શુ કામ પડ્યું ? તે પોતાની બાઈક સ્ટેન્ડ પર મુકી ૧૫ ડગલાં ચાલી બાવાની ગાડી પાસે પહોંચ્યાં. તે વખતે બાવાએ ગાડીનો કાચ ખોલી જણાવ્યું કે તુમ્હારે દો બચ્ચે હે. એક આપકો સાથ દેગા ઓર દુસરા નહીં દેગા. આપ બહોત અચ્છે ઈન્સાન હો, મે આપકો આશીર્વાદ દેતા હું કે આપકા કલ્યાણ હો. કહી બાવાએ વેપારીના કપાળે હાથ મૂક્યો....બસ પછી તો વેપારીને કંઈ ભાન જ ના રહ્યું. જેમ બાવાએ આપકી વીંટી દો....આપકા દોરા દો....જેમ જેમ કહેવા લાગ્યો તેમ તેમ એક પછી એક દાગીના કાઢીને બાવાના હાથમાં મુકતાં ગયાં. છેલ્લે ખીસ્સામાંથી ૧૨ હજારની રોકડ ભરેલ પાકીટ પણ બાવાના હાથમાં મૂકી દીધું. એટલે બાવાએ પોતાના ડ્રાઈવરને ગાડી હંકારવા સુચના આપી દીધી. ગાડી લગભગ ૨૦૦ મીટર ગઈ હશે. ત્યારે વેપારીને હોશ આવ્યાં કે પોતે બાવાના તાબે થઈ ગયાં અને દાગીના અને પાકીટ આપી દીધું. બાવાના વશીકરણ વિદ્યામાં વેપારીએ આજે કીમતી દાગીના ગુમાવવા પડ્યાં હતાં. આ બનાવ અંગે તેમણે નડિયાદ પોલીસમાં જાણ કરી છે. અને પોતાનું નામ ગુપ્ત રહે તે રીતે પોલીસે આ બનાવની તપાસ કરવા વિનંતી કરી છે. જેથી પોલીસે બનાવ સ્થળના આજુબાજુના હોટલ અને કોમ્પલેક્ષના સીસીટીવી ફુટેજ મેળવી બનાવની તપાસ હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે નડિયાદ શહેરમાં આવા ફરતાં બાવાઓથી પ્રજાએ ચેતવું જોઈએ. શકમંદ જણાતાં આવા નાગા બાવાઓની પોલીસે પૂછપરછ પણ હાથ ધરવી જોઈએ તેવી સમયની માંગ છે.