Sardar Gurjari

ગુરુવાર, તા.૨૦ જૂન, ૨૦૧૯, જયેષ્ઠ વદ ૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૫

મુખ્ય સમાચાર :
જોગણ પાટીયા અને મોરજ પાસે સર્જાયેલા બે અકસ્માતમાં બેના મોત, એક ઘાયલ
જોગણ પાટીયા પાસે ટ્રેક્ટરની પાછળ સ્કુટર ઘુસી જતા તેમજ મોરજ પાસે ટ્રકે બાઈકને ટક્કર મારતાં સર્જાયેલા અકસ્માત
19/12/2018 00:12 AM Send-Mail
પેટલાદ તાલુકાના જોગણ પાટીયા તેમજ તારાપુર તાલુકાના મોરજ-ઈસરવાડા રોડ ઉપર ગઈકાલે સાંજના સુમારે સર્જાયેલા બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં બેના મોત થયા હતા જ્યારે એકને ઈજાઓ થતાં તેને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યો હતો. આ અંગે પેટલાદ શહેર અને તારાપુર પોલીસે ગુનાઓ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

અકસ્માતોની મળતી વિગતો અનુસાર વીરસદ ગામના સરદારપોળમાં રહેતા જયેશભાઈ પરમાનંદભાઈ અમીન (ઉ. વ. ૫૮)ગઈકાલે સાંજના સુમારે પોતાના નાનાભાઈ પિયુષભાઈ (ઉ. વ. ૫૩)ને સ્કુટર નંબર જીજે-૦૭, સી-૭૨૦૨ ઉપર બેસાડીને પેટલાદ જવા નીકળ્યા હતા. છ વાગ્યાના સુમારે સ્કુટર જોગણ ગામના પાટીયા નજીક આવેલી ખરી પાસેથી પસાર થતુ હતુ ત્યારે આગળ જતા ટ્રેક્ટર નંબર જીજે-૨૩, બીડી-૧૪૦૨ની પાછળ અથડાયું હતુ જેમાં ચાલક જયેશભાઈ અમીનને ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત થયું હતુ. જ્યારે તેમના ભાઈ પિયુષભાઈને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થતાં તેમને સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

અકસ્માતનો બીજો બનાવ મોરજ-ઈસરવાડા રોડ ઉપર આવેલા ગેસ પ્લાન્ટ નજીક સર્જાયો હતો. મોરજ ગામે રહેતો મયંકભાઈ લલ્લુભાઈ રોહિત (ઉ. વ. ૨૧)ગઈકાલે સાંજના સુમારે પોતાનું બાઈક નંબર જીજે-૨૩, બીએસ-૦૩૮૬નું લઈને નહેરમાં પાણી આવે છે કે કેમ તે જોવા માટે ગયો હતો. દરમ્યાન સાડા સાતેક વાગ્યાના સુમારે તે ગેસ પ્લાન્ટ નજીકથી પસાર થતો હતો ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલા ઘાસ ભરેલી ટ્રક નંબર જીજે-૧૨, બીડબલ્યુ-૬૧૦૭એ ટક્કર મારતાં તેને માથામાં તથા પગોના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેથી તેને ૧૦૮ મોબાઈલ વાન દ્વારા સારવાર માટે તારાપુરની સરકારી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં રાત્રીના ૧૧ વાગ્યાના સુમારે તેનુ મોત થયું હતુ.