Sardar Gurjari

ગુરુવાર, તા.૨૦ જૂન, ૨૦૧૯, જયેષ્ઠ વદ ૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૫

મુખ્ય સમાચાર :
નાપા તળપદમાં આડા સંબંધને લઈને ગાળો બોલવા બાબતે એકને
મરણતોલ માર મારવાના કેસમાં એકને સાત અને ત્રણને પાંચ-પાંચ વર્ષની સજા
બોરસદની ચીફ કોર્ટે સરકારી વકીલ આર. જી. શાસ્ત્રીની દલિલો તથા રજુ થયેલા દસ્તાવેજી પુરાવાઓને આધારે સજા ફટકારતા ન્યાયાધિશ આર. એન. પટેલ
19/12/2018 00:12 AM Send-Mail
બોરસદ તાલુકાના નાપા તળપદ ગામે પાંચેક વર્ષ પહેલા આડા સંબંધના વહેમમાં ચાર શખ્સોએ ધારીયું-લાકડીઓથી હુમલો કરીને એકને મરણતોલ તેમજ બીજા ત્રણને માર મારવાના કેસમાં બોરસદની ચીફ કોર્ટે તકશીરવાર ઠેરવીને એકને સાત વર્ષની તેમજ ત્રણને પાંચ-પાંચ વર્ષની કેદની સજા ફટકારતો ચુકાદો જાહેર કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૪-૬-૨૦૧૩ના રોજ સાંજના સાતેક વાગ્યાના સુમારે નાપા તળપદ ગામના રોહિતવાસમાં રહેતી રમીલાબેન અને મહેશભાઈ વચ્ચેના પ્રમસંબંધને લઈને મહેશના ભાઈ વિનુભાઈ ભીખાભાઈ રોહિત, પ્રવિણભાઈ, હર્ષદભાઈ તથા રાજેશભાઈ ડાહ્યાભાઈ રોહિતે રમીલાબેનના સસરા આશાભાઈ મોરારભાઈને ગમે તેવી ગંદી ગાળો બોલતા હતા જેથી ગાળો બોલવાની ના પાડતાં જ વિનુભાઈએ ધારીયુ લઈ આવીને આશાભાઈના ડાબા કાન ઉપર તેમજ ડાબા હાથની વચ્ચેની આંગણીઓ ઉપર મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. પ્રવિણભાઈએ પોતાની પાસેની લાકડીથી આશાભાઈને ડાબા હાથના કાંડા ઉપર માર માર્યો હતો. કાશીબેન, પરસોત્તમભાઈ તથા રમીલાબેન વચ્ચે પડતા તેમને પણ લાકડીઓથી માર માર્યો હતો. આ અંગે રમીલાબેને બોરસદ પોલીસે ઈપીકો કલમ ૩૨૬, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરીને ચારેયની ધરપકડ કરી હતી અને તપાસ પુર્ણ કર્યા બાદ બોરસદની ચીફ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કર્યું હતુ.

આ કેસ ચીફ કોર્ટના ન્યાયાધિશ આર. એન. પટેલની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષે ઉપસ્થિત સરકારી વકિલ આર. જી. શાસ્ત્રીએ દલિલો કરતા જણાવ્યું હતુ કે, ચારેય આરોપીઓએ રાજ્યના અને સમાજના કાયદાનો છેડચોક ભંગ કરીને વૃધ્ધ લોકોને જીવલેણ ઈજાઓ પહોંચાડી છે, જેથી મહત્તમ સજા થવી જોઈએ. ન્યાયાધિશ આર. એન. પટેલે બન્ને પક્ષોની દલિલો સાંભળીને તેમજ રજુ થયેલા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં રાખીને ચારેયને તકશીરવાર ઠેરવ્યા હતા. જેમાં વિનુભાઈ ભીખાભાઈ રોહિતને સાત વર્ષની સજા અને કુલ ૧૬ હજાર રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા, પ્રવિણભાઈ ભીખાભાઈ રોહિત, હર્ષદભાઈ ભીખાભાઈ રોહિત તેમજ રાજેશભાઈ ડાહ્યાભાઈ રોહિતને કુલ પાંચ-પાંચ વર્ષની સજા અને ૧૬-૧૬ હજાર રૂપિયા દંડ ફટકારતી સજા, જો દંડ ના ભરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.