Sardar Gurjari

ગુરુવાર, તા.૨૦ જૂન, ૨૦૧૯, જયેષ્ઠ વદ ૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૫

મુખ્ય સમાચાર :
બાકરોલ-વડતાલ રોડ ઉપર મધરાતે ત્રાટકેલી બુકાનીધારી ટોળીએ મચાવેલો આંતક
સિક્યુરિટી ગાર્ડને ઢોર માર મારતાં હોસ્પિટલમાં દાખલ : એક બંગલામાંથી ૫૦ હજારની મત્તાની ચોરી, બીજામા ંચોરી કરવા જતાં યુવતી જાગી જતાં થયેલી બૂમાબૂમમાં તસ્કરો ભાગ્યા
19/12/2018 00:12 AM Send-Mail
બાકરોલ રોડ પરની સોસાયટીઓના રહીશોમા ભયની લાગણી છવાઈ
બાકરોલ ગેટથી વડતાલ રોડ ઉપર અનેક નવી-નવી સોસાયટીઓનું નિર્માણ થવા પામ્યું છે. તસ્કરો દ્વારા આ સોસાયટીઓને જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. લાકડાના ડંડા જેવા હથિયારો લઈને ત્રાટકતી તસ્કર ટોળી દ્વારા જો કોઈ જાગી જાય અને પ્રતિકાર કરે તો માર મારતાં પણ અચકાતી નથી જેને લઈને આ વિસ્તારની સોસાયટીના રહીશોમાં રીતસર ભયની લાગણી પ્રસરી જવા પામી છે. માનસી ટ્વીન્સમાં રહેતા નિર્મલભાઈ ઠક્કર ગઈકાલે રાત્રી દરમ્યાન લગ્નપ્રસંગમાં ગયા હતા અને ત્યાંથી મોડીરાત્રે પરત ફર્યા ત્યારે તેમના ઘરમાં ચોરી થયાની જાણ થઈ હતી. જો તેઓ પણ તસ્કરો ત્રાટક્યા તે જ સમયે આવી ચઢ્યા હોત તો તેઓ પણ હુમલાનો ભોગ બનત તેમ જાણવા મળ્યું છે.

સિક્યુરિટીને માર માર્યા અંગે ગુનો દાખલ કરાયો
બાકરોલ વડતાલ રોડ ઉપર ગઈકાલે ત્રાટકેલા બુકાનીધારી તસ્કરોએ ઈશા બંગલાની વોચમેની કરી રહેલા નડીઆદના નીલેષભાઈ રમણભાઈ પટેલને લાકડીઓથી માર મારીને ડાબા પગે ફેક્ચર કરી નાંખ્યું હતુ. રાત્રીના ત્રણેક વાગ્યાના સુમારે ચાર અજાણ્યા શખ્સોને જોતાં જ સિક્યુરિટી જવાન નીલેષભાઈએ આટલી રાત્રે તમે શું કરો છો તેમ પુછતાં જ ઉશ્કેરાયેલા ચારેય જણાં લાકડીઓ લઈને તુટી પડ્યા હતા અને ઢોર માર્યો હતો. વિદ્યાનગર પોલીસે આ અંગે ચાર અજાણ્યા શખ્સો વિરૂદ્ઘ માર મારીને ફેક્ચર કરી નાંખવાનો ગુનો દાખલ કર્યો હતો. જો કે ચોરીની ઘટના સંદર્ભે કોઈ જ ફરિયાદ ના થતાં પોલીસની કાર્યવાહી સામે પણ શંકાઓ ઉભી થવા પામી છે.

પોલીસના પેટ્રોલીંગના દાવાના ધજાગરા ઉડાડતા તસ્કરો
શિયાળાની કાતિલ ઠંડીની શરૂઆત થઈ ચુકી છે જેને લઈને તસ્કરો દ્વારા ચોરીઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. વિદ્યાનગર નજીક આવેલા બાકરોલ રોડ પર છાશવારે ચોરીઓના બનાવો બની રહ્યા છે. વિદ્યાનગરના પીઆઈ ડી. ડી. સીમ્પી જે સોસાયટીમાં રહે છે તે શાલીગ્રામ સોસાયટીમાં પણ બે વખત ચોરીઓ થઈ છે. જેને લઈને પોલીસનું પેટ્રોલીંગ સઘન બનાવ્યું હોવાનું કહેવામાં આવતું હતુ પરંતુ ગઈકાલે રાત્રીના સુમારે થયેલી ચોરીની ઘટનાએ પોલીસના પેટ્રોલીંગના દાવાના ધજાગરા ઉડી જવા પામ્યા છે.

બુકાનીધારીઓએ દોઢ કલાક સુધી મચાવેલો આંતક
બાકરોલ રોડ ઉપર આવેલી સોસાયટીઓ અને કોમ્પલેક્ષમાં ગઈકાલે મધ્યરાત્રીના સુમારે ત્રાટકેલા બુકાનીધારીઓએ દોઢ કલાક સુધી આંતક મચાવ્યો હતો. લાકડાના ડંડા લઈને આવેલા તસ્કરોએ એકબાદ એક મકાનોમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં કેટલાક મકાનોમાંથી ચોરી કરવામાં સફળ રહ્યા હતા જ્યારે કેટલીક જગ્યાએ રહીશો જાગી જતાં તેમને ભાગવું પડ્યું હતુ.

સીસીટીવીના ફુટેજના આધારે પોલીસની તપાસ
મધ્યરાત્રીના સુમારે બાકરોલ રોડ ઉપર ત્રાટકેલી બુકાનીધારી ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. માનસી ટ્વીન્સના કેટલાક બંગલાઓની બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં આ તસ્કરો દેખાઈ રહ્યા છે જેને લઈને પોલીસે સીસીટીવીના ફુટેજ મેળવીને તસ્કરો સુધી પહોંચવાની તજવીજ હાથ ઘરી છે.

બોલેરો ગાડી લઈને આવ્યા હોવાની શક્યતા
બાકરોલ રોડ ઉપર ગઈકાલે મધ્યરાત્રીના સુમારે ત્રાટકેલી બુકાનીધારી ગેંગ દાહોદ-જામ્બુઆ બાજુની આદિવાસી ગેંગ હોવાનું મનાઈ રહ્યું છે. આ શખ્સો બોલેરો ગાડી લઈને આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. જેને લઈને દોઢ કલાક સુધી માનસી ટ્વીન્સ, શ્રી બંગલાની બાજુમાં આવેલો બંગલો, ક્રીશ્ના દર્શન તેમજ આત્મીય કોમ્પલેક્ષમાં ત્રાટકીને કેટલીક જગ્યાએથી લાખોની મત્તા ચોરીને બોલેરો ગાડીમાં ફરાર થઈ ગયાનું વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે.

આણંદ નજીક આવેલા બાકરોલ રોડ ઉપર ગઈકાલે મધ્યરાત્રીના સુમારે ત્રાટકેલા બુકાનીધારી તસ્કરોએ દશેક જેટલી જગ્યાઓએ ચોરી કરીને સિક્યુરિટી ગાર્ડસને ઢોર માર મારીને ફરાર થઈ જતાં આ વિસ્તારની સોસાયટીઓના રહીશોમાં ભયની લાગણી પ્રસરી જવા પામી છે. ઘટનાની જાણ થતાં દોડી આવેલી વિદ્યાનગર પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તલાશી અભિયાન હાથ ઘર્યું હતુ પરંતુ કોઈપણ હાથમાં ના આવ્યા નહોતા.

પ્રાપ્ત વિગતો અનુસાર બાકરોલ રોડ ઉપર આવેલા માનસી ટ્વીન્સમાં ગઈકાલે રાત્રીના સુમારે કેટલાક બુકાનીધારીઓ ત્રાટક્યા હતા અને નિર્મલભાઈ હર્ષદભાઈ ઠક્કરના બંગલાના તાળા તોડીને અંદર પ્રવેશ કરી સોનાના દાગીના, મોબાઈલ સહિત ૫૦ હજારની મત્તાની ચોરી કરી લીધી હતી. ત્યારબાદ નજીકમાં આવેલા કમલેશભાઈ ચૌહાણના બંગલાની પાછળના ભાગે આવેલી ગ્રીલ તોડીને અંદર ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે યુવતી જાગી જતાં તેણે બૂમાબૂમ કરી મૂકતા ઘરના સભ્યો તેમજ આસપાસના રહીશો પણ જાગી ગયા હતા. જેથી તસ્કરો ત્યાંથી ભાગ્યા હતા.

ત્યારબાદ સામે આવેલા શ્રી બંગલાની બાજુના બંગલામાં ત્રાટક્યા હતા જ્યાં વૃધ્ધ સિક્યુરીટી ગાર્ડ્સે તેમને પડકારતાં બુકાનીધારીઓ લાકડાના ડંડા લઈને સિક્યુરિટી ગાર્ડસ પર તુટી પડ્યા હતા અને ઢોર માર માર્યો હતો. તસ્કરોએ ત્યાંથી ક્રિશ્ના દર્શન સોસાયટીની બહાર પાર્ક કરેલી પરાગભાઈ દેસાઈની ડસ્ટર ગાડીને નિશાન બનાવી હતી અને તેના કાચ તોડીને અંદર મુકેલી બેગ ફેંદી નાંખી હતી જો કે બેગમાથી ૫૦૦ રૂપિયા જેવી નજીવી રકમ મળતા તસ્કરોએ કાગળીયા અને બેગ બહાર ફેંકી દીધી હતી. તસ્કરો આટલેથી ના અટકતાં બાકરોલ ગેટ પાસે આવેલા આત્મીય કોમ્પલેક્ષમાં ત્રાટક્યા હતા અને બે થી ત્રણ જેટલા ફ્લેટોના તાળા તોડીને લાખોની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. જતાં-જતા તસ્કરોએ બોર્ડને પણ તોડી નાંખ્યું હતુ. ઘટનાની જાણ વિદ્યાનગર પોલીસને કરવામાં આવતાં પોલીસ ટીમ તુરંત જ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને બાકરોલ રોડ પરની સોસાયટીઓ તેમજ નજીકમાં આવેલા લાંભવેલ રોડ સુધીના વિસ્તારને ઘેરી લઈને કોમ્બીંગ ઓપરેશન હાથ ઘરવામાં આવ્યું હતુ જો કે તસ્કરો ત્યાંથી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.