Sardar Gurjari

ગુરુવાર, તા.૨૦ જૂન, ૨૦૧૯, જયેષ્ઠ વદ ૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૫

મુખ્ય સમાચાર :
રાફેલ મુદ્દા પર સુપ્રીમ કોર્ટ આપેલ નિર્ણય બાદ ભાજપ આક્રમક મૂડમાં
આણંદ, ખેડા જિલ્લામાં રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર કલેકટરને આપ્યું
દેશની સુરક્ષાના વિષયે બેફામ દુષ્પ્રચાર કરવા બાબતે કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને હોદ્દા પરથી દૂર કરવા માંગ
19/12/2018 00:12 AM Send-Mail
રાફેલ ખરીદ મુદ્દે ભાજપ અને કોગ્રેસ વચ્ચે રાજકારણ ગરમાતુું જાય છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ભાજપે આક્રમક રૂપ ધારણ કરતા કોગ્રેસ અધ્યક્ષને તેમના પદ પરથી દુર કરવા માંગ કરતુ આવેદનપત્ર રાષ્ટ્રપતિને અર્પણ કર્યુ છે. જેમાં આજે નડિયાદ અને આણંદમાં ભાજપના હોદ્દેદારોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

ખેડા જિલ્લા ભાજપના આગેવાનોએ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઇની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોચ્યા હતા. ભાજપ કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી પગપાળા કુચ કરી પહોચેલા ભાજપ કાર્યકરોએ જોરદાર સુત્રોચ્ચાર કર્યા હતા. 'રાહુલ ગાંધી જુઠ્ઠું બોલવાનું બંધ કરો, રાહુલ ગાંધી પદ છોડો' તેવી માંગ ભાજપ કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી અને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. વિધાનસભાના મુખ્ય દંડક સાથે ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નૈનાબેન પટેલ, ખેડા ક્રિકેટ એસો.ના મનિષભાઇ દેસાઇ, સંજયભાઇ પટેલ, પાલિકા પ્રમુખ દિપલબેન પટેલ, ઉપપ્રમુખ પરીન બ્રહ્મભટ્ટ, ભાજપ મહામંત્રી ગોપાલભાઇ શાહ, માતર ધારાસભ્ય કેસરીસિહ સોલંકી સહીતના નેતાઓ, હોદ્ેદારો હાજર રહ્યા હતા.

આણંદમાં રાફેલ મુદ્દે રાહુલ ગાંધી સામે વાણીવિલાસના આક્ષેપ સાથે ભાજપી કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને રાહુલ ગાંધી પદ છોડોના સૂત્રોચ્ચાર કર્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઇ પટેલ, મહામંત્રી સુભાષભાઇ બારોટ, પ્રદેશ ભાજપ મંત્રી રમણભાઇ સોલંકી સહિત હોદ્દેદારો, પાલિકાના સદસ્યો, મોટી સંખ્યામંા કાર્યકરોએ કલેકટર કચેરી પહોંચીને કલેકટર દિલીપ રાણાને આવેદનપત્ર આપ્યું હતું. રાષ્ટ્રપતિને સંબોધીને સોપેલ આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી કે રાફેલ ખરીદ મામલે સુપ્રીમ કોર્ટમાં જે પીટીશન દાખલ કરવામાં આવી હતી, તે જુદા જુદા ચાર પ્રકારની હતી. જેમાં વિમાનની કિંમત, પાર્ટનર, નિર્ણય પ્રક્રિયા જેવા મુદ્દાઓ પર પીટીશન દાખલ કરવામાં આવી હતી. જેના પર ૧૪ ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ જણાવ્યુ હતુ કે આ સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને નિયમોને અનુસાર જ થઇ છે. જેના પરથી કહી શકાય કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ કોઇપણ બાબતને માત્ર શંકાના આધારે કે ભ્રામક સમાચારોના માધ્યમથી કોર્ટમાં પડકારી શકાય નહી. આવેદનપત્રમાં કોર્ટ દ્વારા રજુ કરાયેલ ટીપ્પણીને પણ ટાકવામાં આવી હતી અને જણાવ્યુ હતુ કે રાફેલ સોદાની સમગ્ર કાર્યવાહીને સુપ્રીમ કોેર્ટે સંતોષકારક ગણાવી છે, સમગ્ર ખરીદ પ્રક્રિયામાં કોર્ટને ક્યાય સંદેહ જોવા મળ્યા નથી. ઉપરાંત દેશની સુરક્ષા બાબતના સોદાઓ પર કોઇ વ્યક્તિના અંગત વિચારો શું છે તેનો મદાર રહેતો નથી. વર્ષ ૨૦૦૧માં લડાકુ વિમાન ખરીદવાનો પ્રસ્તાવ આવ્યા બાદ તે સમયની યુપીએ સરકાર દ્વારા સમગ્ર પ્રક્રિયાને સાઇડ કરી દેવામાં આવી હતી. પરંતુ ૨૦૧૪માં નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ સમગ્ર પ્રક્રિયાને પ્રાથમીકતા આપવામાં આવી હતી. અને સનાની મહત્વપુર્ણ જરૂરીયાત સમજીને તે ખરીદ પ્રક્રિયાને વેગ આપવામાં આવ્યો હતો. ભાજપે આક્ષેપ કર્યો હતોકે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ એ વાત સાબિત થઇ ગઇ છેકે કોગ્રેસ અધ્યક્ષ દ્વારા પોતાના અને પાર્ટીના અંગત સ્વાર્થ માટે જ આ પ્રકારે નિવેદનો કરવામા ંઆવ્યા હતા. આ પ્રકારે નિવેદનો કરી તેઓએ દેશની આંતરીક સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો ઉભા કરી દેશની સુરક્ષાને ખતરામાં મુકવાનો ગંભીર અપરાધ કર્યો હતો. જેથી હવે જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરી દેવામાં આવી છે ત્યારે કોગ્રેસ અધ્યક્ષ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપે તેવી માંગ ભાજપ દ્વારા કરવામાં આવી છે.