Sardar Gurjari

રવિવાર, તા. ૩૧ મે, ૨૦૨૦, જેઠ સુદ-૯, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૩૪૩

મુખ્ય સમાચાર :
લીલાંછમ વૃક્ષોથી ઘેરાયેલ માર્ગની ઓળખ મેળવનાર
લીંગડા - ભાલેજ માર્ગ પરના ૬૦૦ ઉપરાંત ઘટાદાર વૃક્ષોનું નિકંદન થશે
ર૯ કરોડના ખર્ચ માર્ગ પહોળો બનાવ્યા બાદ વૃક્ષછેદનની કામગીરી આરંભાઇ
19/12/2018 00:12 AM Send-Mail
વૃક્ષો કાપવા અને વહનનો ૬ર લાખ ખર્ચ થશે
જિલ્લામાં માર્ગ પહોળા કરવાની કામગીરીમાં અવરોધરૂપ વૃક્ષો કાપવાનો તેમજ તેને જે-તે રેન્જના પ્લોટ સુધી વાહનમાં લઇ જવાનો તમામ ખર્ચ માર્ગ-મકાન વિભાગના હસ્તક ભોગવવાનો હોવાનું કાર્યપાાલક ઈજનેર એસ.બી.રાઠોડે જણાવ્યું હતું. જો કે આ વૃક્ષો કાપ્યા બાદ જે-તે પ્લોટમાં પહોચ્યા બાદ ઉચ્ચકક્ષાએથી આદેશ મળ્યા બાદ તેની હરાજી વન વિભાગ દ્વારા કરવામાં આવશે. જેમાં કુલ અંદાજે ૬૨ લાખ ખર્ચ થનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું.

તંત્રની નીતિથી વૃક્ષોની આવકમાં વ્યાપક નુકસાન
૬૦૦ ઉપરાંત વૃક્ષોના લાખો મણ વજનના લાકડાંની હરાજી કરીને વેપારીને સીધુ વેચાણ કરવામાં આવે તો તંત્રને સારી આવક પ્રાપ્ત થઇ શકે છે. પરંતુ વૃક્ષ છેદન બાદ વૃક્ષોને વન વિભાગની રેન્જના જે-તે પ્લોટમાં મૂકી રાખવામાં આવે છે. ઉચ્ચકક્ષાએથી આદેશ ન થાય ત્યા સુધી તેની હરાજી થઇ શકતી નથી. તંત્રની આ પ્રકારની નીતિથી અનેક જગ્યાએ વર્ષો જૂના થડ પડી રહ્યાનું જોવા મળે છે.

વૃક્ષોની દૃષ્ટિએ આણંદ રાજયમાં પ્રથમ સ્થાન ગુમાવશે ?
સમગ્ર રાજ્યમાં આણંદ જિલ્લામાં જંગલ વિસ્તાર શૂન્ય ટકા હોવા છતાં વૃક્ષોની સંખ્યામાં અવ્વલ સ્થાન ધરાવતો આણંદ જિલ્લો દિન-પ્રતિ દિન વૃક્ષોની ઘટતી સંખ્યાને પગલે પોતાનું સ્થાન ગુમાવે તેવી સ્થિતિ થવાની અટકળો વહેતી થઇ છે. અગાઉ નેશનલ હાઇવે આઠ પર વર્ષો જૂના અનેક વૃક્ષો હટાવ્યા બાદ હાલમાં એક પણ નવા વૃક્ષો ઉછેરવામાં આવ્યા નથી. તેવી જ રીતે આણંદ જિલ્લામાંથી પસાર થતા દાંડીમાર્ગને પણ વિકાસના નામે સફાચટ કરી દેવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત આણંદ-તારાપુર હાઇવે પર પણ વૃક્ષો હટાવીને માર્ગનો વિકાસ કરવામાં આવતાં આગામી સમયમાં વર્ષો જૂના ઘટાદાર વૃક્ષોની સંખ્યા ઘટવાની સાથે જિલ્લામાં પણ વૃક્ષોનું પ્રમાણ ઘટતાં સમગ્ર રાજ્યમાંથી આણંદ જિલ્લો પોતાનું સ્થાન ગૂમાવશેની સંભાવના વ્યક્ત થઇ રહી છે.

વિકાસ કામોની અવિરત ગતિના કારણે કયારેક પર્યાવરણ સામે જોખમ સર્જાતું હોય તેવા નિર્ણયો લેવામાં આવતા હોય છે. ભાલેજ-લીંગડા હાઇવે માર્ગ પરના વર્ષોજૂના અડીખમ વૃક્ષો શુદ્વ હવા પૂરી પાડી રહ્યા છે પરંતુ જિલ્લા માર્ગ-મકાન વિભાગ દ્વારા હાથ ધરાયેલ વિકાસ કામોમાં આ વૃક્ષોને હટાવી દેવાની કામગીરી આરંભવામાં આવી છે. આ બાબતે પર્યાવરણવાદીઓમાં ઠેસ પહોંચી છે.

માર્ગોનું ધોવાણ થતું અટકે, વાહનો દ્વારા ધુમાડા દ્વારા ફેકાતા કાર્બનનું પ્રમાણ વાતાવરણમાં વધુ મજબૂત બનાવતાં અટકે તે હેતુથી જિલ્લાના મોટાભાગના હાઇવે માર્ગો પર ફળાઉ, બિન ફળાઉ, ઘટાદાર લીલાછમ વૃક્ષો આગવી ઓળખ બન્યા હતા. જેમાં તારાપુર, ખંભાત, સોજીત્રા, બોરસદ તાલુકામાંથી પસાર થતા માર્ગો પર વનરાજીએ શીતળતા અને હરિયાળીની આગવી ઓખળ ઊભી કરી હતી. જિલ્લાના આ માર્ગો પરથી વૃક્ષોનું પ્રમાણ ઘટી રહ્યાનું જોવા મળી રહ્યું છે.

અગાઉ લીલાંછમ વૃક્ષોથી ઘેરાયેલ માર્ગ તરીકેની ઓળખ મેળવનાર લીંગડા-ડાકોર-નડિયાદને જોડતો માર્ગ પણ હવે ઉજજડ બનવામાં છે. આ માર્ગથી વાહનચાલકોને અવરજવરમાં સરળતા રહે, વિકાસ કાર્યોને વેગવંતા બનાવવા રૂ. ર૯ કરોડના ખર્ચ આ હાઇવે માર્ગ પહોળો કરવાનું આયોજન કરાયું હતું. જે પૂર્ણ થયા બાદ હવે ઉચ્ચકક્ષાએથી આ માર્ગો પરના વૃક્ષોના છેદનની મંજૂરી મળી છે. આથી આણંદ જિલ્લા વન વિભાગની મંજૂરી અને મોનેટરીંગ હેઠળ માર્ગ મકાન વિભાગ દ્વારા આ માર્ગ પરના ૬૦૦થી વધુ તોતિંગ અને ઘટાદાર વૃક્ષોને ધરાશાયી કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા પર્યાવરણવાદીઓમાં રોષની લાગણી વ્યાપી છે.