Sardar Gurjari

ગુરુવાર, તા.૨૦ જૂન, ૨૦૧૯, જયેષ્ઠ વદ ૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૫

મુખ્ય સમાચાર :
વીજ ચોરીને પગલે જોડાણ કપાયું હોય તેવા લોકોને પણ રાહત
ગ્રામ્ય વિસ્તારના ૬૨૫ કરોડના વીજ બિલ સંપૂર્ણ માફ કરતી ગુજરાત સરકાર
અંદાજે સાડા છ લાખ ગ્રાહકોને ‘એક વખતની સંપૂર્ણ માફી’ યોજનાનો લાભ મળશે : કાયમી ધોરણે કાપવામાં આવેલ વીજ જોડાણ માત્ર ૫૦૦ રૂપિયા ચૂકવી ફરીથી ચાલુ કરી અપાશે
19/12/2018 00:12 AM Send-Mail
જસદણ પેટા ચૂંટણી જીતવા સરકારનો માસ્ટર સ્ટ્રોક !
જસદણ બેઠકની પેટા ચૂંટણી જીતવા માટે ભાજપ સરકારે વીજચોરી માફ કરવાની જાહેરાત કરી છે. ઉપરાંત પેટા ચૂંટણીની આચારસંહિતાનો પણ સરેઆમ ભંગ થયો છે. નવાઇ પમાડે તેમ કોંગ્રેસે ભાજપ સરકારની આ જાહેરાતનો કોઇ વિરોધ કર્યો નથી. અને એમ કહ્યું છે કે લોકોને લાભ મળતો હોય અમે તેનો વિરોઘ નહીં કરીએ. જસદણ પેટા ચૂંટણીના મતદાન આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આ નિર્ણય આચારસંહિતાનો ભંગ ન ગણાય એવા સવાલના જવાબમાં ગુજરાત કોંગ્રેસ પ્રવક્તાડૉ.દોશીએ ઉમેર્યું હતું કે, લોકોને લાભ થતો હોય તો અમે આડે આવવાનું પસંદ કરીશું નહીં.

વીજ ચોરી માફી અપૂરતી,તમામ ખેડૂતોના દેવા માફ કરે સરકાર
આ યોજનાની જાહેરાત કરતાં કૉંગ્રેસના નેતાઓનું કહેવું છે કે જસદણની ચૂંટણી ટાણે આવી જાહેરાતો ના કરાય. બીજું કે આ વીજ ચોરી માફી તો અપૂરતી છે. જો સરકાર ખેડૂતોનું હિત ઇચ્છતી હોય તો તેના બધા દેવાં માફ કરવા જોઇએ. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સરકાર બન્યાના ચાર કલાકમાં જ ખેડૂતોના દેવા માફ કર્યા તેમ કરવા જોઇએ.ત્યારે આ બધાની વચ્ચે પ્રશ્ન એ થાય કે જસદણ પેટા ચૂંટણીના મતદાન આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આ નિર્ણય આચારસંહિતાનો ભંગ ન ગણાય?આ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશમાં ખેડૂતોનું દેવું માફ કર્યાં પછી દબાણમાં આવેલી ગુજરાત સરકાર હજુ પણ દેવાં માફી અંગે તો નિર્ણય લઈ શકતી નથી, એટલે હાલ વીજ ચોરી બીલ માફ કરીને દેખાડો કરી રહી છે.

ગુજરાત સરકારે એકાએક ખેડૂતો પર પ્રેમ ઉભરાયો હોય તેમ તેમની પાસેથી અને અન્યો પાસેથી વીજ ચોરી પેટે બાકી નિકળતાં અંદાજે ૬૫૦ કરોડની રકમ માફ કરી છે અને માત્ર ૫૦૦ રૃપિયા ભરીને ઘરવપરાશ, ધંધાકીય અને ખેતીવાડી માટે વીજ જોડાણ મેળવી શક્શે. આવા અંદાજે ૬ લાખ કરતાં વધુ વીજચોરોને તેનો લાભ મળશે.ગ્રામ્ય વિસ્તાર માટે લાલ જાજમ બિછાવતાં ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. મધ્યપ્રદેશ-છત્તીસગઢ અને રાજસ્થાનના પરિણામોના પગલે રૃપાણી સરકારે હાંફળા હાંફળા જાહેર કર્યું - જે ખેડૂત મિતરોં વીજ ચોરીમાં પકડાયા છે અને વીજ જોડાણ કપાયેલું છે તેમણે હવે ચિંતા કરવાની જરૃર નથી. રાજ્યના ઊર્જાપ્રધાન સૌરભ પટેલે આ સંદર્ભે જણાવ્યું છે કે, રાજ્યના અંદાજે સાડા છ લાખ વીજ ગ્રાહકોને '' એક વખતની સંપૂર્ણ માફી યોજના'' નો લાભ મળશે. ઘરવપરાશ, ધંધાકીય તેમજ ખેતીવાડી હેતુના કાયમી ધોરણે કપાયેલા વીજ જોડાણો વાળા વીજ ગ્રાહકો તેમજ હાલના ચાલુ વીજ જોડાણોમાં એક યા બીજા કારણોસર પુરવણી બીલો આપવામાં આવેલા હોય તેવા તમામ વીજ ગ્રાહકોને આ યોજનાનો લાભ મળી શકશે.માત્ર રૃા. ૫૦૦/- જેવી તદન નજીવી રકમ ભરપાઇ કરી, વીજ બીલની રકમ તેમજ તેના વ્યાજની રકમ ભરપાઇ કરવામાંથી મુકિત મેળવી, નવીન વીજળી જોડાણ મેળવી શકશે. રાજ્યના અંદાજે ૬.૨૨ લાખથી વધુ વીજ ગ્રાહકોને આ યોજનાનો લાભ મળશે અને લગભગ રૃા. ૬૨૫ કરોડથી વધુ રકમની માફી રાજય સરકાર આપશે.રાજ્યની ઉત્તર, મધ્ય, દક્ષિણ અને પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના ગ્રામ્ય વિસ્તારના ઘર વપરાશના બી.પી.એલ. તેમજ નોન બી.પી.એલ. ઉપરાંત ખેતીવાડી અને કોમર્શીયલ વીજ જોડાણો ધરાવતા કુલ ૬.૨૨ લાખથી વધુ ગ્રાહકોને રાજય સરકારની આ એક વખતની સંપૂર્ણ માફી યોજના અંતર્ગત માત્ર રૃા. ૫૦૦ ભરવાથી તેમના મૂળ બિલની તથા વ્યાજની તમામ રકમ સંપૂર્ણપણે માફ કરવામાં આવશે.વીજ ગ્રાહકોએ કરારિત વીજભાર કરતાં વધુ વીજભાર જોડેલ હોય કે જેમની સામે જુદા જુદા કારણોસર વીજ ચોરીના કેસ કરવામાં આવેલ હોય તેમજ જે ગ્રાહકો આર્થિક પરિસ્થિતિના કારણે કે અન્ય કોઇપણ કારણસર વીજ બીલના નાણાં ભરપાઇ કરેલા ન હોય તેવા કલમ ૧૨૬ અને ૧૩૫ હેઠળના ગ્રાહકોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. જે વીજ જોડાણો કાયમી ધોરણે બંધ થઇ ગયા છે. તેવા તમામ ગ્રાહકોને ફરીથી વીજ જોડાણ મળી શકશે. એટલું જ નહી, જેમના વીજ જોડાણો કપાઇ ગયેલા છે તેવા તમામ ગ્રાહકો માટે પણ આ યોજનાનો લાભ ઉપલબ્ધ થશે. કાયમી ધોરણે બંધ થયેલા વીજ જોડાણોને ફરીથી ચાલુ કરી આપવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.આ યોજનાને પરિણામે પ્રજાજનોને પોતાના નામે વીજ જોડાણો મળશે. ખેડૂતોને તેમનું વીજ જોડાણ પુનઃ સ્થાપિત થવાથી ચાલુ વર્ષે અપૂરતા વરસાદના કારણે સર્જાયેલ અછતના સમયમાં વીજળી પ્રાપ્ત થતાં સિંચાઇ સુવિધા મળવાથી ખેત ઉત્પાદનમાં વધારો થશે.અત્રે ઉલ્લેખનીય છે કે, ''એક વખતની સંપૂર્ણ માફી યોજના'' નો લાભ તા. ૧૮/૧૨/૨૦૧૮ સુધીના નિર્દિષ્ટ તમામ પ્રકારના વીજ ગ્રાહકોને આપવામાં આવશે અને આ યોજનાનો અમલ તા. ૧૯/૧૨/૨૦૧૮ થી તા. ૨૮/૨/૨૦૧૯ સુધી એટલે કે બે માસ સુધી ચાલુ રહેશે.