Sardar Gurjari

ગુરુવાર, તા.૨૦ જૂન, ૨૦૧૯, જયેષ્ઠ વદ ૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૫

મુખ્ય સમાચાર :
જાડિયો જમાદાર
16/12/2018 00:12 AM Send-Mail
‘અમારા ગામનો જાડિયો જમાદાર ખરો હો!’ ‘જાડિયો જમાદાર’ એક એવું નામ કે જેનાથી ગામ ઓળખાય. એ નામ સાથે એ મુલકનો વાઘરી સમાજ જોડાયેલો. આમ તો એ નામ સાથે એક ઊંટલારી પણ જોડાયેલી. કોઇનો માલસામાન લાવવાનો હોય, કોઇને ઘર બદલવાનું હોય, કોઇને ખેતરમાંથી ઘાસ-પૂળો લાવવાનો હોય કે પછી કોઇનું ઓઇલ અેન્જિન રિપેર કરવા લઇ જવાનું હોય, અરે, કોઇ વેળા-કવેળા માંદું પડી ગયું હોય ત્યારે પણ જાડિયાને કહેવડાવી દેવાનું એટલે જાણે કામ પત્યું!

અમારા ગામમાં વાઘરી કોમનાં આઠ-નવ કુટુમ્બ. બીજા બધા વાઘરીઓ કરતાં જાડિયો જુદો. એમ તો એના કહ્યા પ્રમાણ એણે ધાડ પણ પાડી છે, ધૂણ્યોય છે, સસલાં તેતરેય વીંધ્યાં છે, છાંટોપાણીય કર્યા છે અને નાતની પંચાત પણ... તેમ છતાં અમારા ગામના ઉજળિયાતોમાં એની નામના મહેનતુ-પ્રામાણિક તરીકેની.વાણિયાની ઉઘરાણીનું અનાજ હોય કે મોદીની દુકાનનનો માલસામાન કે પછી કોઇ ખેડૂના ખળાનું અનાજ-જાડિયાની લારીમાં નખાવ્યું એટલે જાણે પહોંચ્યું! જાડિયો ઊંટલારી રાખે. ઊંટલારીમાં લોકોનો માલસામાન વિશ્વાસથી ફેરવે. મજૂરી મળી રહે. મોદીની દુકાનના તેલના ડબ્બા, ગોળના રવા, કેરોસીન, ચોખા-દાળ, પતંગ, ખજૂર, દારૂખાનું કેટકેટલું એની લારીમાં એ ભરી લાવતો! અમેય એની લારીએ લબડતા...દોડતા. શનિવારે નિશાળ વહેલી છૂટી ગઇ હોય અને અમને જાડિયાની લારી ગામમાં જતી મળે. એ ભર્યા ગોદામ પર જાણે શેષનાગની જેમ પડ્યો હોય! જાડિયો ઊંટલારી નહોતો રાખતો ત્યારે સીમમાં આંબા, બોર, જામફળની વાડીઓ રાખતો. અમે કોઇક વાર ચુપચાપ એની વાડીમાં ઘૂસી જઇએ. એકાદ બે વાર પકડાઇ પણ ગયા છીએ. અમે નાનપણથી જાડિયાને ઓળખીએ. એને ચીઢવીએ. ‘જાડિયો જમાદાર, હોકો પીનાદાર હોકો ફૂટી ગયો ને જાડિયો મરી ગ્યો’ જાડિયો સાંભળી ઝાય એટલે કહે ‘નિરાંત થૈ’ અમે હસીએ. આમ તો, એનું મૂળ નામ ડાહ્યો. બધા જાડિયો જ કહેતા. એ મધ પાડવા પણ આવતો. ઝાડ પર ચડી જાય. બીડી સળગાવે ફગફગ ધુમાડો મધપૂરા પડર ફૂંકે... માખો ઊડે... મધપૂડાવાળી ડાળી કાપી નીચે ઊતરે. ડબલામાં નાખે. એણે ઉડાડેલી માખીઓ એકાદ વાર મને ડંખી પણ છે. એનું મધ હથેળીમાં લઇ ચાટ્યું પણ છે. પાછો કહે પણ ખરો : ‘જુઓ હાચું મધ લૂગડા પર ના ચોંટે હોં!’ જાડિયાનો વસ્તાર ઝાઝો. જૂનીના પાંચ ને નવીનાં ચાર બાળકો. પાછી નવી-જૂની બંને આજેય હયાત. એક ડઝન જેટલી કુટુમ્બ સમૃદ્ઘિ જાણે માજાવેલાનો બીજો અવતાર! જૂની લાડુ અને નવી કોન્તા. આ બે સદ્ભાગી સ્ત્રીઓને પણ મેં જોઇ છે-ઓળખું છું. નવી-જૂની ડાહ્યો ત્રણેયને સાથે બીડીઓ પીતાં જોયાં છે, હસતાં જોયાં છે ત્યારે ‘જીવનરથનાં બે પૈડાં’ની વાત મને એમના સંદર્ભમાં ખોટી લાગી છે. જૂની ઘર સાચવે, નવી જાડિયાની સાથે ઊંટલારીમાં હોય. સાંજે લારી ઘરે આવે એટલે જૂનીએ રોટલા ઘડી રાખ્યા હોય, સાથે ખાય. છોકરામાં મોટાં મજૂરી કરે, નાનાં ઉઘાડે ડિલે ફરે. લાડુને ‘મા મા’ કર્યા કરે. નવી કોન્તાને ખબરેય ન પડે કે એનાં છોકરાં શી રીતે મોટાં થાય છે! નવેનવ છોકરાં કોન્તાને નવી કહે અને લાડુને મા કહે. એક વાર નવીનો નાનો દીકરો ભોદો માંદો પડ્યો. બાધા-આખડી દવા-દારૂ ઘણુંય કર્યું. રોગ પરખાય નહિ, ભોદો તો દિવસે દિવસે ઓગળે. કોઇએ કહ્યું ‘ગરો-ગોખરુ લાવી એની ફાકી...’ જૂની લાડુ ભોદા માટે વગડો વેઠે, સવારે નીકળી જાય સાંજે આવે. ગરો-ગોખરુ લાવી, સૂકવી અને વાટીને ફાકીઓ કરાવે. જરૂર પડે આખી રાત જાગે. બધાંએ આશા છોડી દીધેલી તોય લાગુ માને નહિ. લાડુના પ્રત્યને ભોદો બચી ગયેલો, ત્યારથી ગામમાંય લોકો ભોદાને લાડુનો ભોદો ગણે છે. જાડિયાને, એના ઊંટને, નવીને, એના વસ્તારને જૂની સાચવે, રોટલા ખવડાવે. ઘર ચોખ્ખું રાખે. ઊંટને નવડાવે-દાણો ખવડાવે. છોકરાંને બેચાર દાડે નવડાવે. કહે છે કે નવીનાં બધાં છોકરાં જૂનીની છાતીએ દૂધ પીને મોટાં થયા. જૂની છોકરાંની જેમ ઊંટનેય શણગારે, લારીને પૈડે ઘૂઘરીઓ બાંધે, એ ઘૂઘરીઓનો તાલ લારીમાં બેઠેલી નવીના ઉભાર સાથે હાલકડોલક થતો મેં જોયો છે. નવી વટનો કટકો. ઊજળે વાન. રંગીન કપડાનું આકર્ષણ. સિનેમા જોવાનો શોખ, ભજિયાં ખૂબ ભાવે. ઊંટલારીમાં બેસીને જાડિયા જોડે હરેફરે, મજા કરે. કોક વાર લાડુ માંદી હોય ત્યારે વાળુ લેવા આવે. બોલે નહિ, સાથે કોઇ છોકરું હોય એ બૂમ પાડે, નવી વાળુ લઇ લે. માથે ઓઢે ત્યારે ઉજળિયાત જેવી દેખાય. સિનેમાનાં ગીતોની પંક્તિઓ સાચી ખોટી ગણગણ્યા કરે. ગામના ઘણઆ લંપટોની નજર એના પર રહેતી, એ કોઇનેય દાદ ન આપે. જીલુભા દરબારને નાકે દાતરડું માર્યા પછી નવીનું કોઇ નામ ના લે. ‘વાઘરણ નહિ, વાઘણ છે’ એમ પછી ગામમાં એની ધાક બેસી ગયેલી. જાડિયાની સંગાથે ઊંટલારીમાં ડોલતીડોલતી, ઊંઘતીઊંઘતી કડકડતી ઠંડીમાં, આકરા તાપમાં અને વરસાદની હેલીઓમાં એ નિર્ભય રીતે હરેફરે. જાડિયોય ઘણી વાર નવીથી ફફડે, પણ કબૂલે નહિ. એક વખત એવું બનેલું કે અમારા ઘરમાં બાજુના વાડામાંથી આવીને ઘો ઘૂસી ગયેલી. અમે તો થથરીએ. બાપાએ કહ્યું કે જાડિયાને બોલાવો.

હાથમાં ડાંગ લિને ડોલતોડોલતો જાડિયો આવ્યો. અમને બધાંને કહે : ‘ખહી જાઓ તો.’ જાડિયો ઓરડામાં ગયો. ઓરડામાં અંધારું. બાકસમાંથી સળીઓ સળગાવે ને જૂએ. પછી શાંત બેસી ગયો. ખાસ્સી વાર બેઠો. અમને તો જનમારા જેટલુ ંલાગેલું! વધારમાં ડર. બહાર આવીને કહે, ‘જમણી પાની કોઠી પછવાડે લાગ સ.’ ફરી ઓરડામાં જઇ ડાબી તરફના ખૂણામાંની મજૂર, પટારા, દેગડાં, બોઘરણાં બધું બહાર લઇ આવ્યો. ફરી ડાબે ખૂણે હોશિયાર થઇ બેઠો. એની ડાંગથી સહેજ અવાજ કર્યો. હાથ દોઢ હાથ લાંબી ઘો... છક્કા છૂટી જાય. ધબ ધબ અવાજ થયો. ઘડીના છઠ્ઠા ભાગમાં ઘોના રામ રમી ગયા. ‘ઇના અણહારા પરથી માલમ થયું કે એ પેલી પા... પણ આ તો ચંદન ઘો... ના મેલે... ઊડે જબ્બ કરતીક...’ પછી અમારો જીવ હેઠે બેઠેલો. એને દામા આપેલા. બા ચા બનાવતાં હતાં. એ બહાર બેઠો હતો. મહોલ્લાના કોઇકે પૂછ્યું : ‘જાડિયા, બે બૈરાં હું કરવા?’ ‘ચ્યમ એ રાંધે ને બીજી ચાકરી કરે,’ એ હસી પડેલો. પછી હળવેથી બોલેલો : ‘ભયા, મૂંયે અમારી નાતમાં પંચાત્યો હતો-પંચાત કરવા જતાં, પંચાત અવળી પડી બીજું હું?’ ‘એટલે?’ કોઇકે પૂછ્યું. ‘મીં છોરીનાં માવતરને વચન આલેલું કે તમારી છોરી મારામાં... અતારે તમે બાવળા ગોમવાળાને કરી દ્યો છુટ્ટો.’ ‘પછી?’ ‘પછી હું થાય બીજું? પેલો છૂટો થઇ જ્યો અને એ છોરી મારા મોથે પડી-મને ઇમ હતું કે મું ચ્યોંક વળાઇ દ્યે, મારો ભતરીજો ઇમ તો વાંઢો જ હતો પણ ના મોંન્યો! ‘એટલે તમે લાવી દીધી?’ મેં પૂછ્યું હતું. ‘હૌ, વચનનો સવાલ... ખાશે, પીશે ને કોમ કરશે.’ આવો બીજી બૈરી વિશેનો એનો ખુલાસો સાંભળીને ત્યારે તો હું હસી પડેલો, પણ અત્યારે એની ગંભીરતા સમજાય છે. ધોધમાર વરસાદ હોય કે કડકડતી ઠંડી, જાડિયાની ઊંટલારીમાં નવી તો હોય જ. ઘણી વાર જાડિયો લારીમાં ઊંઘે ત્યારે નવી ઊંટ હાંકે. હાથને માથે મેલી, રૂમાલ મોઢે નાખી લારીમાં માલસામાન પર જાડિયાને ઊંઘતોય મેં જોયો છે. એ જાડિયો ક્યારેક આંબા રાખે, ક્યારેક બોરડીઓ રાખે. સિઝનનો માલ ઉતારી લે. હિસાબ કરતાં મોટે ભાગે ખોટમાં ગયો હોય તોય એના હિસાબમાં એ ચોખ્ખો. અડધી ચા. દેશી બીડી અને રોજ સાંજે અર્ધી બોટલ આ એનાં વ્યસન. દારૂ દીકરી લાવી આપે, કોક વાર જૂની લાવી આપે. નવી જોડે બેસીને પીવડાવે. એ પીએ ત્યારે જ સૂએ. છાંટોપાણી કર્યા વગર એને રાતે ઊંઘ જ ના આવે. ‘પીવાનો એટલે પીવાનો. થોડોય જોઇએ તો ખરો.’ આમ બોલે. એક વાર મેં નવીને કહેલું : ‘તારો જાડિયો આમ તો બધી રીતે સારો, પણ આ પીવાનું?’ ‘એ તો હોય, ઇમાં હુ થૈ જ્યું... એ તો આદમીનો અમલ કેવાય. બીજાઓની જીમ કોંય તોફાનમસ્તી થોડાં કરં સં?’ એમ તો મેંય સીધો પ્રશ્ન જાડિયાને કરેલો : ‘પીવાનું કોઇ કારણ?’ ‘કટેવ એક જાતની. બીજું હું? ભયા, મું તો દવા જેટલો લૌં સુંં. શરીર નરવું રહે. બીજું હું!’ એનો એક છોકરો શકરો દાતણ વેચે. આત્યો ઇંડા વેચે. બીજા બે મજૂરીએ જાય. જૂનીની મોટી દીકરીને વળાવી ત્યારે લોકો કહે છે કે નવીએ એના કાનની બૂટ્ટી એને આપેલી. એક વાર અમારા ખેતરમાં ઊંટલારી લઇને લીમડો પાડવા આવેલો. ખૂબ કસાયેલો બાંધો. ઓજસ્વી ચહેરો. બદન પર કાળા વાળ, કાળો વાન, ઓછાં કપડાં અને ટટ્ટાર શરી- આ એની આકૃતિ. અંદરથી તો જાણે અનાસક્ત! ત્યારે મેં પૂછેલું : આ જંજાળને શું ખવડાવે છે? ‘ઉપરવાળો આપે એ,’ એમ એ બોલેલો. ‘બે જણીઓ ઝઘડે ખરી?’ ‘એ તો એવું છ ન... બે અજોણ્યાં કૂતરાં ભેગો થાય તો થોડું ભહુઅ-પસી બધું રાગે પડી જાય...’ અમારી વાતો ચાલતી હતી ત્યાં બીજા ખેતરમાંથી બૂમ આવી. ચીસ જેવી- ‘ઓ બાપ... રે!’ અમે દોડ્યા. જઇને જોયું તો નાનજી ઠાકોરને સાપ કરડેલો. ગામ ભેગું થઇ ગયું. ભૂવોય આવી ગયો. ‘ગોગા બાપા, ગોગા ‘મહારાજ,’ થતું રહ્યું. જાડિયો ઊંટલારી એ ખેતરમાં લઇ આવ્યો. ‘નોહી દ્યો લારીમાં’ ‘ક્યાં લઇ જશો?’ ‘લેંબોદરે દવાખોને ચ્યમ!’ ‘પણ ગોગાની બાધા...’ ‘ભૈ ગોગા બાપા હારુ કરજો. બાધા બધુંય હાચું. બધું કબૂલ પણ મહારાજ ચ્યોં લઇ જવાની ના પાડે સ્ય? આખરે ઇમની રજા લઇનં જવાનું.’ ટોળાની કોઇની ઇચ્છા નહિ. ફક્ત મારી અને જાડિયાની ઇચ્છાથી નાનજીને દવાખાને લઇ જવાયો. જાડિયાએ કંઇ ઊંટ દોડાવેલો! ફટ કરતોકને દવાખાને! ડોક્ટરે કહ્યું હતું : ‘થોડુંક મોડું થયું હોત તો ઝેર...’ હું જાડિયા સામે, જાડિયો મારી સામે જોતા જ રહ્યા. આજેય નાનજી ઠાકોરને જોઉં છું ત્યારે મને અનાયાસે જાડિયો યાદ આવે છે. જાડિયો લારી ચલાવતો હોય, છોકરાં સાથે વાતે ચડ્યો હોય, મધ પાડતો હોય, લીમડો પાડતો હોય, મૂછે વળ દેતો હોય, નવી-જૂની જોડે બીડી પીતો હોય, છાંટો-પાણી કરતો હોય, નાતની પંચાત કરતો હોય, મહાલતો હોય, ઘો કાઢતો હોય, ડાકલું વગાડતો હોય, ગાતો હોય-કેટકેટલી મુદ્રાઓમાં મેં એને જોયો છે! એના સંયુક્ત કુટુમ્બનું જબરદસ્ત આકર્ષણ મને રહ્યું છે. એ બધાંનાં મન સાચવે... બધાં માટે કંઇનું કંઇ લાવે, રાજી રાખે,રાજી રહે. રાજીપો જ જાણે એની મૂડી. આજેય એના એ જ ઘરમાં એનો વસ્તાર અને એ મોજથી રહે છે. હવે તો બાપ, દીકરો, દીકરાની વહુ, એનોય દીકરો અને પાછાં પેલાં લાડુ-કોન્તા તો ખરાં જ-બધાં એક બીડીમાં એકેક ફૂંક મારીને એવી તો લિજ્જત માણે છે! મને તો એમ કહેવાનું મન થાય છે એકલા સુંદરમે જ કાંઇ માજા વેલાને જોયો હોય એવું નથી, મારાય ગામમાં જાડિયો વાઘરી જાણે બીજો માજો વેલો!