Sardar Gurjari

ગુરુવાર, તા.૨૦ જૂન, ૨૦૧૯, જયેષ્ઠ વદ ૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૫

મુખ્ય સમાચાર :
શિયાળામાં માજુલી ટાપુ ફરી આવો...
વિશ્વના સૌથી મોટા નદી ટાપુનો દરજ્જો પ્રાપ્ત અને બ્રહ્મપુત્ર નદીની વચ્ચે ૮૭૫ વર્ગ કિ.મી.ના ક્ષેત્રફળમાં ફેલાયેલ આ ગુમનામ ટાપુનું નામ છે-માજુલી...
16/12/2018 00:12 AM Send-Mail
આજે અમે એક એવા ટાપુ અંગે જણાવવા જઇ રહ્યાં છીએ જેને વિશ્વના સૌથી મોટા નદી ટાપુનો દરજ્જો પ્રાપ્ત છે. બ્રહ્મપુત્ર નદીની વચ્ચે ૮૭૫ વર્ગ કિમીના ક્ષેત્રફળમાં ફેલાયેલ આ ગુમનામ ટાપુનું નામ છે માજુલી. ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવી ચૂકેલા આ એક માત્ર નદી ટાપુને જોવા માટે દેશ-વિદેશથી હજારો સહેલાણીઓ રોજ આસામ આવે છે. આવો જાણીએ નદી ટાપુ પર્યટનની દૃષ્ટિએ તમને કઇ રીતે રોમાંચિત અને આનંદિત કરી શકે છે.

આસામનું મુખ્ય પર્યટન સ્થળ બ્રહ્મપુત્ર નદીની સુંદરમાં ચાર ચાંદ લગાવનાર માજુલી ટાપુ આસામના મુખ્ય પર્યટન સ્થળો પૈકી એક છે. આ ટાપુની વિશેષતાઓને જોતા તેને પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા સ્થળ તરીકે ચિન્હિન કરવામાં આવ્યું છે. આસામની ઐતિહાસિક સંસ્કૃતિને જીવંત રૂપ પ્રદાન કરનાર આ ટાપુ સહેલાણીઓ વચ્ચે અત્યંત લોકપ્રિય બની રહ્યું છે. અહીં સહેલાણીઓ કુદરતી સુંદરતાની સાથે-સાથે દર વર્ષે અહીં આવતા પ્રવાસી પક્ષીઓને જોવા માટે ખેંચાઇ આવે છે. સવારથી લઇને મોડી સાંજ સુધી અહીં સહેલાણીઓની મોટી ભીડ રહે છે. નેચર લવર્સ અને ફોટોગ્રાફીના શોખીનો માટે આ એક પરફેક્ટ પ્લેસ છે. આ સાથે જ સહેલાણીઓ અહીં પ્રાચીન અસમીયા કલાકૃતિઓ, અસ્ત્ર-શસ્ત્ર, વસ્ત્ર-આભૂષણ અને હસ્તશિલ્પના વિશેષ સંકલનને સરળતાથી જોઇ શકે છે. તેંગાપાનિયા અનેક વર્ગ કિલોમીટરમાં ફેલાયેલ આ વિશાળ નદી ટાપુ પર અનેક દાર્શનિક સ્થળો આવેલા છે. માજુલની મનમોહક આબોહવાનો આનંદ માણવા માટે તમે અહીંના વિભિન્ન સ્થળોનું ભ્રમણ કરી શકો છો. અહીં આવેલા તેંગાપાનિયા બ્રહ્મપુત્ર નદીની નજીક સ્થિત છે જેને એક અત્યંત લોકપ્રિય પિકનિક સ્પોટ માનવામાં આવે છે. તેંગાપાનિયાની બનાવટ અને અહીંની વાસ્તુકળાને સ્વર્ણ મંદિરની રચના સાથે હળતુ-મળતુ સ્વરૂપ આપવામાં આવ્યું છે જેને ‘અહોમ વાસ્તુકળા’નું એક ઉલ્લેખનીય ઉદાહરણ માનવામાં આવે છે. તેંગાપાનિયાના ચોતરફ સ્થાપિત કરાયેલા સ્તંભો અને મૂર્તિઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. નદીની નજીક હોવાથી આ સ્થળ અત્યંત શાંત અને સુંદર છે. અહીંથી બ્રહ્મપુત્ર નદીના મનોરમ દૃશ્યો જોઇ શકાય છે.

અન્ય જોવાલાયક સ્થળો ટાપુ પર આવેલ ‘કમલાબારી સત્ર’ સંસ્કૃતિ, સાહિત્ય, કળા અને સંગીતને લગતી તમામ વસ્તુઓનું કેન્દ્ર સ્થળ છે. અહીં દીવાલો અને છત પર રચવામાં આવેલી જટિલ ડિઝાઇન પણ એટલી જ આકર્ષક લાગે છે જેટલી તે પહેલા હતી. આ ઉપરાંત અહીં દખનપત સત્રના નામે એક જાણીતુ સ્મારક પણ છે જેને પોતાના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ માટે જાણવામાં આવે છે. આ ઉપરાંત અહીં આવેલ સામાગુરી ગરમૂઢ, આઉનીઆટી, બેંગનાઆટી સત્રોની મુલાકાત પણ લઇ શકાય છે. જો તમે અસમિયા વાસ્તુકળા, સંસ્કૃતિને નજીકથી જાણવા માંગો છો તો આ સ્થળોની મુલાકાત અવશ્ય લો. ઐતિહાસિક મહત્વ જો તમે ઉત્તર-પૂર્વી સંસ્કૃતિને ઊંડાણથી સમજવા માંગતા હોવ તો એક વખત આ નદી ટાપુ પર થોડો સમય અવશ્ય પસાર કરી આવો. માજુલી લાંબા સમયથી વિભિન્ન જાતિ-જનજાતિઓનું ભરણપોષણ કરતું આવી રહ્યું છે. અહીંના સ્થાનિક લોકોની વચ્ચે સમય પસાર કરીને તમે અહીંની લોકકળાઓ, રહેણીકરણીને સમજી શકો છો. આ સ્થળ ‘એન્થ્રપાલજી’ના વિદ્યાર્થીઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. સહેલાણીઓ ઉપરાંત અહીં ખાસ કરીને દેશ-વિદેશમાંથી અનેક સંશોધકો પોતાના બૌદ્ઘિક વિસ્તાર માટે આવતા રહે છે. આ ટાપુને આસામની સાંસ્કૃતિક રાજધાની પણ કહેવામાં આવે છે. ક્યારે જવું જળવાયુની દૃષ્ટિએ તમે આ નદી ટાપુની યાત્રા ઓક્ટોબરથી માર્ચ દરમિયાન કરી શકો છો. ઉપ-ઉષ્મકટિબંધીય મોનસૂન જળવાયુને પગલે આ સ્થળ ઉનાળામાં અત્યાધિક ગરમ રહે છે. ચોમાસામાં અહીં જવાનું જોખમી હોઇ શકે છે કારણ કે આ દરમિયાન બ્રહ્મપુત્ર નદીનો વહેણ ધસમસતો હોય છે જેનાથી પૂરની સંભાવના ઘણી વધી જાય છે. સુવિધાજનક અને આનંદિત યાત્રા માટે તમે અહીં શિયાળામાં જઇ શકો છો. આ ઋતુમાં વાતાવરણ અત્યંત શાંત અને સોહામણુ રહે છે. આ સાથે જ અહીં જનજાતિય તહેવારોનું આયોજન પણ કરવામાં આવે છે. કઇ રીતે જવું આસામની સાંસ્કૃતિક રાજધાની મંજોલી ગૌહાટીથી લગભગ ૩૦૦ કિ.મી. દૂર છે. ટાપુની નજીકનું શહેર અને એરપોર્ટ જોરહાટ છે. માજુલી સુધી પહોંચવા માટે તમે ગૌહાટીના માર્ગે જોરહાટ આવી શકો છો જ્યાંથી માજુલી માત્ર ૨૦ કિ.મી. દૂર છે. જોરહાટથી તમે બસ કે ટેક્સીનો સહારો લઇ શકો છો. તમે હવાઇ માર્ગ ઉપરાંત ટ્રેનથી પણ પહોંચી શકાય છે. ગૌહાટીનો રેલવે માર્ગ કોલકાતા શહેર સાથે જોડાયેલ છે. માજુલી ટાપુ સુધી પહોંચવા માટે નદી પાસે હોટ-સ્ટીમરની વ્યવસ્થા કરાઇ છે.