Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૫ નવેમ્બર, ૨૦૧૮, કારતક સુદ ૭, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક - ૧૪૮

મુખ્ય સમાચાર :
પરત ખેંચી ગયેલ ટ્રેકટર અથવા ૩.ર૩ લાખ ચૂકવવા બેંકને ગ્રાહક કોર્ટનો હુકમ
પેનલ્ટી સહિત રકમ મેળવ્યા બાદ બેંકે વ્યાજની માંગણી કરીને ભૂતિયાના લોનધારકનું ટ્રેકટર ખેંચી ગયા હતા
22/10/2018 00:10 AM Send-Mail
ખેતીના વ્યવસાય સાથે જોડાયેલ ખેડૂતો ખેતી ઓજારો માટે સરકાર સહિત બેંકની વિવિધ લોન દ્વારા આપૂર્તિ કરતા હોય છે. જેમાં કયારેક લોનનો હપ્તો ભરપાઇ ન થાય તેવા સંજોગોમાં પેનલ્ટી ચૂકવવી પડતી હોય છે. કપડવંજ તાલુકાના ભૂતિયા ગામના ખેડૂતે ટ્રેકટર લોનના બાકી હપ્તા પેટે બેંક દ્વારા ટ્રેકટર ખેંચી જવાયું હતું. ખેડૂતે પેનલ્ટી સહિત રકમ ચૂકવ્યા બાદ બેંકે વ્યાજની રકમની માંગણી કરીને ટ્રેકટર પરત આપ્યું ન હતું. આથી ખેડૂતે આણંદ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં બંને તરફેના દસ્તાવેજી પુરાવા સહિતની બાબતોને ધ્યાને લઇને કોર્ટે ખેડૂતને ટ્રેકટર પરત આપવા અથવા ટ્રેકટરની ખરીદ કિંમત વ્યાજ સહિત પરત ચૂકવવા બેંકને હુકમ કર્યો હતો.

પ્રાપ્ત વિગતોમાં ભૂતિયા ગામના દલપતસિંહ ઝાલાએ વિદ્યાનગરની કોટક મહિન્દ્રા બેંક લિ.માંથી ખેતીવિષયક હેતુ માટે લોનની વાતચીત કરી હતી. બાદમાં તેઓએ કઠલાલના શોરૂમમાંથી ટ્રેકટર ખરીદયું હતું. જેમાં તેઓએ બેંકને જરુરી દસ્તાવેજો, બાનાપેટે રૂ. પ હજાર, ડાઉન પેમેન્ટ રૂ. ૧.૧૦ લાખ ચૂકવ્યા હતા. તેઓએ ટ્રેકટર ધિરાણ પેટે બેંક પાસેથી રૂ. ર.૯૭ લાખ લીધા હતા. જેઓના લોન ખાતામાં તેઓએ લોનની રકમ વર્ષ ર૦૧૭ સુધીમાં રૂ.૪૭૦૪૩ લેખે ૧૦ હપ્તામાં ચૂકતે કરવાની હતી.

જો કે લોનધારક ખેડૂતે શરુઆતના બે હપ્તા સમયસર ચૂકવ્યા બાદ નાણાંની વ્યવસ્થા ન થતા બીજા હપ્તા ચૂકવ્યા ન હતા. આથી ગત તા. ૧૦ જાન્યુ.ર૦૧૪ના રોજ બેંક દ્વારા ટ્રેકટર કબજે લેવાયું હતું અને લોનધારકને પેનલ્ટી સાથે રૂ. ૬પપ૦૦ ભરપાઇ કરવા જણાવ્યું હતું. જે રકમ ભરપાઇ કરવા છતાંયે બેંક દ્વારા ટ્રેકટર પરત અપાયું ન હતું અને રૂ.૬પ૦૦ વ્યાજની રકમ બાકી હોવાનું જણાવ્યું હતું. જો કે લોનધારકે તે રકમ સહિત વધુ એક હપ્તાની રકમ ભરવા છતાંયે બેંક દ્વારા ટ્રેકટર પરત ન અપાતા આણંદ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં કોર્ટ દ્વારા રજીસ્ટર્ડ એડીથી નોટિસ મોકલવા છતાંયે બેંક તરફે કોઇ હાજર રહયું ન હતું. આથી કોર્ટે ફરિયાદીએ રજૂ કરેલ દસ્તાવેજી પુરાવા વગેરે ધ્યાને બેંક દ્વારા ફરિયાદની તમામ હકીકતો સર્વાશે સ્વીકારી લીધા હોવાનું અનુમાન કર્યુ હતું અને હુકમ કર્યો હતો. જેમાં બેંક દ્વારા ખેંચી જવાયેલ ટ્રેકટર ફરિયાદી દલપતસિંહ ઝાલાને પરત આપવું અથવા ટ્રેકટરની ખરીદ કિંમત રૂ. ૩ર૩૧ર૯ ફરિયાદ દાખલ કર્યા તારીખથી રકમ વસૂલ થતાં સુધી વાર્ષિક ૯ ટકાના વ્યાજ સહિત ચૂકવવા, માનસિક ત્રાસના રૂ. ર હજાર તેમજ ફરિયાદ ખર્ચના રૂ. ૧ હજાર ચૂકવવા હુકમ કર્યો હતો.