Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૫ નવેમ્બર, ૨૦૧૮, કારતક સુદ ૭, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક - ૧૪૮

મુખ્ય સમાચાર :
પ્રેમલગ્નના મુદ્દે ચાલી રહેલી તકરારમાં
સૈયદપુરામાં બે જુથો વચ્ચે હિંસક અથડામણ : ૧૦થી વધુ ઘાયલ
પંચાયત પાસે બન્ને પક્ષો લાકડી, ધારીયા જેવા હથિયારો સાથે તુટી પડ્યા ભારે પથ્થરમારો કરાતા ગામમાં દહેશતનું વાતાવરણ
22/10/2018 00:10 AM Send-Mail
ઉમરેઠ તાલુકાના સૈયદપુરા ગામે આજે સાંજના સુમારે પ્રેમલગ્નની અદાવતમાં એક જ કોમના બે જુથો વચ્ચે હિંસક અથડામણ થતાં ૧૦થી વધુને ઈજાઓ થવા પામી હતી જેમાંથી ગંભીર રીતે ઘવાયેલાઓને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા. આ અંગે ભાલેજ પોલીસ દ્વારા બન્ને પક્ષોની ફરિયાદો લેવાની કાર્યવાહી હાથ ઘરાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર દોઢેક વર્ષ પહેલાં એક દરબારના છોકરાએ પટેલની છોકરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારથી બન્ને પક્ષો વચ્ચે ચડભડ ચાલતી હતી. દરમ્યાન આજે સાંજના સાતેક વાગ્યાના સુમારે પંચાયત પાસે આ મુદ્દે જ બન્ને પક્ષો વચ્ચે તકરાર થઈ હતી. અને જોતજોતામાં જ બન્ને પક્ષો ધારીયા, લાકડીઓ જેવા હથિયારો લઈને આવી પહોંચ્યા હતા અને મારમારી પર ઉતરી પડતાં દશથી વધુને ઈજાઓ થવા પામી હતી. ત્યારબાદ બન્ને પક્ષો પથ્થરમારા ઉપર ઉતરી આવ્યા હતા. જેને લઈને ગામમાં દહેશતનું વાતાવરણ છવાઈ જવા પામ્યું હતુ.

ઘટનાની જાણ ભાલેજ પોલીસને થતાં જ પોલીસ પણ તુરંત જ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી પરંતુ ટોળુ બેકાબુ હોય આસપાસના પોલીસ મથકોનો કાફલો, એલસીબી, એસઓજી, સહિતના પોલીસ સ્ટાફને બોલાવવામાં આવતાં તેઓ તુરંત જ સૈયદપુરા પહોંચી ગયો હતો અને બન્ને પક્ષોને વિખેરી નાંખ્યા હતા. મારામારીમાં ગંભીર રીતે ઘવાયેલાઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘવાયેલાઓમાં રીકેશભાઈ વિનોદભાઈ પટેલ, નીકેશભાઈ ગોવિંદભાઈ પટેલ, મહેન્દ્રભાઈ, ધ્રુવીકાબેન, વિલાસબેન વગેરેનો સમાવેશ થાય છે. આ ઘટનાના કોઈ ઘેરા પ્રત્યાઘાતો ના પડે તે માટે સમગ્ર સૈયદપુરા ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. ઘટના સંદર્ભે ભાલેજના પીએસઆઈ આર. એન. ખાંટે જણાવ્યું હતુ કે પ્રેમલગ્નને લઈને બન્ને પક્ષો વચ્ચે નાના-મોટા ઝઘડા થતા હતા પરંતુ આજે વાત જુથ અથડામણ સુધી પહોંચી જવા પામી છે. પોલીસ દ્વારા બન્ને પક્ષોની ફરિયાદો લેવાની તજવીજ હાથ ધરાઈ છે સાથે સાથે તોફાનીઓને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામા આવ્યા છે.