Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૫ નવેમ્બર, ૨૦૧૮, કારતક સુદ ૭, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક - ૧૪૮

મુખ્ય સમાચાર :
૧૩ વર્ષ અગાઉ ખેડૂતોને રાહતદરે ખાતર ઉપલબ્ધ કરાવવા માટે
આંકલાવ-કોસીન્દ્રા માર્ગ પર બનાવાયેલ વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ ખુદ ઉકરડાના રૂપમાં ફેરવાયો !
પાલિકાની ૬૦ ગુંઠા જમીન પર ગુજરાત અર્બન ડેવલપમેન્ટ હાઉસીંગ એસો. દ્વારા પ્લાન્ટ બનાવાયો હતો
22/10/2018 00:10 AM Send-Mail
રાજય સરકારને રજૂઆત છતાંયે કોઇ નિરાકરણ નહીં : પાલિકા સૂત્રો
આંકલાવ-કોસીન્દ્રા માર્ગ પરના બંધ પડેલા વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ અંગે પાલિકાના અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, જિલ્લામાં દરેક પાલિકામાં આવા વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ તૈયાર કરાયા હતા. જેમાં આંકલાવ અને બોરસદમાં પ્લાન્ટ બંધ હાલતમાં છે. આ અંગે અમે રાજય સરકારમાં રજૂઆતો કરી હતી. જેમાં પ્લાન્ટ સત્વરે પુન: ધમધમતો કરાય તો પંથકના ખેડૂતોને કીફાયતી ભાવે ખાતર ઉપલબ્ધ થઇ શકે તેમ છે. જોકે આજદિન સુધી આ દિશામાં રાજય સરકાર તરફથી કોઇ હકારાત્મક પ્રત્યુતર સાંપડયો ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આણંદ જિલ્લાના આંકલાવ-કોસીન્દ્રા માર્ગ પર વર્ષ ર૦૦પમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ હાઉસીંગ એસોસીએશન, નગરનિયામક દ્વારા વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાનો પ્લાન્ટ શરૂ કરાયો હતો. આ પ્લાન્ટમાંથી ઉત્પાદન થતા ખાતરનો ખેડૂતોને નજીવા દરે, રાહતદરે લાભ મળી શકે તે હેતુસર પ્લાન્ટનું વિધિવત ઉદ્દઘાટન કરાયું હતું. શરૂઆતનો થોડો સમય પ્લાન્ટ રાબેતા મુજબ ચાલ્યો હતો. પરંતુ બાદના સમયમાં પ્લાન્ટ કાર્યરત રાખવાની દિશામાં કોઇ ધ્યાન આપવામાં ન આવતા પ્લાન્ટ ખુદ ઉકરડાના સ્વરૂપમાં ફેરવાઇ ગયાનું જોવા મળે છે.

આંકલાવ નગરપાલિકા દ્વારા વર્ષ ર૦૦૩માં ઠરાવ પસાર કરાયો હતો. ઠરાવમાં પાલિકાની રોડ ટચ ૬૦ ગુંઠા જમીનની તત્કાલિન કલેકટરે કમ્પોસ્ટ ખાતરનો પ્લાન્ટ ઉભો કરવા કરેલ માંગણીની મંજૂરી આપવામાં આવી હતી. વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાનો પ્લાન્ટ ગુજરાત રાજય ડેવલપમેન્ટ હાઉસીંગ એસો. (ગૌડા) અને નગરપાલિકા નિયામક હસ્તક કાર્યરત કરવા જમીન ફાળવાઇ હતી. લાખો રૂપિયાના ખર્ચ ઊભો કરાયેલ પ્લાન્ટ થોડો સમય કાર્યરત રહ્યા બાદ ખંડેર, કચરાના ઢગમાં ફેરવાઇ જવા પામ્યો હતો.

આ પ્લાન્ટમાં આંકલાવ પાલિકાના સફાઇ કર્મીઓ દ્વારા શહેરમાંથી ઉઘરાવાતા કચરાને ઠાલવવામાં આવતો હતો. આ પ્લાન્ટમાં બે શેડ તૈયાર કરાયા હતા. જેમાં કચરો અને તેની સાથે અળસિયા નાંખીને વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવતું હતું. શરૂઆતના એક વર્ષ દરમયાન પ્લાન્ટ કાર્યરત રહ્યો હતો. બાદમાં કોઇ કારણોસર તેને ગ્રહણ લાગતા પ્લાન્ટ ધૂળ ખાતી હાલતમાં ફેરવાયો હતો. વર્મી કમ્પોસ્ટ ખાતર ખેડૂતોને ઓછા ખર્ચ ઉપલબ્ધ થવા સાથે તે પાક માટે ઘણું ઉપયોગી હોવાથી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પ્લાન્ટ શરૂ કરાયો હતો. આંકલાવ પંથકના ખેડૂતોએ જણાવ્યું હતું કે, રાજય સરકાર ફરીથી આ પ્લાન્ટ શરૂ કરે તો અમને, ખેડૂતોને નજીવા દરે ખાતર ઉપલબ્ધ થઇ શકે તેમ છે. પરંતુ મોટાઉપાડે શરૂ કરાયેલ પ્લાન્ટને ખંભાતી તાળા લગાવી દેવાયા છે. આ અંગે જાગૃત ખેડૂતો દ્વારા પાલિકા અને કલેકટર કચેરીએ મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવા છતાંયે શૂન્ય પરિણામ જોવા મળી રહ્યું છે.