Sardar Gurjari

બુધવાર, તા. ૨૪ એપ્રિલ, ૨૦૧૯, ચૈત્ર વદ ૫, વિ.સં. ૨૦૭૫, વર્ષ-૧૮, અંક-૩૦૫

મુખ્ય સમાચાર :
વાહ રે તંત્ર... સામરખા ચોકડીથી લીંગડા સુધીના ૧૭ કિ.મી.ના ફોરલેન માર્ગમાં
સાઇડો પર વૃક્ષો યથાવત રાખીને ડામરકામ કર્યા બાદ હવે વૃક્ષ કાપવાની મંજૂરી મંગાશે !
ર૬.૪૯ કરોડના ખર્ચના માર્ગમાં સાઇડો પરના વૃક્ષો વાહનચાલકો માટે મુસીબત સર્જશે : હવે વૃક્ષ કાપવાની કામગીરી હાથ ધરાતા નવો ડામર રોડ તૂટવા સાથે પૈસાનું પાણી...
22/10/2018 00:10 AM Send-Mail
ખોદકામ કર્યા બાદ ડામર માર્ગ પર વૃક્ષો અકબંધ
૧૭ કિ.મી. અંતરના માર્ગની બંને સાઈડોએ ખોદકામ કરીને વૃક્ષછેદન કર્યા વિના જ ડામરકામ કરીને માર્ગ પાકો બનાવી દેવાયો છે. ઘટાદાર વૃક્ષોના થડ વાહનચાલકો માટે અવરોધરૂપ બને તેવી ભીતિ અત્યારથી જ સેવાઇ રહી છે. આથી વાહન ચાલકો માટે માર્ગની સાઈડો શોભાના ગાંઠિયા સમાન જ હાલમાં બનવા પામી છે.જરૂરી મંજૂરી મેળવ્યા બાદ વૃક્ષો હટાવીને માર્ગ બનાવવામાં આવ્યો હોત તો વાહનચાલકોને સુગમતાની સાથે તંત્ર દ્વારા કરાતો કરોડોનો ખર્ચ લેખે લાગી શકત. હવે જયારે વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરાશે ત્યારે ડામર માર્ગને નુકસાનની સાથે માર્ગના સમારકામ માટે પુન: તંત્રને લાખોનો ખર્ચ કરવો પડશેની અટકળો અસ્થાને નથી.

વન વિભાગની મંજૂરી બાદ વૃક્ષોની હરાજી કરાશે : માર્ગ મકાન વિભાગ
આણંદ જિલ્લા માર્ગ - મકાન વિભાગના નાયબ કા. ઈ. એચ.ડી. રાઠોડે આ અંગે જણાવ્યું હતું કે, આ માર્ગને બંને સાઈડોએ આવેલા લીલા વૃક્ષો અંગે વન વિભાગ દ્વારા પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાં હોઈ તે અંગેની મંજૂરી ભોપાલથી લઈને વૃક્ષોની હરાજી કરીને હટાવવાનું આયોજન છે. કેનાલ પર પુુલ બનાવવાનું કામ સિંચાઈ વિભાગનું છે. જે માટે તેઓને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આ અંગે કોઈ કામગીરી કરવામાં ન આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

નાળાની બાજુમાં પુલ અંગે તપાસ કરાવીશું : સિંચાઈ વિભાગ
સામરખા કેનાલ પર ફોર લેન માર્ગની સુવિધા માટે સાંકડા નાળાની બાજુમાં અન્ય પુલ બનાવવા માટે કોઈ રજૂઆત મળી છે કે કેમ તે અંગે ચોક્કસ માહિતી ન હોવાનું સિંચાઈ વિભાગના અધિકારી જે.એસ. ગામીતે જણાવ્યું હતું. જો કે આ દરખાસ્ત અંગે તપાસ કરાવીશું તેમ તેઓએ ઉમેર્યુ હતું.

વાહન ચાલકોને અવર-જવરમાં સરળતા રહે, અકસ્માતનું પ્રમાણ ઘટે તેમજ ટ્રાફિક સમસ્યા હળવી બને તે હેતુથી આણંદ જિલ્લા માર્ગ - મકાન વિભાગ દ્વારા સામરખા ચોકડીથી લીંગડા સુધી ડાકોર - નડિયાદ હાઈવેને જોડતો અંદાજે ૧૭ કિ.મી. અંતરનો માર્ગ ફોર લેન બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. અંદાજે ૨૬.૪૯ કરોડના ખર્ચે માર્ગ તૈયાર થઈ રહ્યો છે. પરંતુ ચોકકસ આયોજન વિના તંત્ર દ્વારા કરાતો કરોડોનો ખર્ચ વ્યર્થ જશેની ચર્ચા વાહનચાલકોમાંથી સાંભળવા મળી રહી છે.

સામરખા ચોકડીથી નડિયાદ - ડાકોર હાઈવે લીંગડા સુધીના દ્વિમાર્ગીય રસ્તાને ફોર લેન બનાવવાનું આયોજન થઇ રહ્યું છે. જેમાં તંત્ર દ્વારા બંને સાઈડોએ ખોદકામ કરીને મેટલ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને હવે ત્યાં ડામર કામ કરવામાં ંઆવી રહ્યું છે. વાહનચાલકોની સુગમતા માટે તંત્ર દ્વારા લેવાયેલ નિર્ણય આવકારદાયક છે પરંતુ સચોટ આયોજન વિના થતી કામગીરીના કારણે કરોડોનો ખર્ચ વ્યર્થ જશેની અટકળો થઇ રહી છે.

સદાનાપુરા અને સામરખા ગામની વચ્ચે પસાર થતા એક્સપ્રેસ માર્ગ નીચેથી સામરખા - લીંગડા માર્ગ પસાર થાય છે. આ નાળું સાંકડું અને સીંગલપટ્ટી માર્ગ હોવાથી નાળું પહોળું કરવા અગાઉ સ્થાનિકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી હતી. પરંતુ તંત્રની મનમાનીના પગલે સાંકડા નાળાની સમસ્યા યથાવત રહેવા પામી છે. પરિણામે વારંવાર ટ્રાફિક સમસ્યા અને ચોમાસામાં સાંકડા નાળામાં પાણી ભરાઈ જવાની સમસ્યા વણઉકલી રહી છે. આ નાળાની બંને સાઈડોએ માર્ગ પહોળો કરીને ફોરલેન માર્ગ બનાવવાની કામગીરી માર્ગ-મકાન વિભાગે હાથ ધરી છે. પરંતુ સાંકડા નાળા માટે કોઈ ચોક્કસ આયોજન હાથ ધર્યું ન હોવાના કારણે ટ્રાફિક સમસ્યા યથાવત રહેવા પામી છે. આવી જ સ્થિતિ સામરખા ગામ નજીક પસાર થતી કેનાલ પર બનાવવામાં આવેલ પુલ પાસે જોવા મળે છે. વર્ષો જૂના સાંકડા નાળાની બાજુમાં ફોરલેન માર્ગને અનુરૂપ અન્ય પુલનું આયોજન કર્યા વિના પુલના બંને સાઈડોનો માર્ગ પહોળો કરાયો છે. પરંતુ માર્ગ પહોળો કરવા સાથે પુલની સ્થિતિ યથાવત જ રાખ્યાનું અણઘડ આયોજન તંત્ર દ્વારા હાથ ધરાયું છે. પરિણામે ૧૭ કિ.મી. માર્ગમાં થનાર ૨૬ કરોડ ઉપરાંતનો ખર્ચ મતલબ વિનાનો હોવાની ચર્ચાઓ થઈ રહી છે.