Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
ગલબાજી ઠાકોર
07/10/2018 00:10 AM Send-Mail
હું એક પ્રાકૃત માણસથી અભિભૂત થઇ ગયો છું. હમણા હમણાંથી એની વાણી લોપ પામી છે - નિર્વાક થઇ ગયો છું. પહેલા તો એ માણસ એટલો બધો બફાટ કરતાં-બોલતાં એટલો બધો ગુસ્સો કરતો કે આપણા માન્યામાં ન આવે! એણે ક્રોધમાં ને ક્રોધમાં ચીસો પાડી પાડીને એનો અવાજ પણ જાડો કરી દીધેલો. એટલું જ નહીં, એક વાર ગુસ્સે થઇ એના દીકરાને એવો મારેલો કે એનો પગ તોડી નાખેલો. આજેય એનો દીકરો ઘોડી લઇને ચાલે છે. આટલો બધો ગુસ્સો...! ત્યારે હું ચોથા-પાંચમામાં હોઇશ. એ ઊભો હોય ત્યાંથી નીકળવાનું નામેય ના લેતા અમે. બાળકોને દારૂડિયાની બીક લાગે એવી બીક ગામનાં છોકરાંને લાગતી હતી એનાથી. એવો કાળઝાળ આદમી! હમણાં હમણાંથી એનામાં ઓચિંતું પરિવર્તન આવ્યું છે. સાવ ફાટ્યાંતૂટ્યાં થીગડથાગડ લૂંગડાં, ઉઘાડે પગે, હાથે, પગે, કોટે નાડાછડીનો શણગાર... સવારથી સાંજ સુધી, બુધવારથી સોમવાર સુધી એની જીભ જ સીવાઇ ગયેલી. એક શબ્દ પણ ન બોલે. એને બોલતો સાંભળવો હોય તો તમારે અમારા ગામમાં મંગળવારે સાંજે આવવું પડે. ત્યારે એ મંગળવારે સાંજે જ બોલતો.

દરરોજ સવારે આકાશ જોઇને ઊઠે. થોડી વેળા આંખો બંધ કરી એ પથારીમાં બેસી રહે. નહાય-ધુએ. મંદિર-મહાદેવ જાય, ઉઘાડે પગે. હાથમાં માળા હોય. એ ગામના મંદિરને ઓટલે બેઠો રહે. એનું નામ ગલબાજી ઠાકોર. ગલબાજીનો વસ્તાર નાનો. ગલબાજી મૌન થઇ ગયા. પહેલાં તો ગાડું ચલાવતા, ખેતી કરતા, ખેતર સાચવતા, ભેંસો રાખતા. બધું જ કરતા... હવે તો એ... આખો દિવસ મંદિર અને મંદિરનો ઓટલો. એ ભલા અને એમનું કામ ભલું! ગલબાજીનું જીવન જ બદલાઇ ગયું.

બપોરે એક વાગે ઘેર જાય. પત્ની કે છોકરાની વહુ જે ખાવા આપે તો ખાઇ લે. ફરી પાછા મંદિરને ઓટલે. દિવસમાં એક જ વાર જમે. કોઇની ચા પણ નહીં પીવાની એવી એમની પ્રતિજ્ઞા. શરૂ શરૂમાં તો અમે એમનાથી ડરતા. પણ નાના છોકરાઓ એમના માથે, પગે, શરીરે હાથ અડાડી પજવતા - મને થતું કે હમણાં એકાદાને ધબ દઇને ઠોકશે. હમણાં કોઇ એકનું આવી બન્યું જ સમજો ને! પણ એ તો ન બોલે કે ના ચાલે. ચુપચાપ સહ્યા કરે. એમનું જીવન પણ સાદું. એ ગલબાજી હતા તો ઉના લાહ્ય જેવા આકરા અને આમ ટાઢાબોળ શીદ થઇ ગયા હશે? એ મારા વિસ્યમનો વિષય. ગલબાજી મૂળ ઠાકોર કોમના. કોઇ ગલબો ઠાકોર પણ કહે, કોઇ ગલબો દરબાર, કોઇ ગલબા મગન એમ ટૂંકાક્ષરી નામે ઓળખે તો ક્યારેક કોઇ ગલબો ડોડી જેવા વિશેષણથી એમને ઓળખતું. લગ્ન પછી બે સંતાન થયા બાદ આમ એમના જીવનમાં એક જબ્બર પરિવર્તન આવી ગયું! પરિવારજનો, સગાંવહાલાં, ગામનાં લોકો બધાંય નવાઇમાં કે આ વળી શું? ગલબાજી મૂળ ખેડૂત. બળદો રાખે. બળદોથી ગામનો કોસ જોડે. ગાડું જોડી અનાજ લાવે-લઇ જાય. બાજુના રાંધેજા ગામમાં ગંજબજાર - અમારા ગામનું અનાજ લોકો ગલબાજીને ગંજમાં લઇ જવા કહેતા. શરૂ શરૂમાં તો ગલબાજીને સીધું પૂછવા ઘણાંએ કોશિશ કરેલી. ગલબાજીનાં પત્ની હીરુમાએ પણ એમ જ કહ્યું - ‘કુણ જાર્ેણે ભા! વાચા જ જતી રેૈ.’ ગલબાજી ક્યારેક સંકેતોથી પોતાની વાત કહેતા - એક વાર ગામ ભેગું થયેલું. ગામવાળાઓએ ગલબાજીની પાસેથી કારણ જાણવા ઘણી કોશિશ કરેલી પણ ગલબાજીએ ઉત્તર નહોતો આપ્યો. ત્યારથી ગામવાળા એમ સમજતા થઇ ગયેલા કે ગલબાજીને કોઇએ મૂઠ મારી, કોઇએ કંઇક માતા મૂકી, કોકે ગલબાજી ઉપર દાણા વાળ્યા, કોકે કંઇક કરી નાખ્યું. ભાતભાતની વાતો ચાલે - કોઇ ચૂડેલ, કોઇ જિન, કોઇ ભૂતપ્રેત વળગ્યાનું પણ કહેતું. કોઇ કહેતું આકરો - ક્રોધી હતો એટલે કાળકા માતા કોપાયમાન થયા હશે. કોઇ વળી એમ પણ કહેતું કે એના દીકરાનો ટાંટિયો તોડી નાખ્યો એનો પસ્તાવો કરતો હશે. હીરામાની પાસે હું ક્યારેક જતો. મેં એમને પૂછ્યું ત્યારે હીરામા કહે - ‘ભૈ, એક દારો રાંધેજેથી ગાડું લઇ ગયા પછી સુનમુન થૈ ગ્યા, ઘેર આઇ ન સીધા બળદ લઇ હવાડે જ્યા..., કોહ જોડ્યો... ગાયોને પોણી પાયું. ને મૂંગામંતર.’ ‘અમે તો ભૈ ઘણી બાધાઓ રાખી, નાળિયેર મોન્યાં... પણ...’ ગલબાજી રોજ સવારે કોશ જોડે, હવાડો ભરે. રબારીઓની ગાયોને પાણી પીવડાવે, મૂંગા જીવોને ઠારે. એક વાર અમારા ગામમાં એક બોબડા મહારાજ આવેલા. તમે સ્લેટમાં પ્રશ્ન લખો એટલે એ જવાબ તમને લખીને આપે. ગુજરાતી જાણે નહીં એટલે મારી પાસે હિન્દીમાં પ્રશ્ન પુછાવાયો. ગામના સરપંચ દ્વારા મેં લખ્યું - ‘હમારે ગલબાજી કો ક્યા હુઆ?’ બોબડા મહારાજે આપેલા ઉત્તરનો મતલબ આમ હતો - ‘એ હવે ઉપરવાળા સાથે વાતે વળ્યા છે એટલે તમારી જોડે વાતો નહીં કરે.’ પછી તો મંગળવાર આવે એટલે આસપાસનાં ગામેગામથી લોકો આવે. ગલબાજીનાં દર્શન કરવા... ટોળેટોળાં. બે હાથ જોડી લોકો ગલબાજીને પગે લાગે, ગલબાજીને લોકો પ્રશ્નો-સવાલો પૂછે, ગલબાજી એમાંથી કોઇ એકાદ-બે જણને બે શબ્દમાં જવાબ આપે. બાકી બધા પાછા જાય. પછી બીજા મંગળવારે... એમ ગલબાજીનો મહિમા વધતો ગયો, દૂર દૂર સુધી. એક વાર વરસતા વરસાદમાં તેમને ત્યાં હું ગયો હતો. એ એક મંગળવારે મારો વારો આવ્યો હતો. હુંય એક મૂંઝવણ લઇને ગયેલો- મેં પૂછેલું - ‘અમારા ગામના ગલબાજી બોલતા કેમ નથી?’ ત્યારે તેમણે કહેલું - ‘ભૈ ક્રોધ તો હડકાયા કૂતરા જેવો. જેમ હડકાયા કૂતરાની લાળ ઢોર અથવા મનેખને અડે તો તે પણ હડકાયા કૂતરા જેવો થાય. ક્રોધ એ કસાઇ છે. બીજાને દુ:ખી કરે, ક્રોધ ન લાવવો હોય તો મમત્વ છોડી દેવું જોઇએ. એ મમત્વ મેલી રહ્યો છે.’ પછી ગલબાજી હસ્યા. ખડખડાટ હસ્યા. મેં પહેલી વાર એટલું હસતા જોયા. એટલે સહજ પૂછ્યું - ‘હેમ હસ્યા?’ ત્યારે તેમણે કહ્યું - ‘ભૈ હાંભળો, એ વાતને હસી ના કાઢતા.’ ‘અરે હોય ગલબાજી!’ ‘જો ભૈ, હું ઊનો લહાય જેવો આકરો હતો - એ તો આખું ગોમ જેણે છ્અ!’ એક વાર હું રાંધેજ અનાજ લઇ જતો તો. રસ્તામાં એક ગાય બેઠેલી. હશે મોદી. ગાડું ઊભું રહ્યું. ગાયને ઉઠાડવા મેં ગાડામાં બેઠાં બેઠાં ઘણું જોર કર્યું પણ એ ઊઠી નહીં. પછી તો હું મારા સ્વભાવ પ્રમાણે કાળઝાળ થઇ ગ્યો - ગાયના તો રોમ... ભૈ રોમ... એટલું બોલતાં બોલતાં એમની આંખો ભીની થઇ ગઇ. પછી એમણે આંખો મીંચી દીધી. થોડી વાર પછી મેં પૂછ્યું - ‘ગલબાજી પછી શું થયું?’ ‘...’ એ ન બોલી શક્યા. હું ‘પછી?’ ‘પછી?’ પૂછતો જ રહ્યો. એ ન જ બોલી શક્યા. આખરે એમણે બે હાથ જોડ્યા ને હું ચૂપ થઇ ગયો. ત્યાર પછીથી એ મંગળવારે પણ નથી બોલતા. જાણે એમની જીભ સિવાઇ ગઇ. લોકો હવે એમને કશું નથી પૂછતા. મારે હજુ ઘણું પૂછવાનું બાકી છે પણ શી રીતે પૂછું? કોને પૂછું?