Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
રાહુલ એક વીંટી પહેરતો હતો જેને તે મીનાજીએ આપેલી એન્ગેજમેન્ટ રીંગ ગણાવતો...
07/10/2018 00:10 AM Send-Mail
મીનાકુમારી અને રાહુલ સાથે ગયેલા અભિનેતા જાનકીદાસના કહેવા મુજબ, અમાન સાહેબે મીનાજીને સમજાવ્યાં કે તેમના કાયદેસરના તલાક થયા ન હોઇ તે હજી કમાલ અમરોહીનાં પત્ની જ ગણાય. તેમને ઇસ્લામનો શરિયા કાનૂન (શરિયત) લાગૂ પડે અને તેથી એક શાદીશુદા ઔરત બીજાં લગ્ન ન કરી શકે. પણ મીનાકુમારી જીદ પર હતાં. તેમણે રાહુલને મુસ્લિમ બનવા રાજી કરેલો હતો, જેથી ધાર્મિક મુદ્દા ઉપસ્થિત ન થાય. હવે જો એ શક્ય ન હોય તો ચર્ચમાં મેરેજ કરવાનો રસ્તો વિચારાયો. એમ નક્કી થયું કે બન્ને ખ્રિસ્તી ધર્મ અપનાવશે. એટલે બધાંએ કારમાં ફરી ફરીને અડધી રાત્રે એક ચર્ચ શોધી કાઢયું. ત્યાંના પાદરીને લગ્ન કરાવી આપવા વિનંતિ કરી. પણ ફાધરે જોયું કે મીનાજી અને રાહુલ બન્નેના મોંમાંથી શરાબની વાસ આવતી હતી. તેમણે કહ્યું કે નશાની હાલતમાં ધર્મપરિવર્તન ના થઈ શકે. સવારે બન્ને સાદી સ્થિતિમાં આવે તો જરૃરી બધી પ્રક્રિયાઓ થઈ શકશે. દારૃનો વાંધો કોઇપણ ધાર્મિક વિધિમાં આવી શકે. એટલે થોડી રાહ જોવાઇ અને રાતના ત્રણેક વાગતા સુધીમાં બન્ને સૉબર થવા માંડયાં હતાં. સાદા હાલમાં પણ મીનાકુમારી હઠે ચઢેલાં હતાં. લગ્નવિધિ રાત્રે જ પૂર્ણ કરવો છે. અમાન સાહેબે ત્રીજો વિકલ્પ સૂચવ્યો આર્ય સમાજની રીતે લગ્ન થઈ શકે.

આર્ય મંદિર, સાન્તાક્્રુઝના એક અગ્રણી બક્ષીબાબુ સાથે જાનકીદાસનો પરિચય હતો. એટલે સૌ પહોંચ્યાં આર્ય મંદિરે! અગ્નિકુંડ અને ફુલહારની વ્યવસ્થા થતી હતી, તે દરમિયાન બક્ષીએ કહ્યું કે ચાર સાક્ષીઓની જરૃર પડશે. મીનાકુમારીના માતૃપક્ષના પૂર્વજો હિન્દુ હતા. તેથી તેમનું ધર્મપરિવર્તન શક્ય અને સરળ હશે. પરંતુ, એ પ્રસિધ્ધ વ્યક્તિ છે એટલે બે હિન્દુ અને બે મુસ્લિમ હોય એવા જાણીતા સાક્ષીઓની હાજરીમાં બધો વિધિ થાય તો ભવિષ્યના સંભવિત ગુંચવાડા ટાળી શકાશે. ત્યાં સાથે આવેલા સ્ક્રિપ્ટ રાઇટર અમાન સાહેબ (મુસ્લિમ) અને એક્ટર જાનકીદાસ (હિન્દુ ) એમ ચાર પૈકીના બે જાણીતા સાક્ષીઓ તો હાજર હતા. હવે બેઉ ધર્મના બીજા એક એક સેલીબ્રીટી આવી જાય તો વાત પતી જાય. એટલે અમાન સાહેબે કે. આસિફને બોલાવ્યા, જે 'મુગલ-એ-આઝમ'ના સર્જક તરીકે જાણીતા હતા. જયારે બીજી પસંદગી અશોક કુમારના બનેવી શશધર મુકરજીની થઈ. તે પણ ઇન્ડસ્ટ્રીના બહુ સિનિયર આગેવાન નિર્માતા હતા. બન્નેએ એટલી મોડી રાત્રે પણ પહોંચવાનું કન્ફર્મ કર્યું. કે. આસિફ આવી પહોંચ્યા અને તેમણે મીનાકુમારી સાથે એકાંતમાં વાર્તાલાપ કરવા રાહુલને બહાર બીજા રૃમમાં બેસાડયો. રાહુલ એક વીંટી પહેરતો હતો જેને તે મીનાજીએ આપેલી 'એંગેજમેન્ટ રીંગ' ગણાવતો હોવાની ગોસીપ પણ ફિલ્મ ઉદ્યોગમાં ત્યારે ચર્ચાતી હતી. તેથી તેના અને મીનાકુમારીના સંબંધો જાણીતા હોઇ આસિફને ખાસ તો મીનાજીની ઇચ્છાની ખાત્રી કરવાની હતી. પરંતુ, આવા કિસ્સાઓમાં આજે પણ બની શકે છે એમ, તે રાત્રે પણ, એ સમયનો ઉપયોગ દુલ્હન થવા ધર્મપરિવર્તન કરવા સુધી તૈયાર મહિલાને સમજાવવામાં થયો. આસિફના કમાલ અમરોહી સાથેના સંબંધોથી મીનાકુમારી સહિતના સૌ વાકેફ હતા. આસિફે 'મુગલ-એ-આઝમ' ના લેખન માટે કમાલ સાહેબને '૫૦ના દાયકામાં દર સીનના દસ હજાર રૃપિયાનું ધરખમ પેમેન્ટ કર્યું હોવાનો ખુલાસો અમરોહીના દીકરા તાજદારે કરેલો છે.

કે. આસિફે પોતાના મિત્ર કમાલ અમરોહી માટે મીનાકુમારીને 'પાકીઝા'નો વાસ્તો આપ્યો. કમાલ સાહેબ બરબાદ થઈ જશે અને તારું એક સરસ પિક્ચર અધુરું રહી જશે વગેરે વગેરે. દરમિયાન એસ. મુકરજી પણ આવી પહોંચ્યા. તેમણે બહાર બેઠેલા રાહુલને પોતાની રીતે લીધો. એ ખખડાવી શકે એવી પોઝીશનમાં એટલા માટે પણ હતા કે જે 'યુનાઇટેડ પ્રોડયુસર્સ'ના નેજા હેઠળ યોજાયેલી ટેલેન્ટ કોન્ટેસ્ટમાં રાહુલ એક્ટર બનવાનો ક્લેઇમ કરતો હતો, તે સંસ્થાના એક સદસ્ય તેમના ભાઇ સુબોધ મુકરજી પણ હતા. બન્ને આગેવાનોએ આ લગ્ન હિન્દુ કે મુસ્લિમ કોઇપણ મજહબના ધર્મપરિવર્તન સાથે થશે તો દેશભરમાં કોમી તનાવ થઈ શકવાના ભયની પણ વાત કરી. "આ લોકો આપણને શાદી નહીં કરવા દે" એમ મીનાજીને કહીને રાહુલ ત્યાંથી નીકળી ગયો. (તે પછી રાહુલનું કોઇ નામ-નિશાન ઇન્ડસ્ટ્રીમાં નથી મળતું. એટલે સુધી કે વિકિપિડિયામાં પણ 'રાઝ'ની વિગતોમાં તેનો નામોલ્લેખ સુધ્ધાં નથી!) પોતે લગ્નના કરેલા એ ગંભીર પ્રયાસ અંગે પછી મીનાકુમારીએ તેને અફવા ગણાવી અને એમ પણ કહ્યું હતું કે 'રાહુલ તો મારા દીકરાની ઉંમરનો છે.' પણ ઇન્ડસ્ટ્રીના અને બહારના આટલા બધા લોકો જેમાં ઇન્વોલ્વ હોય એ ઘટના સાવ પાયા વિનાની તો ન જ હોય. તેની ચર્ચા થયા વગર રહે કે? બીજા દિવસથી ચારે તરફ એ 'લગભગ લગ્ન'ની ગોસિપ થવા માંડી હતી. તે જ દિવસોમાં ધર્મેન્દ્ર પણ વિદેશમાં 'આંખે'નું શૂટિંગ પતાવીને મુંબઈ પરત આવી ગયા હતા. તેથી તે સમયની આ બાબતે ચાલતી નાની મોટી અફવાઓને ઠંડી પાડવા પણ એવું કોઇ સ્ટેટમેન્ટ મીનાકુમારીએ આપ્યું હોય એમ માનનારા ત્યારે પણ ઓછા લોકો નહતા. એ પૈકીના એક ચરિત્ર અભિનેતા જાનકીદાસે ૧૯૯૮માં જાણીતા લેખક મોહન દીપને તે ઘટનાનું વિગતવાર વર્ણન કર્યું હતું. તે પબ્લિશ થયા પછી પણ તેમાં તે રાત્રે સામેલ એવા જાનકીદાસ સાથેના અન્ય કોઇએ કે તેમના વારસદારોએ નકાર્યું હોવાનું જાણમાં નથી. પરંતુ, એ બનાવ પછી 'પાકીઝા'નું ભાવિ તો વધારે અંધકારમય લાગવા માંડયું હતું. કારણ કે હવે મીનાકુમારીને અંગત જીવનમાં હતાશાએ એવાં ઘેર્યાં હતાં કે શરાબનો સહારો વધુને વધુ લેવા માંડયો હતો. ફિલ્મ ઉદ્યોગમાં સૌથી મોટી ચિંતા એ હતી કે જેના ઉપર ૪૦-૪૫ લાખ રૃપિયા લાગ્યા છે એવા મેગા પિક્ચર 'પાકીઝા'નું શું થશે? 'પાકીઝા' માટેની એવી ફિકર નવી નહતી. તે અગાઉ, ચાર વર્ષ પહેલાં ૧૯૬૪માં, પણ એ ગુંચ ઉકેલવા કમાલ અમરોહીએ મોટાપાયે પ્રયાસો કર્યા હતા. તેની વિગતો જાણવા આપણે, ગુલઝાર સાહેબની ફિલ્મોની માફક, ફ્લેશબેકમાં જવું પડશે. એ સમય હતો મીનાકુમારીની કરિયરનો સૌથી ચમકતો સમય! તે વખતે કમાલ અમરોહીને કદાચ એ સમજાઇ ચૂક્યું હતું કે બાકરની એક ભૂલ (થપ્પડ)ને લીધે પોતે એવા ગુંચવાડામાં ફસાયા હતા કે કોર્ટ-કચેરીમાં વાત વધુ વણસે એ પહેલાં રિપેરીંગ કરવા જેવું હતું. તેથી ઓગસ્ટ ૧૯૬૪માં, એટલે કે પતિનું ઘર છોડયાના દોઢેક વર્ષ પછી જ્યારે મીનાકુમારી અને કમાલ અમરોહી વચ્ચે કાનૂની જંગ ચાલતો હતો ત્યારે, કમાલ સાહેબ તરફથી પહેલ થઈ હતી. સૌ પ્રથમ તો ઝગડાના મૂળમાં જેમનું વર્તન હતું એવા તેમના મિત્ર બાકર અલીનું જાહેર નિવેદન આવ્યું. તેમને કારણે પતિ-પત્નીમાં અલગાવ થયાનો ઉલ્લેખ કરીને તેમણે પોતાના સ્ટેટમેન્ટમાં બધી વાતોનો સવિસ્તાર ઉલ્લેખ કર્યો. તેમાં 'પાકીઝા' ઉપર લાગેલા ૪૫ લાખ અંગે અને મીનાકુમારી પોતાની દીકરી સમાન હોવાનું પણ કહ્યું હતું. ઉપરાંત ગુલઝાર અંગે પણ બાંધ્યા ભારે જણાવ્યું હતું. ગુલઝારને પોતે મીનાકુમારીના મેકઅપ રૃમમાં જતા કેમ રોક્યા હતા તે વિશે બાકરના એ નિવેદનમાં છે કે કમાલ એ જાણી ચૂક્યા હતા કે એક કવિ-લેખક સાથે તેણીના સંબંધો ખુબ નિકટના ('વેરી ઇન્ટિમેટ') થયેલા હતા... એક પતિને પોતાની મર્દાનગીનું અપમાન થતું પસંદ ના હોય.... વગેરે વગેરે અને સાથે સાથે 'પાકીઝા' પૂરી કરવી જોઇએ એવી વિનંતિ પણ એ જાહેર નિવેદનમાં કરી હતી. પણ મીનાકુમારીએ ગુલઝાર અંગે કે અન્ય કોઇ બાબતે કોઇ રિસ્પોન્સ જ ના આપ્યો. એટલે ખુદ કમાલ અમરોહીએ કલમ ઉઠાવી અને તેમણે એક અંગત લેટર પોતાની 'મંજુ'ને લખ્યો, પણ આશ્ચર્યજનક રીતે તેનું સંબોધન 'મેહજબીન' તરીકે કર્યું. તેમાં બન્ને વચ્ચે ચાલતા કાનૂની કેસોની વિગત આપી. તેમણે એ પત્રને 'આપણી લવસ્ટોરીનું અંતિમ પૃષ્ઠ' એવું સન્માન આપીને પોતાની ઓફર મૂકી. તે અનુસાર, જો મીનાકુમારી તે પત્ર સાથે મોકલેલા ડોક્યુમેન્ટ્સ સાથે સંમત થાય તો કમાલ અમરોહી 'મહલ પિક્ચર્સ'ના પોતાના તમામ શેર મીનાજીને નામે કરવા માંગતા હતા. ઉપરાંત લગભગ ૮૦૦ શબ્દોના વિસ્તારવાર લખાયેલા એ અંગત-કમ-કાનૂની પત્રમાં કમાલે લખ્યું કે "મહલ પિક્ચર્સ અને તેની તમામ પ્રોપર્ટી, તમામ ખાતાં, 'પાકીઝા'ની તમામ મિલકત, કમાલ સ્ટુડિયો, તમામ જમીનો, તમારા કરારો, તમારું તમામ મહેનતાણું, વેરાવાલી એસ્ટેટના તમામ રાઇટ્સ, મારા એક માત્ર સેન્ટ્રલ બેંકના ખાતાના લોકરની ચાવી, તમારાં ઘરેણાં અને કપડાં બધું તમને સોંપું છું...." એ પત્રમાં બાકર સાથેના મીનાજીના પિતા-પુત્રી જેવા સંબંધોની પણ વાત કરી હતી. અંતે વિનંતિ કરી કે "તમે આ બધી ધનદૌલત લઈ લો; પણ મહેરબાની કરીને મને એ આરોપમાંથી મુક્ત કરો કે મેં તમને લૂંટી લીધાં છે અને ત્રણ લૂગડાંભેર ફુટપાથ પર ધકેલી દીધાં છે.... તમે તલાક મળ્યા પછી 'પાકીઝા' પૂર્ણ કરવાનું કહો છો. હું કહું છું કે મારી આ બધી મિલ્કતો સ્વીકારીને મને મુક્ત કરી દો. પછી હું છુટાછેડા આપીશ અને ત્યાર બાદ તમારી ઇચ્છા હશે તો 'પાકીઝા' કમ્પલિટ કરીશું." હકીકતમાં, એ આખા પત્રમાં સાચો મુદ્દો 'પાકીઝા' પૂર્ણ કરવાનો હતો. તેની આસપાસ "તમે મોટાં સ્ટાર છો.... તમે પ્રેક્ષકોને ખેંચી લાવી શકશો... તમારી પાસે બોક્સ ઓફિસનો પાવર છે...." જેવા નતમસ્તકે વિનવણી કરવાની અદાના શબ્દો હતા. 'પાકીઝા'ની અગત્યતા કોઇ ડિવોર્સ કેસમાં જેનો હવાલો (કસ્ટડી) સૌથી કેન્દ્રવર્તી મુદ્દો હોય એવા બાળક જેવી હતી. કમાલ અમરોહી મીનાકુમારીને 'પાકીઝા' માટે લાગણીવશ કરવા માગતા હશે તો પણ મીનાજીએ ઇમોશન્સમાં તણાયા વગર એ પત્રનો જવાબ પોતે આપવાને બદલે વકીલ મારફત અપાવ્યો! એ પત્રોની કોપીઓ પછીથી ખુદ કમાલ અમરોહીએ પત્રકાર પરિષદ ભરીને મીડિયાને આપી હતી. તેમનો આશય પોતાના ઉપર પત્નીની કમાણી હડપ કરી જવાના આરોપોનો ખુલાસો કરવાનો હશે અને/અથવા 'પાકીઝા' પર લાખ્ખો રૃપિયા ધીરનારા લેણદારોને એ બતાવવાનો પણ હોય કે પોતે બધી રીતે સમાધાન કરવા તૈયાર હોવા છતાં ગુંચ ઉકલતી નથી. મીનાકુમારીએ તે લોભામણી લાગી શકે એવી માલ-મિલ્કતથી છલકતી ઓફરનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો! તેમણે એ દરખાસ્ત કેમ નથી સ્વીકારવી તેના જવાબમાં ઇન્કમટેક્ષ સહિતના સવાલો ઉઠાવ્યા અને અંગત પત્રનો જવાબ જાતે ન આપ્યો. તેમના વકીલ જીજાજી મારફત અપાવ્યો. એડવોકેટ કિશોર શર્માએ કમાલ અમરોહીને નહીં પણ તેમના એડવોકેટને 'ડિયર સર...'નું સંબોધન કરીને પ્રત્યુત્તર મોકલ્યો, "મારાં અસીલ શ્રીમતી મીનાકુમારીને તમારા અસીલ, શ્રીમાન સૈયદ અમીર હૈદર જે કમાલ અમરોહીના નામે પણ ઓળખાય છે તેમણે, ૨૫મી ઓગસ્ટ ૧૯૬૪ના રોજ લખેલ પત્ર મળ્યો છે. અમારા અસીલના નિર્દેશ અનુસાર તે પત્રનો જવાબ નીચે દર્શાવ્યા મુજબનો છે....." (ક્રમશઃ)